Dr. Ambedkar Vs Adivasi
Dr. B. R. Ambedkar RITINGS AND SPEECHES Vol. – 1
Chapter : 4 – 9 COMMUNAL DEADLOCK AND A WAY TO SOLVE IT
Page No.
(ii) ABORIGINAL TRIBES
It will be obvious that my proposals do not cover the Aboriginal Tribes although they are larger in number than the Sikhs, Anglo Indians, Indian Christians and Parsees. I may state the reasons why I have omitted them from my scheme. The Aboriginal Tribes have not as yet developed any political sense to make the best use of their political opportunities and they may easily become mere instruments in the hands either of a majority or a minority and thereby disturb the balance without doing any good to themselves. In the present stage of their development it seems to me that the proper thing to do for these backward communities is to establish a Statutory Commission to administer what are now called the ‘excluded areas’ on the same basis as was done in the case of the South African Constitution. Every Province in which these excluded areas are situated should be compelled to make an annual contribution of a prescribed amount for the administration of these areas.

(ii) આદિવાસી જનજાતિઓ
મારા પ્રસ્તાવો આદિવાસી જનજાતિઓને આવરી લેતા નથી, તે સ્પષ્ટ છે, ભલે તેમની સંખ્યા શીખો, એંગ્લો-ઇન્ડિયનો, ભારતીય ખ્રિસ્તીઓ અને પારસીઓ કરતાં વધુ હોય. મેં તેમને મારી યોજનામાં શા માટે સામેલ કર્યા નથી તેના કારણો હું જણાવું છું. આદિવાસી જનજાતિઓએ હજુ સુધી એવી રાજકીય સમજણ વિકસાવી નથી કે જેથી તેઓ પોતાની રાજકીય તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. તેઓ સરળતાથી બહુમતી અથવા લઘુમતીમાંથી કોઈ એકના હાથમાં માત્ર સાધન બની શકે છે અને આમ પોતાને કોઈ લાભ પહોંચાડ્યા વિના રાજકીય સંતુલન ખોરવી શકે છે.
આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા
તેમના વિકાસની વર્તમાન અવસ્થામાં, મને એવું લાગે છે કે આ પછાત સમુદાયો માટે યોગ્ય પગલું એ છે કે હાલમાં જેને ‘બાકાત વિસ્તારો’ (Excluded Areas) કહેવામાં આવે છે તેના વહીવટ માટે એક કાયદેસર પંચ (Statutory Commission) સ્થાપિત કરવામાં આવે, અને તેનું સંચાલન તે જ આધારે કરવામાં આવે જે રીતે દક્ષિણ આફ્રિકાના બંધારણના કિસ્સામાં કરવામાં આવ્યું હતું. જે દરેક પ્રાંતમાં આવા બાકાત વિસ્તારો આવેલાં હોય, તે દરેક પ્રાંતને આ વિસ્તારોના વહીવટ માટે નિર્ધારિત રકમનું વાર્ષિક યોગદાન આપવું ફરજિયાત બનાવવું જોઈએ.
આટલું વાંચતા સામાન્ય રીતે એમ લાગે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર આદિવાસીઓના મતદાનના અધિકાર વિરોધી હતા. પણ આ જ લખાણ ધ્યાનથી અને શબ્દ શબ્દ વાંચો તો તેમણે આદિવાસી સમાજની તે સમયની સાચી રાજકીય સ્થિતિ અને આદિવાસી સમાજના અધિકારો બચાવવાની, રક્ષણ આપવાની વાત કરી હતી.

આ લખાણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્પષ્ટ લખે છે કે: “આદિવાસી જનજાતિઓએ હજુ પૂરતી રાજકીય સમજણ વિકસાવી નથી.”
