‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?

'સંકલ્પ ભૂમિ' વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ કરોડોની સરકારી ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લીધે અધૂરું રહેતા રોષ ફેલાયો.
Sankalp Bhoomi memorial incomplete

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસિક સ્મૃતિ સ્થળ વડોદરા સ્થિત ‘સંકલ્પ ભૂમિ’ ખાતે સ્મારક નિર્માણનો પ્રશ્ન 10 વર્ષ બાદ પણ ઉકેલાયો નથી. સયાજીબાગ નજીક કલ્યાણનગર વિસ્તારમાં આવેલી આ પવિત્ર ભૂમિ પર સ્મારક બનાવવા માટે કરોડો રૂપિયાની સરકારી જોગવાઈઓ થઈ, ખાતમુહૂર્તો થયા પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. વર્ષ 2017 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આમ છતાં, આટલા વર્ષો વીતી ગયા પછી પણ કામગીરી પૂર્ણ ન થતાં સમગ્ર દલિત સમાજ અને આંબેડકરી સમુદાયમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

કરોડો રૂપિયાની ફાળવણી છતાં સ્થિતિ જેમની તેમ

આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે રૂ. 28 કરોડ થી વધુનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સ્મારકના બાંધકામ માટે અંદાજે રૂ. 10 કરોડ, પુસ્તકાલય, મ્યુઝિયમ, પ્રતિમા અને અન્ય નાગરિક સુવિધાઓ માટે રૂ. 11.81 કરોડ તથા અન્ય વિકાસ કામો માટે રૂ. 16.42 કરોડની રકમ ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચો: આખરે આપણી નાગરિકતા પુરવાર શેનાથી થાય છે?

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ડૉ. આંબેડકરને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી હતી અને આ નગરી સાથે બાબાસાહેબનો સામાજિક પરિવર્તનનો ઊંડો સંબંધ રહ્યો છે. છતાં, આટલા મોટા આંકડાકીય નાણાકીય આયોજન બાદ પણ સ્મારકનું કામ કયા કારણોસર અટકેલું છે તે અંગે સરકારી તંત્ર મૌન સેવી રહ્યું છે.

અધૂરી કામગીરી અંગે સમાજમાં ઉઠતા પ્રશ્નો

આ માત્ર એક સરકારી ઇમારત અધૂરી રહેવાનો મામલો નથી, પરંતુ બંધારણીય મૂલ્યો અને દલિત સમાજની આત્મસન્માનની લાગણીઓ સાથે જોડાયેલો વિષય છે. આ મુદ્દે સામાજિક સંગઠનોએ તંત્ર સમક્ષ આકરા સવાલો ઉઠાવ્યા છે. ફાળવવામાં આવેલા નાણાંમાંથી અત્યાર સુધીમાં વાસ્તવમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. પ્રોજેક્ટ વિલંબિત થવા પાછળ કયા અધિકારીઓ, એજન્સી કે કોન્ટ્રાક્ટર જવાબદાર છે તેની સામે શિસ્તભંગના પગલાં લેવાવા જોઈએ.

આ પણ વાંચો: મહેસાણામાં દલિત ડોક્ટરની પટેલ ડોક્ટર પત્નીનું અપહરણ

આ ઉપરાંત અત્યાર સુધી થયેલી કામગીરીનું સત્તાવાર નાણાકીય ઓડિટ કરવામાં આવ્યું છે કે નહીં અને બાકી રહેલું કામ કઈ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તે જાહેર કરવું અત્યંત અનિવાર્ય છે.

23 સપ્ટેમ્બર 2026 સુધીમાં સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવાની માગ

માનવ અધિકાર કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે હવે માત્ર પોકળ જાહેરાતો કે નવા ખાતમુહૂર્તો કરવાને બદલે સરકારે કામની ચોક્કસ આખરી તારીખ જાહેર કરવી જોઈએ. વડોદરા તંત્ર તમામ સરકારી ખર્ચ, મંજૂર થયેલી રકમ અને કોન્ટ્રાક્ટર સામે થયેલી કાર્યવાહીની વિગતો સાર્વજનિક કરે તે જરૂરી છે.

દલિત સમાજની સ્પષ્ટ લાગણી છે કે આવનાર પવિત્ર સંકલ્પ દિવસ, 23 સપ્ટેમ્બર 2026 સુધીમાં ‘સંકલ્પ ભૂમિ’ સ્મારકનું નિર્માણ કાર્ય ગૌરવપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે. આ સ્મારકને દેશના રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવે તેવી માગણી સાથે ચીમકી આપવામાં આવી છે કે જો સમયસર કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે.

આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરાને ફાળવાયેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x