ગ્વાલિયરમાં ટ્રકે 41 શ્રદ્ધાળુઓને કચડ્યા, 15ના મોત, 26 ઘાયલ

ગ્વાલિયરના શીતળા માતા મંદિરે દર્શન માટે લાઈનમાં ઊભેલા ભક્તો પર બેકાબૂ ટ્રક ફરી વળતાં 15 લોકોના મોત નિપજ્યા છે અને 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે!
gwalior accident

ગ્વાલિયરમાં એક ટ્રકે 41 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા છે. જેમાં 15ના મોત થયા છે અને 26 ઘાયલ થયા છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચીનોર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શિતળા માતા મંદિર ખાતે દર્શન કરવા માટે લાઈનમાં ઊભેલા 41 શ્રદ્ધાળુઓ પર અનાજ ભરેલો એક પુરપાટ ઝડપે આવતો ટ્રક ફરી વળ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં 15 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે તેમજ સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે બે પોલીસ કર્મચારીઓ સહિત 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક શ્રદ્ધાળુઓ અને આસપાસની દુકાનોને કચડતો કચડતો મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર અને દીવાલ સાથે અથડાઈને રોકાયો હતો. અથડામણના કારણે મંદિરની દીવાલ ધારાશાહી થઈ ગઈ હતી, જેના મલબા નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

બેરિકેડ તોડીને 90 ડિગ્રીના ઢાળ પર બેકાબૂ બન્યો ટ્રક

પોલીસ અને સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મોડી રાત્રે આશરે 1:30 થી 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘટી હતી. નવરાત્રિના કારણે મંદિરે જવાના માર્ગ પર ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ હતો અને પોલીસે ચેકપોઇન્ટ બનાવી બેરિકેડ મૂક્યા હતા. આમ છતાં, ચીનોર તરફથી આવતો ધાન ભરેલો ટ્રક પોલીસના બેરિકેડ તોડીને આગળ ઘૂસી ગયો હતો. રસ્તા પર આશરે 90 ડિગ્રીનો ભારે ઢળાન હોવાથી અને ડ્રાઇવરે સ્પીડ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રસ્તા પર દર્શન માટે ઊભેલા શ્રદ્ધાળુઓ પર ચડી ગયો હતો.

દીવાલ ધરાશાયી થતાં 50થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા

અકસ્માત સર્જાતાં જ મંદિર પરિસરમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક મુખ્ય ગેટ સાથે આથડાતાં દીવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે આશરે 50 થી 60 લોકો મલબા હેઠળ દબાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને મલબો હટાવીને લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રકના ટાયર નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જેકની મદદ લેવી પડી હતી અને ટ્રકને માર્ગ પરથી ખસેડવામાં 2 થી 3 કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોઃ ખાટુશ્યામના દર્શને ગયેલા ભક્તોનો અકસ્માત, 7 બાળકો સહિત 11 ના મોત

હોસ્પિટલમાં પરિવારજનોનો આક્રોશ

ઘટના બાદ તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતકોના શબને પંચનામા માટે જયારોગ્ય હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રૂમ બહાર એકઠા થયેલા મૃતકોના સગા-સંબંધીઓએ પોલીસ અને સ્થાનિક તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારોએ સવાલ ઉઠાવ્યો હતો કે જે રસ્તા પર સાયકલ પણ લઈ જવાની મનાઈ છે ત્યાં આટલો મોટો ટ્રક કેવી રીતે પહોંચ્યો?

ગ્વાલિયર કલેક્ટર રુચિકા ચૌહાણ અને એસએસપી ધર્મવીર સિંહે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનિક ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રક માલિક મોહિત સિંહ અને ડ્રાઇવર દિલબાગ સિંહની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત આરટીઓ (RTO) ટીમ દ્વારા ટ્રકની ટેકનિકલ તપાસ કરાવવામાં આવી રહી છે જેથી અકસ્માત બ્રેક ફેલ થવાના કારણે થયો કે ડ્રાઇવરની બેદરકારીના કારણે તે સ્પષ્ટ થઈ શકે.

આ પણ વાંચોઃ બાગેશ્વર ધામમાં મોટો અકસ્માતઃ તંબુ તૂટી પડતા એક ભક્તનું મોત, 10 ઘાયલ

ઘાયલોની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી રાકેશ શુક્લાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી પોતે સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે અને પીડિત પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ભારતમાં મંદિરો, ધાર્મિક પંડાલો કે જાહેર મેળાવડાઓમાં સમયાંતરે નાસભાગ અને ભીડના કારણે સર્જાતી ઘાતક દુર્ઘટનાઓ એ માત્ર આકસ્મિક અકસ્માતો નથી, પરંતુ વ્યવસ્થાપનનો ગંભીર અભાવ અને તંત્રની ઘોર બેદરકારી છે. દર વર્ષે આવા બનાવોમાં અસંખ્ય નિર્દોષ લોકો જીવ ગુમાવે છે તેમ છતાં જવાબદાર વહીવટી તંત્ર, પોલીસ અને આયોજકો કાયમી ધોરણે સુરક્ષાના કડક નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ સાબિત થાય છે. ઉત્સવોના સમયે ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી થવા દેવી, એન્ટ્રી-એક્ઝિટના રસ્તાઓ સાંકડા રાખવા અને ઇમરજન્સી વ્યવસ્થાઓ પ્રત્યે આંખ આડા કાન કરવા એ સામાન્ય બની ગયું છે. ઘટના ઘટી ગયા બાદ થોડા દિવસો સુધી ઉચ્ચસ્તરીય તપાસના નાટક અને નિવેદનોબાજી થાય છે, પરંતુ થોડા જ સમયમાં સૌકોઈ બધું ભૂલી જાય છે. જ્યાં સુધી તંત્ર ભીડ નિયંત્રણ માટે કડક કાયદાકીય જોગવાઈઓ અને જવાબદારી નક્કી નહીં કરે અને માત્ર ‘રામભરોસે’ ચાલતી વ્યવસ્થાઓને ડામવામાં નહીં આવે, ત્યાં સુધી આવા માનવસર્જિત અકસ્માતો અટકવા મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ કુંભ બન્યો કાળઃ બોલેરો-બસ વચ્ચે અકસ્માતમાં 10 ના મોત,19 ઘાયલ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x