આજે ઘણા લોકો આ નિવેદનની ટીકા કરે છે, પરંતુ 1945માં આંબેડકરનું માનવું હતું કે: આદિવાસી જનજાતિઓએ હજુ સુધી એવી રાજકીય સમજણ વિકસાવી નથી કે જેથી તેઓ પોતાની રાજકીય તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. આદિવાસી સમાજ હજુ મુખ્ય રાજકીય પ્રક્રિયામાં મજબૂત રીતે સંગઠિત નથી. (તો આ 1945 ના ભારતના આદિવાસીઓની હકીકત છે. તે વખતે આદિવાસી સમાજમાં ના આજના જેટલું શિક્ષણ હતું કે ના સામાન્ય પ્રવાહ સુધીની ઝાઝી પહોંચ કે ના ભારતના સમગ્ર આદિવાસીની અંદરો અંદર તાલમેલ.)
તેઓ સરળતાથી બહુમતી (હિંદુ) અથવા લઘુમતી (મુસ્લિમ) માંથી કોઈ એકના હાથમાં માત્ર સાધન બની શકે છે અને આમ પોતાને કોઈ લાભ પહોંચાડ્યા વિના રાજકીય સંતુલન ખોરવી શકે છે. (તે સમયે હિંદુ મુસ્લિમ વિવાદ ચાલતો હતો તે સંદર્ભમાં) (આજે ડી લિસ્ટિંગ મુદ્દે આદિવાસી સમાજ પોતાને સરખાવી જુએ તો એક તરફ હિન્દૂ બનાવવાની હોડ ચાલી છે અને બીજી તરફ ખ્રિસ્તી બનાવવાની. આદિવાસી સમાજના જ બે જૂથો, હિંદુ – ખ્રિસ્તી નામે સામસામે આવી ગયા છે. ફસાઈ ગયા ને બહુમતી લઘુમતીના ખેલમાં!
આ પણ વાંચો: UGC નો આદેશ છતાં ગાંધીનગર IITE ની ભરતીમાં SC, ST, OBCની બાદબાકી
બીજું શું કહ્યું હતું બાબાસાહેબે! “આમ પોતાને કોઈ લાભ પહોંચાડ્યા વિના રાજકીય સંતુલન ખોરવી શકે છે.” આ હિંદુ – ખ્રિસ્તી કરવામાં આદિવાસી સમાજ, સંસ્કૃતિ, જળ, જંગલ, જમીન, શિક્ષણ, રોજગાર કોઈ કહેતા કોઈ ફાયદો છે? આદિવાસીઓનો પોતાના કોઈપણ લાભ વિના દુરૂપયોગ જ થઇ રહ્યો છે ને? આઝાદીના 78 વર્ષ બાદ જો આદિવાસી સમાજની આ હાલત છે, કોઈપણ અંદરો અંદર આદિવાસીઓને લડાવી જાય, ભાગલા પડાવી જાય છે, તો વિચારો કે, 1945 માં આદિવાસી સમાજની શું રાજકીય સીટી હશે? તો 1945 માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે જે ચિંતા વ્યક્ત કરી હતી તે ખોટી થોડી હતી?
મને એવું લાગે છે કે આ પછાત સમુદાયો માટે યોગ્ય પગલું એ છે કે હાલમાં જેને ‘બાકાત વિસ્તારો’ (Excluded Areas) કહેવામાં આવે છે તેના વહીવટ માટે એક કાયદેસર પંચ (Statutory Commission) સ્થાપિત કરવામાં આવે, અને તેનું સંચાલન તે જ આધારે કરવામાં આવે જે રીતે દક્ષિણ આફ્રિકાના બંધારણના કિસ્સામાં કરવામાં આવ્યું હતું. (બે અંગ્રેજી શબ્દો પર આગળ વિસ્તારથી વાત કરીએ. દક્ષિણ આફ્રિકામાં આદિવાસી વિસ્તારોનું જે રીતે નિયમન કરવામાં આવ્યું હતું તે રીતે ભારતના આદિવાસી વિસ્તારોનું નિયમન કરવાની વાત ડૉ. બાબાસાહેબ આંબેડકરે કરી છે. આ વિચાર જ બતાવે છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર આદિવાસીઓને ભારતના મુખ્ય કાયદાથી બહાર રાખવા માંગતા હતા. જે આજે અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 મુજબ છે. આદિવાસીઓ પર એટલે જ ભારતના કાયદા લાગુ પડતા નથી પણ તેમના પરંપરાગત વિશેષ કાયદાઓ લાગુ પડે છે. આમાં, પણ કાંઈ ખોટું થોડું છે?)
તે દરેક પ્રાંતને આ વિસ્તારોના વહીવટ માટે નિર્ધારિત રકમનું વાર્ષિક યોગદાન આપવું ફરજિયાત બનાવવું જોઈએ (ડૉ. બાબાસાહેબ આંબેડકરે સૂચન કર્યું હતું કે, સરકાર જે તે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે ફરજીયાત ફંડ આપે. આ જોગવાઈ 1950 ના બંધારણમાં બાબાસાહેબે પોતે લખી છે. અનુચ્છેદ પણ આજ દિન સુધી બ્રાહ્મણ સવર્ણ સરકારો દ્વારા તેને લાગુ કરવામાં આવી નથી. સાથે સાથે નિશ્ચિત ફંડ આપવું, આપેલ ફંડ બીજે ના વાપરવું, આદિવાસીઓનું અન્ય જગ્યાએ વાપરે તો સજાની જોગવાઈ, આવું કશું આજ દિન સુધી બ્રાહ્મણ સવર્ણ સરકારે કર્યું નથી.)
આ પણ વાંચો: Dr.Ambedakr શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
હવે વાત કરીએ પેલા બે અંગ્રેજી શબ્દોની.
Excluded Areas = બ્રિટિશ સમયના વિશેષ આદિવાસી વિસ્તારો, જ્યાં સામાન્ય કાયદા સંપૂર્ણ રીતે લાગુ પડતા નહોતા.
Statutory Commission = આદિવાસી વિસ્તારોના વહીવટ અને વિકાસ માટે કાયદા દ્વારા રચાયેલ વિશેષ પંચ.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના 1945 ના આ વિચારો હતા કે, આદિવાસી વિસ્તારોને સીધા સામાન્ય રાજકીય પક્ષો અને બહુમતી-લઘુમતીની રાજનીતિમાં ન ધકેલવા જોઈએ.
તેના બદલે:
એક વિશેષ કમિશન બનાવવું.
તે કમિશન આદિવાસી વિસ્તારોનું સંચાલન કરે.
શિક્ષણ, આરોગ્ય, જમીન અને વિકાસની જવાબદારી સંભાળે.
પ્રાંતો પાસેથી નાણાં મેળવી આદિવાસી વિકાસ માટે ખર્ચ કરે.
સાથે તે પણ જાણી લો કે, આ સૂચનો કાયમી વ્યવસ્થા નહોતી. ડૉ. આંબેડકરનો 1945 નો વિચાર હતો કે આદિવાસી વિસ્તારોને થોડા સમય માટે આવા વિશેષ પંચ દ્વારા સંચાલિત કરવા જોઈએ. પરંતુ બાદમાં ભારતીય બંધારણે આ વિચારને બદલાવીને પાંચમી અને છઠ્ઠી અનુસૂચિના સ્વરૂપમાં વધુ લોકશાહી અને બંધારણીય માળખું અપનાવ્યું.
બંધારણ સભાની ચર્ચાઓ પછી:
સંપૂર્ણ Statutory Commission નો વિચાર સ્વીકારવામાં આવ્યો નહીં. તેના બદલે પાંચમી અનુસૂચિ (Fifth Schedule) અને છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) બનાવવામાં આવી. આદિવાસી વિસ્તારોને વિશેષ બંધારણીય સુરક્ષા આપવામાં આવી. ખાસ કરીને ઉત્તર-પૂર્વમાં સ્વાયત્ત જિલ્લા પરિષદો (Autonomous District Councils) બનાવવામાં આવ્યા. આ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ એ જ છે જે બાબાસાહેબ આંબેડકર 1945 માં આદિવાસીઓ માટે Excluded Areas તરીકે વિચારતા હતા. પણ સંવિધાનમાં તે વધુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યા.
