Dalit Crime News: નેતાઓના ઈશારે આરોપીઓને પાતાળમાંથી પણ શોધી કાઢતી પોલીસ દલિતો, આદિવાસીઓના ગંભીર કેસોમાં કેવી બેદરકારી દાખવતી હોય છે તેની આ વાત છે. મામલો દલિતોની સૌથી વધુ વસ્તી ધરાવતા પંજાબનો છે. અહીંના ભટીંડામાં બે વર્ષ પહેલાં, લખવિંદર સિંહ નામના તાંત્રિકે બે નિર્દોષ દલિત બાળકોની તાંત્રિકવિધિ માટે બલિ ચઢાવી દીધી હતી. ઘટના બાદ તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે, તેને થોડા સમય માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. એ પછી તે હજુ સુધી પકડાયો નથી. પોલીસ તાંત્રિકને શોધવામાં નિષ્ફળ ગઈ છે.
મામલો શું હતો?
આજે પણ, શિક્ષિત હોવા છતાં લોકો તાંત્રિક ગુરુઓની જાળમાં ફસાઈ જાય છે. તેઓ તેમના ઉપદેશોથી એટલા પ્રભાવિત થઈ જાય છે કે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. આવી જ એક ઘટના પંજાબના ભટિંડાના કોટફત્તામાં બની હતી. બે વર્ષ પહેલા અહીં લખવિંદર નામના તાંત્રિકે તાંત્રિકવિધિ માટે બે નિર્દોષ દલિત ભાઈબહેનોની બલિ ચઢાવી દીધી હતી.
આ પણ વાંચો: અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!
આ કેસમાં તેને જેલમાં ધકેલી દેવાયો હતો, પરંતુ પેરોલ જમ્પ કરીને તે ફરાર થઈ ગયો છે. આજકાલ કરતા આ વાતને બે વર્ષ વીતી ચૂક્યા છે અને છતાં પોલીસ તેને પકડી શકી નથી. કોર્ટે પોલીસની આકરી ઝાટકણી કાઢી છે. લખવિંદર સિંહને 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ પેરોલ પર મુક્ત કરવામાં હતો અને એ પછી તે ફરાર થઈ ગયો છે. તે લગભગ બે વર્ષથી ફરાર છે અને આઝાદ ફરી રહ્યો છે, પરંતુ પોલીસ આ મામલે કશું જાણતી જ ન હોવાનો ડોળ કરી રહી છે.
કોર્ટે પોલીસને ફટકાર લગાવી
આ મામલે હત્યાના સાક્ષી પરણજીતસિંહ જંગી બાબાએ ભટિંડા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસની બેદરકારીનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આરોપી તાંત્રિકને નિર્ધારિત તારીખે ભટિંડા સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કરવાનું હતું. તેના બદલે તે ફરાર થઈ ગયો. ત્યારથી, પોલીસ તેની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતોએ હવે જાતિ સાબિત કરવા આધારકાર્ડ સાથે રાખવું પડશે?
એ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ કુમારે પોલીસને સખત ઠપકો આપ્યો અને કાયદો વ્યવસ્થા તથા પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. ખાસ કરીને, જ્યારે આરોપી સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ હજુ પણ ઊંઘમાં હતી.
કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યાં
કોર્ટે માનસાના ડેપ્યુટી કમિશનરને આરોપી માટે જામીન મેળવનાર સરતાજ સિંહની મિલકત જપ્ત કરવાનો અને આગામી સુનાવણી પહેલાં તેની ધરપકડ કરવામાં નિષ્ફળતા અંગે સંપૂર્ણ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આરોપી આઝાદ ફરી રહ્યો છે અને છતાં પોલીસ બે નિર્દોષ બાળકોના હત્યારાની ધરપકડ કરવાનું પણ જરૂરી માનતી નથી. આ ઘટનાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદે દલિતો, આદિવાસીઓ માટે કથળી ચૂકી છે તેની સાબિતી આપી છે.
આ પણ વાંચો: ઉનામાં તસ્કરો હનુમાનજીની ગદા-મુગટ સહિત 17 લાખની મત્તા ચોરી ગયા










