“દલિત થઈને ઘોડી પર બેસી મંદિરે આશીર્વાદ લેવા છે?”

દલિત યુવકના વરઘોડા સામે ગામના જાતિવાદી ગુંડાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને હુમલો કરવાની ધમકી આપી હતી. એ પછી પોલીસે મોરચો સંભાળ્યો.
Dalit grooms wedding procession amid police security Chhatarpur
Dalit grooms wedding procession amid police security Chhatarpur

એક બાજુ કેન્દ્રની મોદી સરકારના મંત્રીઓ, નેતાઓ સતત પોતે દલિતોના હામી હોવાની વાતો કરે છે, એક નેતાએ તો ગઈકાલે ત્યાં સુધી કહી દીધું કે, 2017 બાદ યુપીમાં દલિતોને સ્વર્ણ યુગ શરૂ થયો હતો. જો કે, હકીકત તેનાથી તદ્દન જુદી છે. ભાજપ શાસિત મોટાભાગના રાજ્યોમાં દલિતોની માઠી દશા બેઠી છે. જાતિવાદી તત્વો સતત દલિતોને હેરાન કરી રહ્યાં છે, તેમના પર હુમલા કરી રહ્યાં છે અને હત્યા કરતા પણ ડરતા નથી. હવે ભાજપશાસિત રાજ્યોમાં સવર્ણ ગુંડાઓ દ્વારા દલિત વર-કન્યાના વરઘોડા પર હુમલા કરવા, ધમકી આપવી એ જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આવી જ એક ઘટના ભાજપશાસિત મધ્યપ્રદેશમાં બની છે.

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ઈશાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બોંડા ગામમાં એક દલિત યુવકના ઘોડી પર બેસીને વરઘોડો (રાછ) કાઢવા સામે ગામના સવર્ણોએ વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે આખા ગામમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવો પડ્યો હતો. અંતે, ગામની દરેક ગલીએ પોલીસ ખડકી દેવી પડી હતી એ પછી દલિત વરરાજાનો વરઘોડો નીકળી શક્યો હતો.

ગામના સવર્ણ ગુંડાઓની દાદાગીરી

મળતી સત્તાવાર માહિતી અનુસાર, બોંડા ગામના રહેવાસી ઉમરાવ અહિરવારના 24 વર્ષીય પુત્ર અજય અહિરવારના લગ્ન ટીકમગઢ જિલ્લાના કુંઅરપુરા ગામે નક્કી થયા છે. લગ્ન પૂર્વેની પરંપરાગત વિધિના ભાગરૂપે શુક્રવારે વરરાજા અજય ઘોડી પર સવાર થઈને ગામના વિવિધ ધાર્મિક અને દેવસ્થાનોએ આશીર્વાદ લેવા નીકળ્યા હતા. જો કે, એક દલિત યુવક ઘોડી પર બેસીને ગામમાંથી પસાર થાય તે બાબતે ગામના કેટલાક અસામાજિક અને ઉચ્ચ જ્ઞાતિના તત્વોએ સખત વાંધો ઉઠાવ્યો હતો અને વરઘોડો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા અને ગામમાં ભારે તણાવ ફેલાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ 150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો

દલિત પરિવારે તરત પોલીસને જાણ કરી

પરિસ્થિતિ વધુ વણસે અને કોઈ હિંસક અથડામણ થાય તે પૂર્વે જ વરરાજાના પરિવારજનોએ તાત્કાલિક ધોરણે કટોકટી સેવા ડાયલ-112 અને સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. મામલાની સંવેદનશીલતાને સમજીને ઈશાનગર પોલીસ સ્ટેશનનો મોટો કાફલો હથિયારધારી જવાનો સાથે તુરંત જ બોંડા ગામે ધસી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષો સાથે કડક ભાષામાં વાતચીત કરી હતી અને કાયદો હાથમાં લેનારા તત્વોને કડક ચેતવણી આપીને માહોલ શાંત કર્યો હતો.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો સંપન્ન

ગામની સવર્ણ ગુંડાઓની દાદાગીરી જોતા ઈશાનગર પોલીસ દ્વારા સમગ્ર ગામમાં અને વરઘોડાના નિર્ધારિત માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ, વરરાજા અજય અહિરવાર ઘોડી પર સવાર થઈને ગામના રસ્તાઓ પરથી પસાર થયો હતો અને પોતાની પરંપરાગત ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી. પોલીસ કાફલાની સતત દેખરેખને કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ કે અથડામણ થઈ શકી નહોતી અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.

સવર્ણ ગુંડાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

ઈશાનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપવા અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવા માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. પોલીસે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પક્ષ તરફથી લેખિત ફરિયાદ મળશે, તો કાયદાનું ઉલ્લંઘન કરનારા અને સામાજિક શાંતિ ભંગ કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ પોલીસે સવર્ણ ગુંડાઓને કાયદો સર્વોપરિ હોવાનું ભાન કરાવી તેમની જાતિગત દાદાગીરીને ડામી હતી.

આ પણ વાંચોઃ રજપૂતોએ વરઘોડો રોકતા દલિત કન્યા ઘોડી પર બેસી કલેક્ટર પાસે પહોંચી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x