OBC ક્રીમી લેયરમાં ગૂંચવાડો વધતાં કેન્દ્ર સરકાર સુપ્રીમમાં પહોંચી

OBC ક્રીમી લેયર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી UPSC ના 958 ઉમેદવારોનું ભવિષ્ય અને 3.7 લાખ ભરતીઓ અટવાતાં મોદી સરકારને રાજકીય નુકસાનની બીક પેઠી.
OBC creamy layer

OBC અનામતમાં ક્રીમી લેયરના નિયમોને લઈને દેશમાં ફરી એકવાર કાનૂની અને રાજકીય સંગ્રામ શરૂ થયો છે. સંચાલન અને ભરતી પ્રક્રિયામાં ઊભી થયેલી મોટી ગૂંચવણ બાદ કેન્દ્ર સરકાર ખુદ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી છે. દાસત્વ અને સમાનતાના અધિકાર અંગે માર્ચ 11, 2026 ના રોજ ‘યૂનિયન ઓફ ઈન્ડિયા વિરૂદ્ધ રોહિત નાથન’ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય હવે મોટી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર માતા-પિતાના પગાર કે આવકને આધારે જ ઉમેદવારને ક્રીમી લેયર કેટેગરીમાં ધકેલી શકાય નહીં, પરંતુ તેના માટે 1993 ના મૂળ ઓફિસ મેમોરેન્ડમ મુજબ હોદ્દો, કેડર અને સામાજિક સ્થિતિ જોવી અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ખાનગી ક્ષેત્ર અને પબ્લિક સેક્ટર (PSU) ના કર્મચારીઓના બાળકો સાથે માત્ર આવકના આધારે અસમાન વ્યવહાર કરવા સામે લાલ આંખ કરી હતી.

આ પણ વાંચો: “15 દિવસમાં આરોપીને પકડો”, ભરત સોંદરવાના મોત મુદ્દે દલિતોમાં રોષ

કેન્દ્ર સરકારની ચિંતા અને 3.7 લાખ ભરતીઓ પર ખતરો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે કે જો 11 માર્ચના ચુકાદાને જૂની તારીખથી લાગુ કરવામાં આવશે, તો દેશમાં કાનૂની સંકટ ઊભું થઈ જશે. વર્ષ 2016 થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં આશરે 3.7 લાખ ઓબીસી ઉમેદવારોની ભરતી જૂના ક્રીમી લેયર નિયમોના આધારે થઈ ચૂકી છે. આ ઉપરાંત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલી ભરતીઓ અને પ્રવેશ પ્રક્રિયાઓ પર તેની સીધી વિપરીત અસર પડશે. બેંકિંગ, રેલવે, પોસ્ટલ અને અર્ધસૈનિક દળો જેવા ક્ષેત્રોમાં હજારો નારાજ ઉમેદવારો કોર્ટના દરવાજા ખખડાવશે, જેનાથી મોટા પાયે મુકદ્દમાઓ શરૂ થઈ શકે છે. જૂના ઉમેદવારો ફરીથી નોન-ક્રીમી લેયરના લાભ માટે દાવો ઠોકી શકે છે, જેનાથી આખી સરકારી સેવા સંગઠન માળખું ખોરવાઈ જવાનો ભય છે.

UPSC CSE-2025 ના 958 ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ

સરકાર માટે સૌથી તાત્કાલિક અને મોટો પડકાર સિવિલ સર્વિસ પરીક્ષા (CSE-2025) નો છે. UPSC એ માર્ચ 6, 2026 ના રોજ આખરી પરિણામ જાહેર કરીને 958 ઉમેદવારોની સત્તાવાર ભલામણ કરી હતી. પરંતુ તેના બરાબર 5 દિવસ પછી જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. CSE-2025 નોટિફિકેશન જાન્યુઆરી 22, 2025 ના રોજ બહાર પડ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા જૂના નિયમો મુજબ પૂર્ણ થઈ ગઈ હતી. હવે જો નવા નિયમો લાગુ કરાય તો આ તમામ ઉમેદવારોના સર્વિસ એલોટમેન્ટ, કેડર ફાળવણી અને મસૂરી ખાતે ઓગસ્ટના અંતમાં શરૂ થતાં ફાઉન્ડેશન કોર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અટકી જશે. કેન્દ્ર સરકારે માંગ કરી છે કે CSE-2025 અને 2026 ની પ્રક્રિયાને જૂની પદ્ધતિથી જ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા આસપાસ દબાણ કરાતા યુવકે અનોખી રીતે વિરોધ કર્યો

પદોની સમકક્ષતા નક્કી કરવામાં બે વર્ષનો સમય લાગશે

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે સરકારી હોદ્દાઓ સાથે ખાનગી અને પબ્લિક સેક્ટરના હોદ્દાઓની ‘સમકક્ષતા’ નક્કી કરવી અત્યંત જટિલ પ્રક્રિયા છે. દેશના વિવિધ રાજ્યો અને સંસ્થાઓમાં હોદ્દાઓનું માળખું અલગ-અલગ હોય છે, તેથી તમામ રાજ્યો સાથે વિચાર-વિમર્શ કરીને આ સમકક્ષતા નક્કી કરવામાં ઓછામાં ઓછો 2 વર્ષનો સમય લાગી શકે છે. જો ઉતાવળમાં નિર્ણય લેવાય અથવા માત્ર આવકના માપદંડને હટાવી દેવાય, તો અત્યંત ઊંચી આવક ધરાવતા શક્તિશાળી વર્ગો પણ નોન-ક્રીમી લેયરનો લાભ લઈ જશે અને ખરેખર જરૂરિયાતમંદ ઓબીસી ઉમેદવારો અનામતના લાભથી વંચિત રહી જશે.

આ પણ વાંચો: દલિત કેબ ડ્રાઈવરની આત્મસન્માન માટેની લડાઈ

સુપ્રીમ કોર્ટમાં ખાસ બેન્ચની રચના કરવાનો નિર્ણય

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતની ગંભીરતા રજૂ કરી હતી. મુળ ચુકાદો આપનાર જજો હાલ અલગ-અલગ પીઠમાં હોવાથી, સુપ્રીમ કોર્ટે આ જટિલ અને સંવેદનશીલ વિષયની તાકીદે સુનાવણી કરવા માટે એક વિશેષ બેન્ચ (Special Bench) બનાવવાની સંમતિ આપી છે. સરકારનું કહેવું છે કે તે કોર્ટના નિર્ણયને નબળો પાડવા નથી માંગતી, પરંતુ માત્ર તેને ભવિષ્યની ભરતીઓ પર લાગુ કરવા (Prospective Overruling) ની માંગ કરી રહી છે. હવે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચ નક્કી કરશે કે અનામતની સમાનતા અને લાખો યુવાનોના ભવિષ્ય વચ્ચે કાનૂની સંતુલન કેવી રીતે જાળવવું.

આ પણ વાંચો: ઉત્તરાખંડના દલિત યુવકે દેશની પહેલી ‘ઉડતી કાર’ બનાવી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x