સુરત: ગટરમાં ઉતરીને સફાઈ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી હોવા છતાં આ આદેશનો ખૂલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે અને સફાઈકર્મીઓ ઝેરી ગેસના ગળતરથી મોતને ભેટી રહ્યાં છે. આવી જ એક ઘટના આજે સવારે સુરતમાં બની હતી. શહેરના ખાંડ બજાર વિસ્તારમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીની અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બરમાં સફાઈ કામગીરી માટે ઉતરેલા ચાર સફાઈકર્મીઓનું અંદર જ ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું છે.
પ્રાથમિક તપાસમાં અંદર ફસાયેલા શ્રમિકોને ઝેરી ગેસની અસર થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ શ્રમિકોને બચાવી શકાયા નહોતા.

સફાઈ કામગીરી દરમિયાન બની દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટના ખાંડ બજાર વિસ્તારમાં ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ખાતે ઘટી હતી. આજે 7 જૂને રવિવારે સવારે રતિ હાઉસ પરિસરમાં આવેલી અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બરની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાદવ-કચરો સાફ કરવા માટે ચાર શ્રમિકો એક પછી એક ટેંકની અંદર ઉતર્યા હતા. જોકે, ચેમ્બરની અંદર એકત્ર થયેલા ઝેરી ગેસના કારણે ચારેય શ્રમિકો ગૂંગળાવા લાગ્યા હતા અને જોતજોતામાં ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતા.
આ પણ વાંચો: હિંદુ યુવા વાહિનાના નેતાને રેપ કેસમાં જામીન મળતા ફૂલ-હાર કરાયા
ફાયર બ્રિગેડનું તાકીદનું રેસ્ક્યુ ઓપરેશન
ઘટના અંગે ફાયર વિભાગના અધિકારી ભાવિનભાઈ જગદીશભાઇ કોસીયાએ જણાવ્યું કે, સવારે 10.22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે ખાંડ બજાર પાસે ચેમ્બરમાં એક વ્યક્તિ ફસાયેલ છે. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ સ્થિતિ વધુ ગંભીર માલૂમ પડી હતી. ટેંકની અંદર એક નહીં પરંતુ ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરના કારણે બેભાન અવસ્થામાં ફસાયેલા હતા.
ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે, ફાયરના જવાનોએ ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેંકની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને બહાર કાઢ્યા હતા. સમય સૂચકતા વાપરીને ઘટનાસ્થળે હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે ચારેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: આદિવાસી ક્રાંતિકારીઓ સિદ્ધૂ-કાન્હૂની પ્રતિમા તોડી ભાજપના ઝંડા લગાવાયા
સેફ્ટી સાધનોના અભાવે મોત થયું
આ ગંભીર દુર્ઘટના પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ સુરક્ષાના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોઈપણ ગેસ ચેમ્બર કે અંડરગ્રાઉન્ડ ટેંકની સફાઈ કરતી વખતે ઓક્સિજન માસ્ક અને સેફ્ટી બેલ્ટ જેવા અનિવાર્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં તે તપાસનો વિષય છે.
ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટના જે સ્થળે બની છે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જે સુરત મહાનગરપાલિકા (SMC) ના સીધા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી. આ પ્રકારના પરિસરમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો અને જોગવાઈઓ લાગુ પડે છે. કામદારોની સુરક્ષા પ્રત્યે બેદરકારી રાખવામાં આવી હતી કે કેમ, તેની સંપૂર્ણ વિગતો સંબંધિત વિભાગોની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સામે આવશે.
પોલીસે તપાસ શરૂ કરી
સ્મીમેર હોસ્પિટલ દ્વારા ચારેય સફાઈકર્મીઓના મોતના સત્તાવાર અહેવાલ બાદ સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના સંબંધિત વિભાગો દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફાઈ કામગીરી કોના દ્વારા સોંપવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર આ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: બિનહરીફ ચૂંટણી: લોકશાહી સામેનો મોટો પડકાર











