દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોનો હુમલો

દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા રજપૂતોએ વાંધો ઉઠાવી જાન પર જીવલેણ હુમલો કર્યો. 10 થી વધુ દલિતો ઘાયલ થયા. પોલીસ સુરક્ષામાં લગ્ન સંપન્ન કરાયા.
dalit news

ભારતમાં જે પણ રાજ્યોમાં ભાજપની સરકારો છે, ત્યાં જાતિવાદી તત્વો દલિતો પર ખૂલ્લેઆમ દાદાગીરી કરવા લાગ્યા છે. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતના પટ્ટામાં દલિતો પર કથિત સવર્ણ જાતિના ગુંડાઓ દ્વારા હુમલા કરવાની ઘટનાઓ વધી છે.

દર વર્ષે લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ જાતિવાદી ગુંડાઓ દાદાગીરી પર ઉતરી આવી દલિતોના વરઘોડા, જાન પર હુમલા કરીને ખુશીના પ્રસંગને માતમમાં ફેરવી નાખે છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આરોપીઓ બેફામ બની જાય છે. આવી જ એક વધુ ઘટનામાં એક ગામમાં દલિત યુવતીની જાનમાં ડીજે પર ડો.આંબેડકરના ગીતો વાગતા ગામના રજપૂત શખ્સોને ગમ્યું નહોતું અને તેમણે જાન પર હુમલો કરી દીધો હતો.

મામલો બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશનો છે. અહીંના સંભલ જિલ્લામાં એક દલિત યુવતીની જાનમાં ડૉ.આંબેડકરના ગીતો વાગતા ગામના રજપૂતોને ગમ્યું નહોતું અને તેમણે જાન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના સંભલના અલ્લીપુર બુઝુર્ગ ગામની છે. દલિત સમાજના વરઘોડા પર થયેલા આ હુમલાએ પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી છે. આ હિંસક ઘટનામાં કન્યા પક્ષના આશરે 8 થી 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ પણ વાંચો: રાજકોટના સરધારમાં ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાતા રોષ

મામલો શું હતો?

ઘટનાની વિગતો મુજબ, અલ્લીપુર બુઝુર્ગ ગામના રહેવાસી તેજપાલ સિંહની પુત્રીના લગ્ન ગત 29 એપ્રિલના રોજ નિર્ધારિત હતા. અકબરપુર ચિતૌરી ગામથી આવેલી જાન જ્યારે નિર્ધારિત સમયે ગામમાં પ્રવેશી ત્યારે બધું બરાબર હતું. સાંજે આશરે 05:30 વાગ્યે જાન જ્યારે ગામના પોસ્ટ ઓફિસના વળાંક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જાનૈયાઓ ઉત્સાહમાં ડીજે સાઉન્ડ પર ડો. બાબાસાહેબ આંબેડકરના ગીતો વગાડી રહ્યા હતા. આ દરમિયાન ગામના કેટલાક રજપૂત શખ્સોએ આ ગીતો વગાડવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ડીજે બંધ કરવા માટે ધમકીઓ આપી હતી.

રજપૂતોએ જાન પર હુમલો કરી દીધો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિવાદ વધતા રામબહાદુર, અજય, અમન, બબલુ અને પ્રેમપાલ નામના શખ્સોએ દલિત સમાજના લોકો પર લાકડીઓ અને ડંડા વડે હુમલો કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયો મુજબ હુમલાખોરોએ છત પરથી અને રસ્તા પર ઘાતક હથિયારો સાથે જાનૈયાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં મહિલાઓ અને વૃદ્ધો પણ શિકાર બન્યા હતા, જેના કારણે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસનો મોટો કાફલો ગામમાં દોડી આવ્યો હતો.

આ પણ વાંચો: ગેસ પર બનેલી રોટલી ખાવાથી પુરુષોમાં દમ નથી રહ્યો’- દેવકીનંદનનો બફાટ

પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન વિધિ પૂર્ણ થઈ

કાર્યવાહક પોલીસ સ્ટેશન પ્રભારી રોશન સિંહે જણાવ્યું હતું કે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસની હાજરીમાં જ લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને બીજા દિવસે સવારે પોલીસ રક્ષણ હેઠળ જ જાનને વિદાય આપવામાં આવી હતી.

પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

આ મામલે કન્યાના પિતા તેજપાલ સિંહની ફરિયાદના આધારે બનિયાઠેર પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. પીડિત પરિવારે હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. એક તરફ દેશમાં બંધારણીય અધિકારોની વાતો થાય છે, ત્યારે બીજી તરફ ડો. આંબેડકરના ગીતો વગાડવા બદલ દલિતો પર થતા હુમલાઓ સામાજિક અસમાનતાની ગંભીર સ્થિતિ છતી કરે છે.

આ પણ વાંચો: બે પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
11 days ago

*દલિત અને બહુજન સમાજનાં સમાજ સુધારકોએ વર અને કન્યા બન્ને પક્ષોએ જાનનો વરઘોડો જાહેર માર્ગોને
નડતરરૂપ તથા અગવડતા ઊભી થતી હોય ત્યારે તેને અટકાવવું જોઈએ એ જ આજનાં સમયની માંગ છે…!
આજનાં સમયમાં એક દેવીપુજક સમાજના લોકો જાહેરમાં વરઘોડો કાઢે છે, બીજા બહુજન સમાજનાં લોકો જાહેરમાં વરઘોડો કાઢે છે જેનાં કારણે ડીજેનો બેસૂમાર અને કર્કશ અવાજ રાહદારીઓને મોટું નુક્સાન પહોંચાડે છે, એટલે વર કન્યાનાં લગ્ન પ્રસંગમાં વરઘોડો અને ડીજે સંપૂર્ણપણે બંધ રાખું જોઈએ, અન્ય લોકો જાહેર માર્ગો પર આપણા સગા સંબંધી થતાં નથી એટલે તેઓનાં પ્રત્યે એક વફાદારીનું શુભ કાર્ય થવું જોઈએ એ જ હાર્દિક પ્રાર્થના છે…! બાકી તો ડીજેના અવાજે ઘોડો અને ઘોડી પણ નાચતા હોય છે, શાનમાં સમજી શકાય તેવી સુંદર વાત છે…! ધન્યવાદ સાધુવાદ!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x