ભારતમાં એકબાજુ ચૂંટણીનો માહોલ છે, નેતાઓ દલિતોના ઉદ્ધારની અને સામાજિક સદભાવનાની મોટી મોટી વાતો કરી રહ્યાં છે, બીજી તરફ દલિતોની સ્થિતિ દિન પ્રતિદિન બદ્દતર બનતી જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં દલિતોના વરઘોડા અને જાન પર હુમલો થવાની ઘટના બનતી રહે છે.
આવી જ એક ઘટનામાં એક ગામમાં રજપૂત જાતિની એક છોકરીએ દલિત વરરાજાની જાનને પોતાના ઘર પાસેથી પસાર થતા રોકી હતી. એ પછી રજપૂત જાતિના માથાભારે તત્વો દલિત વરરાજાની જાન પર તલવારો, લાકડીઓ સહિત અનેક ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યા હતા. આરોપીઓએ વરરાજાને ઘોડી પર ખેંચીને નીચે પાડી દીધા હતા અને તેમને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ દલિત મહિલાઓના સોનાના ઘરેણાં અને મંગળસૂત્ર પણ ચોરી ગયા હોવાનું કહેવાય છે.

મામલો મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાનનો છે. અહીં ઉદયપુરના હરિયાવ ગામમાં દલિત વરરાજાની બિંદોલી રોકી રજપૂત શખ્સોએ જ્ઞાતિસૂચક અપશબ્દો કહી તલવારો અને લાકડીઓ વડે હુમલો કરતા મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વરઘોડા પર પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો: શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક
જાન અહીંથી આગળ વધી તો લોહીની નદીઓ વહેશે
પ્રાર્થી મેઘવાલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, 29 એપ્રિલની રાત્રે આશરે 10 વાગ્યે તેમની પુત્રી પૂજાની બિંદોલી ગામના ધીરા તલાઈ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ગામના લક્ષ્મણ સિંહ, માધુ સિંહ, કિશન સિંહ, ઉદય સિંહ અને અર્જુન સિંહ સહિત તેમના પરિવારના અન્ય સભ્યો અને મહિલાઓએ રસ્તો રોકી લીધો હતો. આક્ષેપ છે કે માધુ સિંહની પુત્રી મંજુ કુંવરે અચાનક એક દલિત યુવકની ફેટ પકડી લીધી હતી અને સમગ્ર સમાજની હાજરીમાં તેને જાતિસૂચક અપશબ્દો કહી અપમાનિત કર્યો હતો. મંજુ કુંવરે ખુલ્લેઆમ દાદાગીરી કરતા ધમકી આપી હતી કે, “દલિતની જાન અહીંથી આગળ નહીં વધે” અને જો જાન આગળ વધારવાની કોશિશ કરી તો લોહીની નદીઓ વહેવડાવવાની ચેતવણી આપી હતી.
દુલ્હનને ઘોડી પરથી નીચે ઉતારી દીધી
આ બોલાચાલી બાદ સ્થિતિ વધુ વણસી હતી. હુમલાખોરોએ સૌપ્રથમ ડીજે બંધ કરાવી દીધું હતું અને મંજુ કુંવર નામની યુવતીએ દુલ્હનને બળજબરીપૂર્વક ઘોડી પરથી નીચે ઉતારી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ લોખંડના સળિયા, લાકડીઓ અને તલવારો જેવા ઘાતક હથિયારો વડે જાનૈયાઓ અને મહેમાનો પર હુમલો કરી દીધો હતો. આ હિંસક અથડામણમાં તખત સિંહ નામના શખ્સે તલવારથી હુમલો કરતા વરદીચંદ, ગણેશ, જીતુ અને મંજુ મેઘવાલ લોહીલુહાણ થયા હતા. હુમલાખોરોએ આટલેથી ન અટકીને છત પરથી ભારે પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં મહિલાઓ અને નિર્દોષ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો
દલિત મહિલાઓના મંગળસૂત્ર પણ ચોરાઈ ગયા
પીડિત પક્ષનો ગંભીર આક્ષેપ છે કે મારામારી અને અફરાતફરીનો લાભ ઉઠાવીને હુમલાખોરોએ મહિલાઓના ગળામાંથી સોનાના મંગળસૂત્ર અને અન્ય દાગીનાઓની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર હરિયાવ ગામમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ભૈરુલાલ મેઘવાલે ડબોક પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ નામજોગ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને લૂંટ સહિતની કલમો હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ કાફલો ગામમાં તૈનાત કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: આદિવાસી યુવતીને જંગલમાં ખેંચી જઈ પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો











