ગુજરાતમાં એકબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનો માહોલ છે, બીજી તરફ લોકશાહી અધિકારીઓ જેમની દેન છે તેવા ડૉ.આંબેડકરના નામે જાતિવાદી તત્વો અન્ય રાજ્યોમાં તોફાન મચાવી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને ડો.આંબેડકરનું ટીશર્ટ પહેરવા બદલ ઢોર માર માર્યો હતો.
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના લખીમપુર ખેરી જિલ્લામાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેરવા જેવી સામાન્ય બાબત પર એક દલિત યુવકને બે શખ્સોએ ઘાતક હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. આ મામલે પસગવાં પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મામલો શું હતો?
પ્રાપ્ત વિગતો અનુસાર, જંગબહાદુરગંજ વિસ્તારના પાંડેવારી ગામનો રહેવાસી પરવિંદર પુત્ર ગિરીશચંદ્ર ગત શુક્રવારે બપોરે કોઈ કામ અર્થે સુખવસા ગામ ગયો હતો. પરવિંદરે તે સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરવાળું ટીશર્ટ પહેર્યું હતું. જ્યારે તે ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યાંના રહેવાસી બાદલ મિશ્રા અને આકાશ મિશ્રાની નજર તેના પર પડી હતી. બાબા સાહેબની તસવીર જોઈને બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં પરવિંદરને અટકાવી તેની સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: દલિત યુવકે મજૂરીના પૈસા માગતા ગામ વચ્ચે નગ્ન કરી ફટકાર્યો!
જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર માર્યો
પીડિત પરવિંદરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ટીશર્ટ પર બાબા સાહેબની તસવીર જોઈને બંને યુવકોએ તેને અટકાવી જાતિસૂચક અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરવિંદરે તેમની ગાળાગાળીનો વિરોધ કર્યો, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને પરવિંદર પર લાકડીઓ અને લાત-મૂક્કાથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે પરવિંદરના ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.
આરોપીઓએ માત્ર મારપીટ જ ન કરી, પરંતુ પરવિંદરનું ટીશર્ટ ફાડી નાખ્યું હતું અને તેનું લોઅર પણ ઉતારી લીધું હતું. આ ક્રૂરતા આચર્યા બાદ બંને આરોપીઓએ પરવિંદરને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: ગંદા તળાવ વચ્ચે છે ડૉ.આંબેડકરની પ્રતિમા, દલિતો 14મી એપ્રિલે અંદર ઉતરે છે
એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાઈ
ઘટના બાદ પીડિત યુવકે તાત્કાલિક પસગવાં કોતવાલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પીડિતની ગંભીર હાલત અને તથ્યોને ધ્યાને રાખીને પોલીસે બાદલ મિશ્રા અને આકાશ મિશ્રા વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ મામલે જાતિસૂચક અત્યાચાર (SC-ST Act) અને મારપીટની કલમો હેઠળ કાર્યવાહી કરી રહી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે વિચારધારા અને પ્રતીકોના આધારે થતા આવા હુમલાઓ બંધ થવા જોઈએ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમને કડક સજા ફટકારવામાં આવે. હાલમાં પોલીસ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો: મહાકુંભની મોનાલીસાના પતિ વિરુદ્ધ POCSO અને એટ્રોસિટીની FIR નોંધાઈ