ડૉ. બાબાસાહેબે આંબેડકર ખૂબ જ્ઞાની માણસ હતા. અને દરેક જ્ઞાની માણસ કરે તેમ તેમણે પણ સૌની ચિંતા કરી. સૌના માટે શક્ય તેટલું કામ કર્યું. આ લખાણ જે પુસ્તકમાં છે તેના વિષે જાણવા જેવું છે. પુસ્તકનું નામ છે, “કોમ્યુનલ ડેડલોક એન્ડ અ વે ટુ સોલ્વ ઇટ” (સામુદાયિક મડાગાંઠ અને તેનો ઉકેલ શોધવાનો માર્ગ )
Commune શબ્દ પરથી Communal શબ્દ બન્યો છે. જેનો મતલબ સમાજ થાય છે. તે ધાર્મિક સમુદાય પણ હોય શકે અને સામાજિક સમુદાય પણ હોય શકે. અહીં કોમ્યુનલ એટલે ફક્ત ધર્મ માટેની વાત નથી પણ તમામ લઘુમતીઓ માટેની વાત છે. અને તમામ લઘુમતી એટલે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન, જેવી ધાર્મિક લઘુમતી જ નહીં પણ દલિત અને આદિવાસી, એન્ગ્લો ઇન્ડિયન એવી સામુદાયિક લઘુમતી પણ ગણી છે.
આ પણ વાંચો: પંજાબમાં ભાજપે શરૂ કરેલી ડૉ.આંબેડકર ‘પંચતીર્થ યાત્રા’ શું છે?
આ લખાણ મૂળ ભાષણ સ્વરૂપે, 6 મે, 1945 ના રોજ બોમ્બે (મુંબઈ) ખાતે ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના વાર્ષિક અધિવેશનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે રજુ કરેલું. 1945માં ભારત સ્વતંત્રતાની નજીક પહોંચી રહ્યું હતું, પરંતુ એક મોટું બંધારણીય સંકટ અસ્તિત્વમાં હતું: અને તે હતું . હિંદુ–મુસ્લિમ મડાગાંઠ. મુખ્ય સંઘર્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે હતો. મુસ્લિમ લીગે પાકિસ્તાનની માંગણી કરી હતી. તેમનું કહેવું હતું કે એકીકૃત ભારતમાં મુસ્લિમો હિંદુ બહુમતીના કાયમી પ્રભુત્વ હેઠળ આવી જશે. મુસલમાનોને બહુમતીના જોરે હેરાન કરવામાં આવશે. અને આજે તે સાચું થતું આપણે જોઈ પણ રહ્યા છીએ. જયારે કોંગ્રેસ એકીકૃત ભારત પર અડગ હતી. તે ભારતના ભાગલાના સમર્થનમાં નહોતી. પણ કોંગ્રેસ પાસે મુસ્લિમ લીગને વિશ્વાસ આપવા માટે કાંઈ નહોતું. પરિણામે, બંધારણ રચવાની પ્રક્રિયા સામાજિક મડાગાંઠ (Communal Deadlock) સુધી પહોંચી ગઈ હતી.
બ્રિટિશ સત્તા હસ્તાંતરણ
બ્રિટિશ સરકારે અગાઉ ક્રિપ્સ મિશન (1942) જેવી બંધારણીય દરખાસ્તો મોકલી હતી. જે પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી હતી તે આ હતા:
ભારતનું બંધારણ કોણ લખશે?
લઘુમતીઓનું રક્ષણ કેવી રીતે કરવામાં આવશે?
શું હિંદુઓ બંધારણ સભા પર પ્રભુત્વ જમાવશે?
