હરિયાણાના હાંસી વિસ્તારના સોરખી ગામમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક દલિત યુવક પર ચોરીનો આરોપ લગાવીને ગામના કેટલાક લોકોએ તેને કાયદો હાથમાં લઈને ક્રૂર સજા આપી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ, પીડિત યુવકની ઓળખ બારૂરામ તરીકે થઈ છે. સોરખી ગામના કેટલાક લોકોએ તેના પર ચોરીનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ તેને પકડીને તેના પગ દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા. એ પછી ઉપસ્થિત ભીડે તેને પાણીથી ભરેલા એક ઊંડા કૂવામાં ઊંધો લટકાવી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો: માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી
જેમાં જોઈ શકાય છે કે યુવક સતત પોતે નિર્દોષ હોવાની દલીલ કરી રહ્યો છે અને જીવ બચાવવા માટે બહાર કાઢવાની આજીજી કરી રહ્યો છે, તેમ છતાં તાલિબાની માનસિકતા ધરાવતા ગ્રામજનોએ તેની એક પણ ન સાંભળી અને તેને લાંબા સમય સુધી કૂવામાં લટકાવી રાખ્યો હતો.
પીડિત બારૂરામે હોસ્પિટલમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ગામના ચોક્કસ શખ્સોએ માત્ર તેને કૂવામાં ઊંધો લટકાવ્યો એટલું જ નહીં, પરંતુ તેની સાથે નિર્દયતાથી મારપીટ પણ કરી હતી. ગ્રામજનો તેના પર દબાણ લાવી રહ્યા હતા કે તે ચોરીનો ગુનો કબૂલી લે અને વિસ્તારમાં થયેલી અન્ય ચોરીની ઘટનાઓની પણ જવાબદારી સ્વીકારી લે. પીડિતે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. આ અમાનુષી અત્યાચારને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સ્થાનિક નાગરિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: છેલ્લા 25 વર્ષમાં દેશનું સંરક્ષણ બજેટ કેટલું વધ્યું?

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. રાત્રિના સમયે જ પોલીસની એક ટીમ નાગરિક હોસ્પિટલ પહોંચી હતી અને પીડિત બારૂરામની સ્થિતિની સમીક્ષા કરીને તેનું સત્તાવાર નિવેદન નોંધ્યું હતું. કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
બાસ પોલીસ સ્ટેશનના પ્રભારી પવિત્ર કુમારે આ અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને હોસ્પિટલમાંથી મળેલા મેડિકલ રુક્કાના આધારે પોલીસ તુરંત સક્રિય થઈ હતી. પીડિત યુવકના નિવેદનના આધારે કાયદેસરની એફઆઈઆર (FIR) નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ મેળવીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઘટનાને પગલે ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બુટલેગરોએ ભીમ આર્મીના બે કાર્યકરોને રસ્તામાં આંતરી હત્યા કરી











