ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના બખીરા થાણા વિસ્તાર હેઠળના બભની ગામમાં એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકની તેના જ મિત્રએ અન્ય સાથીદારો સાથે મળીને ગળું રેંસીને હત્યા કરી નાખી છે. ગુરુવારે રાત્રે બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે, જેને પગલે તકેદારીના ભાગરૂપે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પીએસી (પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી) તૈનાત કરવામાં આવી છે.
આ મામલે પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જૂની અદાવતમાં મિત્ર જ બન્યો કાળ
પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બભની ગામનો રહેવાસી ૩૦ વર્ષીય દલિત યુવક આનંદ ગુરુવારે રાત્રે બજારમાંથી ઘરનું જરૂરી સામાન ખરીદીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બભની ચોકડી પાસે તેનો જ મિત્ર નાસીર (18 વર્ષ) તેના અન્ય ત્રણ સાથીદારો નિરહૂ, જૈગમ અને એક અજાણ્યા વ્યક્તિ સાથે હથિયારો લઈને ઘાત લગાવીને ઊભો હતો. આનંદ ત્યાં પહોંચતા જ આ ચારેય શખ્સોએ તેને ઘેરી લીધો હતો અને ધારદાર હથિયાર વડે તેનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ વાંચો: RSSએ દલિતોનું 400 વર્ષ જૂનું મંદિર હડપી લેતા મોહન ભાગવતને ફરિયાદ
પોલીસ અધિક્ષક (એસપી) સંદીપ કુમાર મીણાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, મૃતક આનંદ અને મુખ્ય આરોપી નાસીર અગાઉ સારા મિત્રો હતા. પરંતુ થોડા સમય પહેલા એક લગ્ન સમારોહ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડાની જૂની અદાવત અને દાઝ રાખીને નાસીરે આ લોહિયાળ ખેલ ખેલ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રોષે ભરાયેલા ગામલોકોએ બૂલડોઝર કાર્યવાહીની માંગ કરી
હત્યાના સમાચાર વહેતા થતાં જ શુક્રવારે બભની ગામના રહીશો અને દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ગ્રામજનો અને મહિલાઓ હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જોરદાર ધરણાં-પ્રદર્શન શરૂ કર્યા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે અને તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. તણાવ વધતા શુક્રવારે પોસ્ટમોર્ટમ દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો જિલ્લા હોસ્પિટલે એકઠા થયા હતા અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને થોડા કલાકો માટે મુખ્ય માર્ગ જામ કરી દીધો હતો.

આ પણ વાંચો: રેલવેના ફ્રી વાઈ-ફાઈનો ઉપયોગ કરી કુલીએ IAS પરીક્ષા પાસ કરી
પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) આલોક કુમાર અને એસપી સંદીપ કુમાર મીણાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગ્રામજનોને શાંત પાડ્યા હતા. તંત્રે આરોપીઓની વહેલી તકે ધરપકડ અને કડક કાનૂની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. આ દરમિયાન, વહીવટીતંત્રે કડક વલણ અપનાવીને બભની બજારમાં આવેલા આરોપીઓની નાઈની અસ્થાયી દુકાન અને ચિકનની દુકાન પર બુલડોઝર ચલાવીને તેને તોડી પાડી હતી.
યુવકનો પરિવાર નિરાધાર બન્યો
હત્યાનો ભોગ બનેલો આનંદ પોતાના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. તેના લગ્ન સાત વર્ષ પૂર્વે થયા હતા. તેની પાછળ હવે તેની પત્ની અને ત્રણ વર્ષ તેમજ એક વર્ષની બે નાની દીકરીઓ નિરાધાર બન્યા છે. હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર ધરપકડ થઈ નથી. પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો: અમરેલીના મોટા આંકડીયામાં જમીન મુદ્દે પટેલોએ દલિતો પર હુમલો કર્યો











