દલિત સમાજની દીકરીઓ પર અત્યાચારની ઘટનાઓ દરરોજ બને છે અને તેમ છતાં જાણે તેની કોઈને ગંભીરતા જ ન હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ કોઈ સવર્ણ દીકરી સાથે આવું કંઈ બને ત્યારે આખો દેશ, મીડિયા, ન્યાયતંત્ર, સંસદ સહિત બધું એક્ટિવ મોડમાં આવી જતું હોય છે. આવું એટલા માટે લાગે છે, કેમ કે હાલમાં જ એક એવી ઘટના બની છે જેમાં એક દલિત સગીરાનું સ્કૂલે જતી વખતે કેટલાક શખ્સોએ બંદૂકના નાળચે અપહરણ કરીને હોટલમાં લઈ જઈ ગેંગરેપ ગુજાર્યો હતો. છતાં આ ઘટનાને લઈને કોઈ ઉહાપોહ જોવા મળતો નથી.
ઘટના બિહારના સમસ્તીપુર જિલ્લાના ઉજિયારપુર પોલીસ સ્ટેશનની છે. અહીં શાળાએ અભ્યાસ કરવા જઈ રહેલી એક 17 વર્ષની સગીર દલિત વિદ્યાર્થિનીને રસ્તામાંથી બંદૂકના નાળચે બળજબરીપૂર્વક ઉઠાવી લેવામાં આવી હતી. મોટરસાયકલ પર આવેલા 5 નરાધમોએ આ છોકરીનું અપહરણ કરી એક હોટલમાં લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ, આક્રોશ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

હોટલમાં ગેંગરેપ આચરી રસ્તા પર ફેંકી દીધી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 14 જુલાઈના રોજ બની હતી. પીડિત દલિત સગીરા હંમેશની જેમ તે દિવસે પણ પોતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી. રસ્તામાં એક અવાવરુ અને સુમસામ જગ્યાએ અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા બદમાશોએ તેને ઘેરી લીધી હતી. 2 મોટરસાયકલ પર સવાર થઈને આવેલા આ શખ્સોએ સગીરાને પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી વિદ્યાર્થિનીને તેઓ બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડીને નજીકની એક હોટલમાં લઈ ગયા હતા. હોટલના રૂમમાં પાંચેય આરોપીઓએ વારાફરતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ જઘન્ય અપરાધને અંજામ આપ્યાના આશરે 2 કલાક બાદ આરોપીઓ પીડિતાને ફરીથી તે જ સુમસામ રસ્તા પર છોડીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. પીડિતાએ ગમે તેમ કરીને રડતા રડતા ઘરે પહોંચી પરિવારને પોતાની આપવીતી જણાવી.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી
ન્યાય આપવાના બદલે 3 દિવસ સુધી ચાલી પંચાયત
આ ગંભીર મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં ભારે વિલંબ થયો હતો, જેનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે મામલાને દબાવી દેવાનો મલિન પ્રયાસ હતો. ઉજિયારપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજિત કુમારે જણાવ્યું કે જ્યારે પીડિતાએ આ ઘટનાની જાણ પોતાની માતાને કરી, ત્યારે આ વાત ધીમે ધીમે ગામમાં લીક થઈ ગઈ હતી. ત્યારબાદ નરાધમ આરોપીઓના પરિવારજનો અને કેટલાક વગદાર સ્થાનિક લોકોએ પોલીસ કેસ ન કરવા અને મામલો રફેદફે કરવા માટે પંચાયત બેસાડી દીધી હતી. પીડિતાના ગરીબ પરિવાર પર લોકલાજ અને સામાજિક બહિષ્કારનું ભારે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. આ કારણે 3 દિવસ સુધી સતત પંચાયતની કાર્યવાહી ચાલતી રહી પરંતુ ગરીબ દલિત પરિવારને ન્યાય આપવાના બદલે માત્ર મામલો દબાવવાની કોશિશ થઈ. અંતે કોઈ પરિણામ ન આવતા, પરિવારે હિંમત ભેગી કરીને પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.
5 નરાધમો ફરાર થઈ ગયા
પીડિતાના પરિવારની લેખિત અરજીના આધારે ઉજિયારપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 નામજોગ અને 3 અજ્ઞાત આરોપીઓ સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને SC/ST Act ની ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે નામજોગ આરોપીઓ સહિત તમામ 5 દોષિતોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને ઝડપી લેવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ તમામ નરાધમો કાયદાના સિકંજામાં હશે. ગંભીર ગુનામાં પંચાયત ભરીને કેસ દબાવનારા સ્થાનિક નેતાઓ સામે પણ લોકોમાં રોષ છે.

આ પણ વાંચોઃ કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા











