વડોદરામાં પોલીસે કેવી રીતે ‘ફરિયાદી’ દલિતોને ‘આરોપી’ બનાવી દીધાં?

વડોદરામાં એક દલિત પરિવારના નવા મકાન પર ગુંડાઓએ ગેરકાયદે કબ્જો કર્યો હતો, તેની ફરિયાદ નોંધવાને બદલે પોલીસે કેવી રીતે 75 દલિતોને આરોપી બનાવ્યા તે સમજો.
How did the police turn Dalit complainants into accused in Vadodara

વડોદરા: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી પોલીસ દ્વારા મનમાની કરીને ફરિયાદીને જ આરોપી બનાવી તેમની સામે કાર્યવાહી કરવાનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. જેના કારણે અનેક લોકો ન્યાયથી વંચિત રહી જાય છે અને ઉલટાનું તેમણે ખુદ બચાવ કરવો પડે છે. આનું તાજું ઉદાહરણ હાલ વડોદરા શહેરમાં 75 જેટલા દલિતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી છે. આખી ઘટનામાં જેની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈતી હતી તે અસામાજિક તત્વો સામે પોલીસે કોઈ એક્શન લીધાં નહીં અને ફરિયાદીને જ આરોપી કેવી રીતે બનાવી દીધાં હોય તેમ જણાય છે.

લોકશાહી અને બંધારણમાં સામાન્ય નાગરિકને ન્યાય મેળવવાનો અધિકાર છે, પરંતુ વડોદરામાં અનુસૂચિત સમાજના લોકો સાથે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા વ્યવહારે આ વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક દલિત પરિવારના નવા ઘરમાં અસામાજિક તત્વો દ્વારા ઘરનું તાળું તોડી, ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પોતાનો સામાન મૂકી દેવાની ગંભીર ઘટનાથી શરૂ થયેલો આ વિવાદ આજે પોલીસ બર્બરતાની ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યાય મેળવવા માટે કાયદાના દરવાજે ગયેલા પીડિતો અને દલિત સમાજના કાર્યકર્તાઓને જ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા

તાળું તૂટવાથી લઈને દલિતો પર લાઠીચાર્જ સુધી

મે 2026 ના રોજ આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. જેમાં અસામાજિક તત્વો દ્વારા એક દલિત પરિવારના નવા મકાનમાં બિનઅધિકૃત પ્રવેશ કરી, તાળું તોડીને ઘર પર કબ્જો જમાવી લીધો હતો, જેની સામે ન્યાયની આશાએ અનુસૂચિત સમાજના કાર્યકર્તાઓ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શીરે છે તેવા ASI નિપુલભાઈ રમણભાઈ દ્વારા કાર્યકર્તાઓને ન્યાય આપવાના બદલે વારંવાર દલિત સમાજના લોકો માટે જાહેરમાં જાતિસૂચક અને અપમાનિત કરનારા શબ્દો બોલી બંધારણીય ગરિમાના લીરેલીરા ઉડાડ્યા હતા.

આ જાતિસૂચક અપમાનનો વિરોધ કરીને કાર્યકર્તાઓએ બાપોદ પોલીસ સ્ટેશનના PI લાડુમોર ને મૌખિક રજૂઆત કરી હતી. જોકે, PI લાડુમોરે કાયદાકીય પગલાં લેવાને બદલે માત્ર ખોટા આશ્વાસનો આપી સમય પસાર કર્યો હતો. “તપાસ કરી લઈએ”, “ઉપલા અધિકારી સાથે વાત કરવી પડશે” જેવા બહાના હેઠળ પીડિતોને સાંજ ના 06 વાગ્યા સુધી ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

રાત્રિના સમયે અધિકારીઓનું દબાણ અને બળપ્રયોગ

સાંજે ACP બાંભણીયા સાહેબ પોલીસ સ્ટેશને આવતા તેમને ફરી મૌખિક રજૂઆત કરાઈ, જેના આધારે તેમણે તપાસ કરી FIR દાખલ કરવાનો આદેશ આપ્યો. સાંજે 07 વાગ્યાથી FIR દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ખરી, પરંતુ કાયદાની ઉપરવટ જઈને રાત્રે 10 વાગ્યે કોઈ ઉપલા અધિકારીના દબાણ હેઠળ આ કામગીરી અટકાવી દેવામાં આવી.

રાત્રે 11.30 વાગ્યે DCP અભિષેક ગુપ્તા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કાર્યકર્તાઓની રજૂઆત સાંભળી તેમણે સ્પષ્ટ કહી દીધું કે, “કોઇપણ કિંમત પર FIR દાખલ કરવામાં આવશે નહીં, તમે અહીંયા થી જતા રહો.” એટલું જ નહીં, રાત્રે 12 વાગ્યાની આસપાસ ન્યાયની આશાએ બેઠેલા લોકોને પોલીસ સ્ટેશનમાંથી બળપૂર્વક બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.

