પાટણ: ગુજરાતના અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST) સમાજના પત્રકારોના પ્રતિષ્ઠિત સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’ની કારોબારી બેઠક પાટણના સરકારી અતિથિગૃહ (નવા સર્કિટ હાઉસ) ખાતે યોજાઈ ગઈ. આ બેઠક ટ્રસ્ટના પ્રમુખ અને પાટણના વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનની પ્રગતિની સમીક્ષા કરવાનો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોના હક, અધિકારો અને વહીવટી પ્રશ્નો અંગે વિસ્તૃત ચિંતન-મનન કરવાનો હતો.
પટોળાના ખેસથી સ્વાગત કરી પુસ્તક ભેટ અપાયું
કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોનું પાટણની ઐતિહાસિક ઓળખ સમાન પટોળાના પ્રતીકરૂપ ખેસ પહેરાવીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આકાશવાણીના નિવૃત્ત અધિકારી અને ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણી દ્વારા એક વિશેષ સાહિત્યિક ભેટ આપવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્રના અગ્રણી દલિત પત્રકાર અને તંત્રી ઉત્તમ કાંબલેના મૂળ મરાઠી પુસ્તક ‘અગન પથ’નો પોતે કરેલો ગુજરાતી અનુવાદ ઉપસ્થિત સર્વે સભ્યોને અર્પણ કર્યો હતો.

આ પણ વાંચો: સરકારી શાળામાં ‘ભટકતી આત્મા’ની શાંતિ માટે શિક્ષકોએ ‘ભૂત મંદિર’ બનાવ્યું
નાણાકીય સમીક્ષા, અનુદાન અને નવી નિમણૂકો
બેઠકની સત્તાવાર કાર્યવાહી દરમિયાન સંસ્થાના અગાઉના વર્ષોના નાણાકીય હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વસંમતિથી વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. સંસ્થાની સામાજિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખ અને હોદ્દેદારોની અપીલને માન આપીને ઉપસ્થિત તમામ સભ્યોએ સ્વેચ્છાએ ઉદાર હાથે આર્થિક અનુદાન આપ્યું હતું. સંગઠનાત્મક માળખાને મજબૂત કરવાના ભાગરૂપે બેઠકમાં સર્વસંમતિથી બે મહત્વની નિમણૂકો કરવામાં આવી હતી, જેમાં શંકરલાલ પરમારને ખજાનચી તરીકે અને જયેશ વેગડાને સહમંત્રી તરીકેની નવી જવાબદારી સોંપાઈ હતી.
પત્રકારોના હક-અધિકારો અને સરકારી લાભો અંગે માર્ગદર્શન
બેઠકના મુખ્ય સત્રમાં પત્રકારોના અધિકારો અને સરકારી યોજનાઓના લાભો વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી. સંસ્થાના સ્થાપક, પૂર્વ પ્રમુખ અને નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમારે સંસ્થાને વધુ કાર્યશીલ બનાવવાની હાકલ કરી હતી. તેમણે તથા પૂર્વ નાયબ માહિતી નિયામક ધીરુભાઈ કોટવાલે ઉપસ્થિત પત્રકારોને સરકારી એક્રેડિટેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા અને સરકારી જાહેરાતોના લાભ મેળવવા અંગેના નિયમોની વિગતવાર વ્યાવસાયિક સમજ આપી હતી, જેથી વંચિત સમાજના પત્રકારો પોતાના હક મેળવી શકે.
આ પણ વાંચો: વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી

આગામી આયોજન અને સૂચનો
સંગઠનને સતત જીવંત અને સક્રિય રાખવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિવૃત્ત વરિષ્ઠ અધિકારી શ્રી પી. બી. શ્રીમાળીએ દર મહિને નિયમિત બેઠક યોજવાનું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. આગામી પ્રવૃત્તિઓના ભાગરૂપે પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પરમારે આગામી કારોબારી અને ચિંતન બેઠક અંબાજી ખાતે તથા ઉપપ્રમુખ બાબુભાઈ મેસરવાલાએ ગાંધીનગર ખાતે યોજવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત, પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્ય અને અજાજના શુભેચ્છક રાજેશ ઝાલાનું ટ્રસ્ટ દ્વારા ભાવભીનું સન્માન કરાયું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને ભાવાંજલિ
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટ્રસ્ટના ચીફ પેટ્રન મૂળચંદ રાણા, ઉપપ્રમુખ ડૉ. પ્રવીણ સોલંકી, જયંતિ માંડલિક, શૈલેષ પરમાર સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ-જનજાતિના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે, પાટણના નગીનભાઈ ડોડિયાની આગેવાનીમાં તમામ સભ્યોએ વિરમાયા દેવની ઐતિહાસિક માયાટેકરીની મુલાકાત લીધી હતી અને બહુજન નાયકને યાદ કરી શ્રદ્ધાપૂર્વક ભાવાંજલિ અર્પણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
(વિશેષ માહિતીઃ ડૉ. પ્રવિણ સોલંકી, અજાજ મીડિયા ટ્રસ્ટ)
આ પણ વાંચો: દલિત બાળકી પર રેપનો પ્રયાસ કરનાર પૂજારીને બ્રાહ્મણોએ ટેકો આપ્યો!













