ઉના કાંડના 10 વર્ષે અમદાવાદમાં યોજાયેલી સભામાં શું નિર્ણય લેવાયો?

ઉના કાંડને 10 વર્ષ પૂર્ણ થતાં અમદાવાદના નિકોલમાં યોજાયેલી સંકલ્પ સભામાં ગુજરાતભરમાંથી આવેલા દલિત સમાજે પાંચ નિર્ણયો લીધાં છે.
occasion of 10 years of Unakand

તા. 11 જુલાઈ, 2016ના રોજ ગીર સોમનાથના સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના યુવાનો પર કથિત ગૌરક્ષોએ ગુજારેલા અત્યાચારે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો. આ ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર અનુસૂચિત સમાજ ગુજરાત દ્વારા અમદાવાદના નિકોલ સ્થિત ‘શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ’ ખાતે એક રાજ્ય કક્ષાની “સંકલ્પ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે બપોરે 2 થી સાંજના 7 વાગ્યા દરમિયાન યોજાયેલી આ સભામાં ગુજરાતભરમાંથી અનુસૂચિત સમાજના હજારો લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે હોલમાં બેસવાની કે ઉભા રહેવાની જગ્યા પણ ખૂટી પડી હતી. આ સભાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોની રક્ષા કાજે એકત્રિત થઈને આગળ વધવાનો હતો.

વીઆઈપી સંસ્કૃતિને તિલાંજલિ, સંવેદનશીલ દસ્તાવેજીકરણ કરાયું

આ કાર્યક્રમમાં સમાનતાનો એક અનોખો અને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સ્ટેજ પરથી કથિત વીઆઈપી સંસ્કૃતિને હટાવીને વક્તાઓ સિવાય અન્ય કોઈ પણ મહાનુભાવો માટે બેઠક કે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. સમગ્ર મંચ સંચાલન અને વ્યવસ્થાની જવાબદારી કુમુદ સુબોધ અને રાકેશભાઈ મહેરિયાએ સંભાળી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા સમાજના આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ દક્ષિણ બજરંગે છારા દ્વારા તૈયાર કરાયેલી ઉના કાંડ પરની અત્યંત સંવેદનશીલ ડોક્યુમેન્ટ્રી પણ ઉપસ્થિત જનમેદની સમક્ષ પડદા પર રજૂ કરવામાં આવી હતી, જેને જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

occasion of 10 years of Unakand

આ પણ વાંચો: રામ મંદિરમાં દાન ગણતા અનુકલ્પ મિશ્રાએ 3 વર્ષમાં ફાર્મહાઉસ-ઘર ખરીદ્યા

રાજ્યભરના પ્રખર વક્તાઓએ સ્ટેજ ગજવ્યું

આ મહાસભામાં સમાજના અધિકારો માટે લડતા અનેક પ્રખર આગેવાનોએ પોતાના પ્રભાવી વક્તવ્યો આપ્યા હતા. જેમાં મંજુલાબેન મીઠાપુર, જિતુ ચાવડા, કચ્છથી હિતેશભાઈ મહેશ્વરી, ભીમ આર્મી અમદાવાદના કમલેશભાઈ ધવલ તેમજ દક્ષિણ બજરંગે છારાએ સંબોધન કર્યું હતું.

તે ઉપરાંત અમરેલીના એડવોકેટ નવચેતનભાઈ, ચંદુભાઈ મહેરિયા, નટુભાઈ પરમાર, સુરેન્દ્રનગરના અમૃતભાઈ મકવાણા, ચંદ્રિકાબેન સોલંકી, એડવોકેટ શમસાદ ખાન પઠાણ, દેવદાનભાઈ મુછડિયા, રાજસ્થાનથી આવેલા વિનોદ જાખડ, હિતેન્દ્ર પીઠડીયા, લક્ષ્મીબેન મહેરિયા, રાજકોટના ડી. ડી. સોલંકી, સુરેશ આગઝા, એડવોકેટ પરેશભાઈ વાઘેલા, નરોડાના કલ્પેશભાઈ, એડવોકેટ ગોવિંદભાઈ પરમાર, ભાનુભાઈ ચૌહાણ, પરસોતમ વાઘેલા અને રાજેશ નાડિયા જેવા અગ્રણીઓએ સ્ટેજ ગજવીને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

occasion of 10 years of Unakand

જિગ્નેશ મેવાણીએ સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્ય વક્તા તરીકે આક્રોશપૂર્ણ સંબોધન કરતા જણાવ્યું હતું કે, “ઉના કાંડ માત્ર એક ઘટના નહોતી, પણ સામાજિક ન્યાય અને ભારતીય બંધારણની મોટી કસોટી હતી.” તેમણે પીડિતોના પુનઃવસન અને ન્યાય માટે ગુજરાત સરકાર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ રજૂ કરીને આહ્વાન કર્યું હતું:

આ પણ વાંચો: વિસનગરના પુદગામે દલિત યુવક પર ઠાકોર મહિલાનો ધારિયાથી હુમલો

પીડિતોનું સંપૂર્ણ પુનઃવસન: એટ્રોસિટી નિયમો, 1995 ના નિયમ-15 મુજબ પીડિત પરિવારોને સરકારી નોકરી, ખેતીની જમીન, 250 વારનો રહેણાંક પ્લોટ, મકાન બાંધકામ સહાય અને માસિક પેન્શન આપવામાં આવે તથા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપેલા વચનો પૂર્ણ થાય.

occasion of 10 years of Unakand

(1) ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ: વેરાવળની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ દ્વારા તા. 17 માર્ચ, 2026 ના રોજ આપવામાં આવેલા નીચલી અદાલતના ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી ન્યાયના હિતમાં રાજ્ય સરકાર તુરંત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરે.

આ પણ વાંચો: દલિત યુવક સાથે પ્રેમલગ્ન કરનાર બહેનની ભાઈએ ગળું દબાવી હત્યા કરી

(2) આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચવા: ઉના કાંડના વિરોધમાં થયેલા લોકશાહી આંદોલનો દરમિયાન દલિત યુવાનો અને નાગરિકો સામે નોંધાયેલા તમામ પેન્ડિંગ પોલીસ કેસો રાજ્ય સરકાર જાહેર હિતમાં તાત્કાલિક પાછા ખેંચે.

(3) એટ્રોસિટી એક્ટનો કડક અમલ: ફરિયાદ નોંધવામાં થતો વિલંબ, નબળી કલમો અને તપાસમાં રાખવામાં આવતી બેદરકારી અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ખાસ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી કાયદાનો કડક અમલ કરવામાં આવે.

(4) અત્યાચાર પીડિતોનું પુનઃસ્થાપન: રાજ્યમાં બનતી અન્ય ગંભીર અત્યાચારની ઘટનાઓના ભોગ બનનારા પરિવારોને પણ નિયમ-15 મુજબ તાત્કાલિક નોકરી, જમીન અને આર્થિક સહાય આપી પુનઃસ્થાપિત કરવામાં આવે.

આ સંકલ્પ સભાના માધ્યમથી ધારાસભ્ય અને સમગ્ર દલિત સમાજે ગુજરાત સરકારને સ્પષ્ટ અપીલ કરી છે કે આ સંવેદનશીલ બાબત માત્ર સ્થાનિક પોલીસ તંત્રને સોંપવાને બદલે ગૃહ વિભાગ અને કાનૂન વિભાગના સંકલનથી કેબિનેટ બેઠકમાં હકારાત્મક નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચો: ઉના કાંડના 10 વર્ષે આજે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x