જૂનાગઢ: ગુજરાતમાં સામાજિક સમાનતાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભુતડી ગામે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં નવનિર્મિત રામ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સર્જાયેલા વિવાદ બાદ દલિત સમાજનો સંપૂર્ણ સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવતા સ્થિતિ તણાવપૂર્ણ બની છે. આ મામલે વિસાવદર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મામલો શું હતો?
ભુતડી ગામે ગત તા. 28 એપ્રિલ 2026ના રોજ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આરોપ છે કે આ ધાર્મિક મહોત્સવ દરમિયાન આયોજકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હતો. મંદિરના કાર્યક્રમમાં સમાન અધિકાર ન મળતા દલિત સમાજના લોકોએ સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ ગામના સવર્ણો દ્વારા દલિત સમાજને પાઠ ભણાવવા માટે તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

આ પણ વાંચો: ધોળકાની દલિત સગીરા પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ
દલિતોનો સામાજિક-આર્થિક બહિષ્કાર કરાયો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ બાદ ગામના પ્રભુત્વ ધરાવતા વર્ગ દ્વારા દલિતો સાથેના તમામ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. આ આર્થિક બહિષ્કાર હેઠળ દલિતોને રોજગારી ન આપવી, પશુપાલન કે ખેતીકામમાં સહયોગ ન કરવો અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં અડચણો ઊભી કરવા જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. બંધારણના અનુચ્છેદ 17 હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ હોવા છતાં, 21મી સદીમાં આ પ્રકારનો જ્ઞાતિવાદ લોકશાહી સામે મોટો પડકાર ઉભો કરી રહ્યો છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ છતાં આરોપી ફરાર
શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો બાદ, દલિત સમાજના અગ્રણીઓએ ભારે રજૂઆતો કરી હતી. અંતે અજયભાઈ ચતુરભાઈ બોરીચાની ફરિયાદના આધારે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. 1123070260189 હેઠળ એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196(2), 54 અને SC/ST એક્ટની કલમ ૩(1)(r), ૩(1)(za)(A), ૩(1)(za)(C) તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો છે. જોકે, ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ ન થઈ હોવાથી પીડિતોમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો: નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!

મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી
અમદાવાદના માનવ અધિકાર કાર્યકર કાંતિલાલ યુ. પરમારે આ ઘટનાને ગંભીર ગણાવી મુખ્યમંત્રીને તાકીદની અપીલ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, સામાજિક બહિષ્કાર એ માત્ર ગુનો નથી પરંતુ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. તેમની મુખ્ય માંગણીઓમાં તમામ નામજોગ આરોપીઓની તાત્કાલિક ધરપકડ, પીડિત પરિવારોને 24 કલાક પોલીસ પ્રોટેક્શન અને આ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે ઉચ્ચ અધિકારીની નિમણૂકનો સમાવેશ થાય છે. વધુમાં, પીડિતોને સમાધાન માટે પોલીસ કે અન્ય વગદાર લોકો દ્વારા દબાણ ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા પણ માંગણી કરવામાં આવી છે.
ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલ ભુતડી ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ગામમાં સામાજિક અંતર અને અવિશ્વાસની ખાઈ ઊંડી થઈ છે. દલિત પરિવારો ન્યાયની આશાએ જીવી રહ્યા છે. તંત્ર દ્વારા જો કડક હાથે કામ લેવામાં નહીં આવે તો આ વિવાદ વકરવાની અને અન્ય ગામોમાં પણ તેની અસરો પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ કેસમાં હવે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે અને સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિતવાસમાં આગ લાગી, 11 સામે એટ્રોસિટીની FIR નોંધાઈ











