મધ્ય પ્રદેશના છતરપુરમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, મઝગાવ, રૂંજ, નૈગુવા અને NTPC (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) જેવી પરિયોજનાઓમાં વ્યાપેલી ભયંકર અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર સામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓએ આરપારની લડાઈ શરૂ કરી છે. પ્રતિકૂળ હવામાન અને વહીવટી તંત્રના દમન છતાં, ‘જય કિસાન સંગઠન’ ના નેજા હેઠળ સામાજિક કાર્યકર અમિત ભટનાગર અને આદિવાસી મહિલાઓની આગેવાનીમાં ચાલી રહેલું આ આંદોલન હવે અત્યંત ઉગ્ર અને સંવેદનશીલ તબક્કામાં પહોંચી ગયું છે.
છતરપુરમાં આ ‘ચિતા આંદોલન’ નો આજે 12 મો દિવસ છે. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન ખેંચવા માટે અત્યાર સુધી માટી સત્યાગ્રહ, જળ સત્યાગ્રહ અને ગળામાં ફાંસીનો ફંદો નાખીને વિરોધ કર્યો હતો, જેમાં હવે આજથી ‘સૂળી આંદોલન’ પણ ઉમેરાયું છે.

આદિવાસી મહિલાઓનું આમરણ અનશન
પ્રોજેક્ટથી પ્રભાવિત થયેલા ગ્રામીણોને યોગ્ય ન્યાય અપાવવા અને ભ્રષ્ટાચારીઓને કડક સજા આપવાની માંગ સાથે સામાજિક કાર્યકર અમિત ભટનાગર છેલ્લા 8 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે. સતત ઉપવાસને કારણે તેમની તબિયત ઝડપથી બગડી રહી છે. તેમની સાથે જ 5 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા પૂના આદિવાસી નામના મહિલાની તબિયત પણ અચાનક નાજુક બની છે.
આ પણ વાંચો: શિક્ષકોએ કહ્યું, ‘તમે ગંદા ગટરના કીડા છો, ભણીને શું કરશો?’
આંદોલનકારીઓનો આક્ષેપ છે કે, વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આપવાના માત્ર પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં ઉપવાસ પર બેઠેલા લોકોની તપાસ માટે હજુ સુધી તબીબોની કોઈ ટીમ પણ મોકલવામાં આવી નથી. તેમની સાથે સોમરની આદિવાસી, રામકલી આદિવાસી, લક્ષ્મણ કોંદર, બાબુલાલ આદિવાસી અને તોરણ સિંહ આદિવાસી સહિતના અનેક વિસ્થાપિતો ક્રમિક અનશન પર ઉતર્યા છે.
ગળામાં ફાંસીના ફંદો અને ચિતાના પ્રતીકો સાથે પ્રદર્શન

વિસ્થાપિત ગ્રામજનોએ સરકાર અને વહીવટી તંત્રની સંવેદનહીનતા સામે વિરોધ નોંધાવવા માટે અત્યંત હૃદયદ્રાવક અને માર્મિક રસ્તો અપનાવ્યો છે. પ્રદર્શનકારીઓ ગળામાં ફાંસીના ફંડા નાખીને, સૂલી પર લટકીને તેમજ ચિતાઓના પ્રતીકો બનાવીને રસ્તા પર બેઠા છે. આ પ્રદર્શન દ્વારા તેઓ સરકારને યાદ અપાવી રહ્યા છે કે અન્યાયી વિસ્થાપનના કારણે તેમની જમીન, આજીવિકા અને અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ થવાના આરે છે.
આ પણ વાંચો: તીજન બાઈ: આદિવાસી સમાજની દીકરી, જેની કળાને દુનિયાએ સલામ કરી
વિસ્થાપિતોનો મુખ્ય આક્ષેપ છે કે, સરકાર દ્વારા પુનર્વસન અને વળતર આપવાના જે વાદાઓ કરાયા હતા તે જમીની હકીકતથી ખૂબ દૂર છે. ખેતીલાયક જમીનો છીનવાઈ જવાથી આદિવાસીઓ સામે રોજી-રોટીનું મોટું સંકટ ઊભું થયું છે. વર્ષોથી રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર તેમની કોઈ વાત સાંભળતું નથી.
“અમારી જમીન પરથી ખદેડવા એ મોતથી પણ બદતર છે”
આંદોલનમાં જોડાયેલા આદિવાસીએ વેદના ઠાલવતા કહ્યું કે, “અમારી જમીન એ જ અમારી માતા છે અને એ જ અમારી ઓળખ છે. કેન-બેતવા લિંક પરિયોજનાના નામે અમારી માટી છીનવવામાં આવી રહી છે. જો અમને સન્માનજનક પુનર્વસન નહીં મળે, તો અમે આ જ માટીમાં જીવતા દફન થઈ જવા તૈયાર છીએ.” ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ ગ્રામસભાની મંજૂરી વિના કે પારદર્શક સર્વે કર્યા વિના થતી ગેરકાયદેસર બેદખલી અને વિકાસના ભોગે પોતાની બલિ ચડવા દેશે નહીં.
સમગ્ર વિસ્તારમાં અત્યારે વિસ્થાપિતોનો એક જ નારો ગુંજી રહ્યો છે: “ન્યાય આપો અથવા અમને મારી નાખો.” આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત વધુ આક્રમક બનશે.
આ પણ વાંચો: આદિવાસીઓએ મોંમાં ઘાસ રાખી ભાજપ નેતા સામે વિરોધ પ્રદર્શન કર્યું