શું મુસ્લિમો બહુમતીના શાસનને સ્વીકારશે?
ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્પષ્ટ માનતા હતા કે, હાલની દરખાસ્તો લઘુમતીઓને પૂરતું રક્ષણ આપતી નહોતી. ફરીથી યાદ દેવડાવી દઉં કે, લઘુમતી એટલે ફક્ત મુસ્લિમ નહીં પણ આજના હિન્દૂ સિવાયના તમામ ધર્મો, એંગ્લો ઇન્ડિયન, દલિતો, આદિવાસીઓ, વિગેરે. અહીં સ્પષ્ટ થાય છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તમામના હક અધિકારની ચિંતા હતી, ફક્ત દલિતોના નહીં. તેઓ પૂછતા હતા કે અનુસૂચિત જાતિઓ, શીખો, ખ્રિસ્તીઓ, એંગ્લો-ઇન્ડિયનો, પારસીઓ અને આદિવાસીઓનું શું? તેમને ભય હતો કે જો લોકશાહીનો અર્થ માત્ર “જેની સંખ્યા વધારે તે જીતે” એવો જ રહેશે, તો લઘુમતીઓને સત્તામાંથી કાયમી રીતે બહાર રાખવામાં આવી શકે.
આ પણ વાંચો: સંસદ તરફ ઈશારો કરતી ડો.આંબેડકરની આંગળી શું કહે છે?
હમણાં જ વર્ષ 25 જાન્યુઆરી 2020 માં, 126 માં બંધારણીય સુધારા દ્વારા, એન્ગ્લો ઇન્ડિયન માટે અનામત રાખેલી અને નોમિનેટ કરીને ભરવામાં આવતી બે સીટો રદ કરવામાં આવી છે. અને ગુજરાતમાં મુસ્લિમ વસ્તી 10% પ્રમાણે 18 ધારાસભ્યો હોવા જોઈએ તેના બદલે માત્ર એક મુસ્લિમ ધારાસભ્ય છે. ફરી એકવાર બાબાસાહેબની લઘુમતીઓ માટેની ચિંતા સાચી સાબિત થઇ છે. આ ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારપૂર્વક કહે છે કે, “ભારતમાં બહુમતી જન્મે છે; તેને બનાવવામાં આવતી નથી.” તેનો અર્થ એમ છે કે, બ્રિટન અથવા અમેરિકા જેવા દેશોમાં રાજકીય બહુમતીઓ ચૂંટણી દ્વારા બદલાતી રહે છે.
પરંતુ ભારતમાં ધાર્મિક અને જાતિ આધારિત બહુમતીઓ ઘણીવાર જન્મથી નક્કી થયેલી હોય છે. તેથી, આંબેડકરે દલીલ કરી હતી કે સામાન્ય બહુમતી આધારિત લોકશાહી એક સમુદાયના પ્રભુત્વમાં ફેરવાઈ શકે છે. જે આપણે આજે જોઈ પણ રહ્યા છીએ કે અમુક જાતિઓએ ભારતના મૂક વિસ્તારો, અમુક ક્ષેત્રો, અમુક રાજ્યો પર કેવો કબ્જો કરી લીધો છે. યુપીમાં જ્યાં ત્યાં ઠાકુર છે તો ગુજરાતમાં જ્યાં ત્યાં પાટીદાર. ડૉ. બાબાસાહેબની આ વાત પણ અહીં સાચી પડી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે સત્તા-વહેંચણી (Power-sharing) નું મોડેલ પ્રસ્તાવિત કર્યું હતું. “કોઈ પણ સમુદાય પાસે સંપૂર્ણ બહુમતી ન હોવી જોઈએ.” ભલે હિંદુઓ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા સમુદાય હોય, આંબેડકરનું માનવું હતું કે તેમની પાસે બેઠકોની પ્રચંડ બહુમતી ન હોવી જોઈએ.
