ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના માતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રસ્તો આપવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક દલિત યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ભંડારાના કાર્યક્રમ બાદ રસ્તા પર વાગતા ડીજે (DJ) વચ્ચે ડાન્સ કરી રહેલા ટોળા પાસે યુવકે પોતાના વાહનને બહાર કાઢવા માટે જગ્યા માંગતા વિવાદ સર્જાયો હતો.
ઉશ્કેરાયેલા લોકોએ દલિત યુવકને ઘેરીને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે તેનું ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું છે. મૃતકના પરિવારજનોએ આ મામલે માર મારીને હત્યા કરાઈ હોવાનો સીધો આક્ષેપ લગાવીને તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: ફિઝિક્સવાલાના શિક્ષકે લાઈવ ક્લાસમાં દલિતો માટે અપશબ્દો વાપર્યા
મામલો શું હતો?
મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ દુર્ગેશ રાવત તરીકે થઈ છે અને તે વ્યવસાયે વીજળી વિભાગનો કર્મચારી (લાઈનમેન) હતો. દુર્ગેશ રાવત મોડી રાત્રે હાઈટેન્શન લાઈનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને દુર કરવા માટે મજૂરોને લેવા પોતાની માસીના ગામ મીરપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન મીરપુર ગામ પાસે રસ્તા પર જ એક ભંડારાના આયોજન બાદ ડીજે વાગી રહ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો રસ્તાની વચ્ચે જ ડાન્સ કરી રહ્યા હતા. લોકો રસ્તા પર એકત્રિત હોવાને કારણે વાહનોની અવરજવર માટેનો આખો માર્ગ સંપૂર્ણપણે અવરોધાયેલો હતો.
રસ્તો આપવાનું કહેતા ટોળું દુર્ગેશ પર તૂટી પડ્યું
પોતાની સરકારી ફરજ પર હોવાને કારણે દુર્ગેશ રાવતે ત્યાં નૃત્ય કરી રહેલા લોકોને સાઇડ આપવા માટે વિનંતી કરી હતી. જોકે, સાઇડ માંગવાની આ સામાન્ય વાત ત્યાં હાજર તત્વોને અસહ્ય લાગી હતી અને તેમણે દુર્ગેશ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગયો હતો. પરિવાજનોનો આક્ષેપ છે કે રસ્તા પર એકત્રિત થયેલા અસામાજિક તત્વોના ટોળાએ દુર્ગેશને ઘેરી લીધો હતો અને લાકડીઓ તથા ગડદાપાટુનો માર માર્યો હતો. ગંભીર હુમલાને કારણે દુર્ગેશ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને તેને શરીરે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી

હોસ્પિટલે સારવાર માટે પહોંચ્યાં અને મોત થઈ ગયું
ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા દુર્ગેશ રાવતને તાત્કાલિક સારવાર માટે નજીકના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર (CHC) દેવા ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ તંત્ર તરફથી મોડી રાત્રે આશરે બે વાગ્યે આ ઘટનાની માહિતી દુર્ગેશના પરિવારજનોને આપવામાં આવી હતી, જે સાંભળીને પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલમાં મૃતકના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છે અને તેઓ દોષિતોની તાત્કાલિક ધરપકડ તેમજ ન્યાયની માંગ પર અડગ છે.
આ પણ વાંચો: દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!
પોલીસે શું કહ્યું?
આ મામલે માતી પોલીસ સ્ટેશનના પ્રભારી અજય કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પોલીસ તંત્રને આ ઘટનાની પ્રાથમિક માહિતી મળી ચૂકી છે અને પોલીસની ટીમ દ્વારા આખા મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના અંગે હજુ સુધી મૃતકના પરિવાર તરફથી કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ પોલીસને મળી નથી.
પોલીસ વડાના જણાવ્યા મુજબ, પરિવાર તરફથી લેખિત ફરિયાદ મળ્યા બાદ અને પ્રાથમિક તપાસના આધારે આગળની તમામ કાયદેસરની વિધિક કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પુરાવા સામે આવ્યા બાદ ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે.પ
આ પણ વાંચો: દલિત યુવકને માથાભારે શખ્સે નગ્ન કરી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડ્યો











