ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં દલિત પિતા-પુત્ર પર દરબારોએ હુમલો કર્યો

ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં પશુ ચરાવી પરત ફરતા દલિત પિતા-પુત્ર પર ત્રણ દરબારોએ પાઈપ-લાકડીથી હુમલો કરી જાતિ વિષયક અપમાનિત કર્યા.
attacked Rajsitapur Dhrangadhra

ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે પશુ ચરાવીને પરત ફરી રહેલા દલિત સમાજના પિતા-પુત્ર પર ત્રણ દરબારો દ્વારા લાકડી અને લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ પિતા-પુત્રને રસ્તામાં રોકી, જાતિ વિષયક અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

મામલો શું હતો?

પોલીસ દફતરે નોંધાયેલી વિગતો અનુસાર, રાજસીતાપુર ગામના રહેવાસી હસમુખભાઈ પ્રેમજીભાઈ પરમાર અને તેમનો પુત્ર કટુડા ગામના સ્થાનિક તળાવ પાસેથી પોતાની ભેંસો ચરાવીને સાંજના સમયે ઘર તરફ પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન કટુડાથી રાજસીતાપુર વચ્ચેના માર્ગ પર ટેમભા, ક્રિપાલસિંહ અને સંજયસિંહ નામના ત્રણ શખ્સોએ હથિયારો સાથે તેમનો રસ્તો રોકી વિવાદ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: આદિવાસી ભાઈએ કબર ખોદીને બહેનનું હાડપિંજર બેંકમાં બતાવવું પડ્યું

જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો

હુમલાખોરોએ હસમુખભાઈ અને તેમના પુત્રની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરીને જાહેર માર્ગ પર તેમનું જાતિગત અપમાન કર્યું હતું. પિતા-પુત્રે વિરોધ નોંધાવતા ઉશ્કેરાયેલા લોખંડના પાઇપ અને લાકડી જેવા જીવલેણ હથિયારો વડે પિતા-પુત્ર પર તૂટી પડ્યા હતા. હુમલા દરમિયાન બન્નેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને જો આ બાબતે પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થયેલા પિતા-પુત્રને ઘટનાસ્થળેથી તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ, પીડિત હસમુખભાઈ પરમારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો

પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘ભૈયા જરા રાસ્તા દેના…’કહેતા ટોળાએ દલિત યુવકની હત્યા કરી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x