તેમણે સૂચવ્યું: કોઈ પણ સમુદાયનું વિધાનસભા પર પ્રભુત્વ ન હોવું જોઈએ. પ્રતિનિધિત્વ એવી રીતે વહેંચવામાં આવવું જોઈએ કે લઘુમતીઓ મળીને નિર્ણયો પર અસર પાડી શકે. કાર્યપાલિકા સત્તા (મંત્રીમંડળ / સરકાર) પણ વિવિધ સમુદાયો વચ્ચે વહેંચાયેલી હોવી જોઈએ.
આજે ગુજરાત વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ના બરાબર છે એટલે તમે જોઈ શકો છો કે મુસલમાનો વિરુદ્ધ કેવા મનઘડંત નિવેદનો આપવામાં આવે છે અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ જ બાબત દલિત, આદિવાસીના આરક્ષણ અને એટ્રોસિટી એક્ટના પાલનની બાબતમાં પણ એટલી જ સાચી છે.
આ પણ વાંચો: શું મોદી Dr. Ambedkar કરતા મોટા છે? : AAP
અનુસૂચિત જાતિઓ વિશે તેમનો અભિપ્રાય
આંબેડકરે દલીલ કરી હતી કે અનુસૂચિત જાતિઓ હિંદુ બહુમતીનો એક ભાગ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમના અલગ રાજકીય હિતો છે અને તેથી તેમને સ્વતંત્ર પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ તેમના લાંબા સમયથી ચાલતા સંઘર્ષની આગળની કડી હતી, પૂના કરાર (Poona Pact), અલગ મતદાર મંડળ અને છેવટે અનામત.
આદિવાસીઓ વિશે તેમનો અભિપ્રાય
આ તે વિભાગ છે જેનો તમે અગાઉ ઉલ્લેખ કર્યો હતો.
તે સમયે બાબાસાહેબનું માનવું હતું કે: આદિવાસી જનજાતિઓ (આજની અનુસૂચિત જનજાતિઓ) ને તરત જ સ્પર્ધાત્મક ચૂંટણી રાજકારણમાં ધકેલી દેવી જોઈએ નહીં.
તેમના વિસ્તારોનું વહીવટ એક વિશેષ કાયદાકીય વ્યવસ્થા (Statutory Arrangement) દ્વારા થવો જોઈએ. બ્રિટિશ સમયની “Excluded Areas” પદ્ધતિમાં ફેરફાર કરીને તેનો ઉપયોગ તેમના રક્ષણ માટે થવો જોઈએ. આ વિચાર પાછળથી બંધારણીય ચર્ચાઓમાં વિકસ્યો અને અંતે પાંચમી તથા છઠ્ઠી અનુસૂચિઓના સ્વરૂપમાં પરિણમ્યો.
આ ભાષણમાં આંબેડકર એવો બંધારણીય સૂત્ર શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે હિંદુ પ્રભુત્વ કે મુસ્લિમ પ્રભુત્વ વગર ભારતને એકતાબદ્ધ રાખી શકે. આ લખાણ ભારતના વિભાજન (1947) ના માત્ર લગભગ બે વર્ષ પહેલાં લખાયું હતું, જ્યારે હિંદુ મુસ્લિમ તણાવ તેની ચરમસીમાએ હતો.
સૌ સામાજિક ન્યાયના યોદ્ધાઓ, જાગૃત યુવાનોને વિનંતી છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના લખાણો વાંચો, સમજો અને આજની આપણી લડાઈમાં તેનો ઉપયોગ કરી પરિણામો મેળવો.
કૌશિક પરમાર
(લેખક વિખ્યાત બહુજન બૂક સ્ટોર ‘શરૂઆત પબ્લિકેશન’ના ફાઉન્ડર છે. લેખ તેમના અંગત મતો અને સંશોધન પર આધારિત છે.)
આ પણ વાંચો: પાટણમાં અજાજ મીડિયા ટ્રસ્ટના કારોબારી સભ્યોની બેઠક મળી











