જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં ફરી એકવાર એક દલિત સગીરા પર દુષ્કર્મ થયું છે. અહીંના સૈફની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવ્યાંગ દલિત સગીરા સાથે તેના જ ઘરમાં ઘૂસીને એક યુવકે ધોળા દિવસે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે રોષ અને તણાવની સ્થિતિ પેદા થઈ છે. સાવચેતીના ભાગરૂપે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પીડિતાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સગીરાને એકલી જોઈ આરોપી ઘરમાં ઘૂસ્યો
પીડિત સગીરાની માતા દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગુરુવારે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ કપડાં સીવડાવવા માટે ઘરની બહાર ગયા હતા. આ સમયે તેમની 15 વર્ષની દિવ્યાંગ પુત્રી ઘરમાં એકલી હતી. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને આરોપી સાબિર બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. સગીરા શારીરિક રીતે અક્ષમ હોવાને કારણે તે આરોપીનો પ્રતિકાર કરવામાં અસમર્થ રહી હતી.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર જયંતી નિમિત્તે ઢસાથી ધોળા સુધી શોભાયાત્રા નીકળી
માતા અને પડોશીઓએ આરોપીને પકડ્યો છતાં ભાગી છૂટ્યો
થોડા સમય પછી જ્યારે માતા પરત ફરી ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો ખોલાવવા માટે બૂમો પાડી, પરંતુ અંદરથી પુત્રીની ચીસોનો અવાજ સંભળાયો હતો. માતાએ કોઈક રીતે અંદર જોતાં આરોપી સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. માતાએ તુરંત જ બૂમાબૂમ કરતાં આરોપી સગીરાને છોડીને ધાબા તરફ ભાગ્યો હતો.
બૂમો સાંભળીને આસપાસના પડોશીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા સાબિરને રંગેહાથ પકડી લીધો હતો. જોકે, આરોપી પડોશીઓ સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી કરીને ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ સગીરાની પૂછપરછ કરતાં તેની સાથે અડધો કલાક સુધી સતામણી અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓ શરૂ થશે

સ્થાનિકોમાં આક્રોશ, કડક સજાની માંગ
ગામલોકોના જણાવ્યા અનુસાર, પીડિત દલિત સગીરા એક પગે વિકલાંગ છે અને માનસિક રીતે પણ અસ્વસ્થ છે. આ જ કારણે તે લાંબા સમય સુધી નરાધમની હેવાનિયતનો ભોગ બનતી રહી અને તેની ચીસો ઘરની બહાર પહોંચી શકી ન હતી. આ અમાનવીય ઘટનાને પગલે સ્થાનિક પડોશીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. ગ્રામજનોએ આરોપીને વહેલામાં વહેલી તકે પકડીને કડક કાનૂની સજા કરવાની માંગ કરી છે.
પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી
ઘટનાની ગંભીરતા અને બે સમાજ વચ્ચેનો મામલો હોવાને કારણે પોલીસ તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું હતું. સૈફની પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક અજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, પીડિતાની માતાની લેખિત ફરિયાદના આધારે પોક્સો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. પોલીસે પીડિત સગીરાને તબીબી પરીક્ષણ (મેડિકલ ટેસ્ટ) માટે મોકલી આપી છે. આરોપી સાબિરની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને તેના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ બુટલેગરોએ ભીમ આર્મીના બે કાર્યકરોને રસ્તામાં આંતરી હત્યા કરી











