અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં દલિત સમાજ પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ધનસુરાના ભેંસાવાડા ગામમાં બે દિવસ પહેલા મોડી રાત્રે 6 પટેલ શખ્સોએ ભેગા મળીને એક દલિત યુવકને ઘેરી લઈ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પીડિત પરિવારની રજૂઆત બાદ ધનસુરા પોલીસ સ્ટેશનમાં તમામ 6 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દલિત યુવક પર થયેલા આ બર્બર હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વહેમના આધારે ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો
ઘટનાની મળતી વિગતો મુજબ, ભેંસાવાડા ગામના ચોકમાં ગત મોડી રાત્રે ફરિયાદીના પુત્ર વિશાલ જગદીશભાઈ રાઠોડ પર આરોપીઓએ અચાનક હુમલો કર્યો હતો. હુમલા પાછળનું મુખ્ય કારણ આરોપીઓની ભત્રીજીને મનીષ ઉર્ફે કત્યા નામના અન્ય યુવક સાથે વાત કરાવવાનો વહેમ રાખવામાં આવ્યો હતો. આ શંકાના આધારે જ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી વિશાલ રાઠોડને નિશાન બનાવ્યો હતો અને તેના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ દલિત યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. જાતિગત દ્વેષ રાખીને કરવામાં આવેલા આ હુમલામાં યુવકને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?
કેબલ વાયર, લાકડીઓ અને ગડદાપાટુથી માર માર્યો
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, આરોપીઓએ હથિયારો અને વાયર વડે યુવક પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી નંબર 1 અને 2 એ વાયરના કેબલ વડે સતત માર માર્યો હતો. જ્યારે આરોપી નંબર 3 અને 4 એ હાથમાં રહેલી લાકડીઓ વડે યુવકને ઝુડી નાખ્યો હતો. આ સિવાય આરોપી નંબર 5 અને 6 એ યુવકને જમીન પર પાડીને ગડદાપાટુનો બેફામ માર માર્યો હતો.
મારના કારણે વિશાલ રાઠોડને શરીરના વિવિધ ભાગો, હાથ, પગ તેમજ લમણાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ તેને બીભત્સ ગાળો આપી હતી અને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે આરોપીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો પણ સરેઆમ ભંગ કર્યો હતો.
આ પણ વાંચો: કચ્છના ખાંડેકમાં લુખ્ખાઓએ દિવાલ પર ડૉ.આંબેડકર વિશે અપશબ્દો લખ્યાં

6 શખ્સો સામે નામજોગ ફરિયાદ, DYSP દ્વારા તપાસ શરૂ
ધનસુરા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 6 હુમલાખોરો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલા આરોપીઓમાં વિવેક મણિભાઈ પટેલ, પાર્થ નટુભાઈ પટેલ, ગાગુ ઉર્ફે બ્રિજેશ વિનુભાઈ પટેલ, અલ્પેશભાઈ વિનુભાઈ પટેલ, રવિભાઈ ઈશ્વરભાઈ પટેલ અને કમલેશભાઈ જેઠાભાઈ પટેલનો સમાવેશ થાય છે.
આ તમામ 6 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટ (SC/ST Act) ની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ મામલાની વધુ તપાસ SC/ST સેલના DYSP ને સોંપવામાં આવી છે. દલિત યુવક પર થયેલા આ અત્યાચારને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તેવી માગણી ઉઠી રહી છે.
આ પણ વાંચો: દલિત કેબ ડ્રાઈવરના સમર્થનમાં આવ્યા આકાશ આનંદ, RSS ને ઝાટકી