કાયદાના પુસ્તક સામે સત્તાનો અહંકાર

પોલીસ સ્ટેશન સ્તરે ન્યાય ન મળતા, 16 તારીખે શનિવારે બપોરે 2.00 વાગ્યે કાર્યકર્તાઓ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા અને લેખિત ફરિયાદ સોંપી. પરંતુ ત્યાં પણ માત્ર આશ્વાસન જ મળ્યું, કોઈ નક્કર કાર્યવાહી થઈ નહીં.
ત્યારબાદ, 18 મે ના રોજ કમિશનર સાહેબની કપુરાઇ પોલીસ સ્ટેશનમાં જન સંપર્ક સભા હતી. ત્યાં ફરી રજૂઆત કરવા પહોંચેલા કાર્યકર્તાઓને મળ્યા વિના જ કમિશનર નીકળી ગયા. જોકે, ત્યાં હાજર DCP અભિષેક ગુપ્તા સાથે કાર્યકર્તાઓએ કાયદાકીય ચર્ચા કરી. કાર્યકર્તાઓ સાથે એટ્રોસિટી એક્ટનું પુસ્તક હતું, જેમાં સ્પષ્ટ જોગવાઈઓ બતાવીને તેમણે DCP સાહેબને ધ્યાન દોર્યું કે: એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધવા માટે કોઈ પ્રાથમિક તપાસની જરૂર નથી. કોઈ સરકારી અધિકારી વિરૂદ્ધ FIR કરવા માટે ઉપલા અધિકારીની પરમિશનની જરૂર રહેતી નથી. એટ્રોસિટી એક્ટ અન્ય સામાન્ય કાયદાઓ કરતા ઉપરવટ છે.

આ બધી કાયદાકીય માહિતી પુસ્તકમાં પ્રત્યક્ષ વાંચ્યા પછી પણ DCP સાહેબે અહંકારપૂર્વક નિવેદન આપ્યું કે, “ભલે કાયદા માં લખેલ હોય પરંતુ અમે અમારી મરજી મુજબ જ કામ કરીશું.” આ જ દર્શાવે છે કે તંત્ર માટે કાયદાના નિયમો કરતા પોતાની મરજી વધુ મહત્વની છે. ત્યારબાદ 19 તારીખે ફરી PI લાડુમોરને લેખિત રજૂઆત કરાઈ, પણ પરિણામ શૂન્ય રહ્યું.

આ પણ વાંચોઃ વડોદરામાં પોલીસ લોકઅપમાં આદિવાસી યુવકનો આપઘાત

How did the police turn Dalit complainants into accused in Vadodara
વડોદરામાં રેલી દરમિયાન થયેલા ઘર્ષણની તસવીર

શાંતિપૂર્ણ આંદોલન અને પોલીસની બર્બરતા

તમામ કાયદાકીય અને વહીવટી રજૂઆતો નિષ્ફળ ગયા બાદ, અંતે ન્યાય મેળવવા માટે 31 મે ના રોજ અનુસૂચિત સમાજ અને આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે એક શાંતિપૂર્ણ પગપાળા રેલીનું આયોજન કર્યું હતું. બંધારણીય જોગવાઈ મુજબ પોલીસ કમિશનર પાસે રેલીની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ તેમણે પણ કાયદાની ઉપરવટ જઈ મંજૂરી આપવાનો સાફ ઈનકાર કરી દીધો.

છતાં, પ્રશાસન સુધી અવાજ પહોંચાડવા કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રેલી કાઢી પોલીસ ભવન પાસે પ્રતીક ધરણા કર્યા. કાળઝાળ તડકામાં પીડિતો અને બહેનો ન્યાય માટે બેઠા રહ્યા, જ્યારે પોલીસ અધિકારીઓ પોતાની AC ઓફિસોમાં બેસીને તમાશો જોતા રહ્યા. તંત્રનું ધ્યાન ખેંચવા જ્યારે કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક રીતે રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સત્તાના નશામાં ચૂર પોલીસ તંત્ર અસલી ક્રૂરતા પર ઉતરી આવ્યું.

પોલીસે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ કર્યું, ધક્કામુક્કી કરી અને આંદોલનમાં જોડાયેલી મહિલાઓ તથા બહેનો સાથે જોરજબરદસ્તી કરી અભદ્ર વ્યવહાર કર્યો. પ્રશાસને અમાનવીય બળ પ્રયોગ કરીને લાઠીચાર્જ કર્યો, નિર્દયતાપૂર્વક કાર્યકર્તાઓને રસ્તા પર ઘસીટીને બર્બરતાપૂર્વક ધરપકડ કરી.

આ પણ વાંચોઃ વડોદરામાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે

મુખ્ય મુદ્દો: ફરિયાદી બન્યા આરોપી

આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો અને આઘાતજનક વળાંક એ છે કે, જે દલિત પરિવારના ઘર પર ગેરકાયદે કબ્જો થયો હતો અને જેમના કાર્યકર્તાઓને જાતિસૂચક અપશબ્દો કહી અપમાનિત કરાયા હતા, તે ગુનેગારો કે પોલીસ અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. તેના બદલે, પોતાના હક્ક અને ન્યાય માટે શાંતિપૂર્ણ લડત લડી રહેલા અનુસૂચિત અને આદિવાસી સમાજના 75 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે જ ખોટા કેસો નોંધીને તેમને ગુનેગાર તરીકે ફસાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે છે કે માત્ર સત્તાધીશોની મરજી મુજબ ચાલતું તંત્ર છે? વડોદરાની આ ઘટનાએ દલિત સમાજમાં ભારે રોષ અને અસુરક્ષાની લાગણી જન્માવી છે.

(અહેવાલઃ મનહરભાઈ રોહિત, પ્રત્યક્ષદર્શી, વડોદરા)

આ પણ વાંચોઃ વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x