સાબરકાંઠાના વડાલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરાયા

સાબરકાંઠાના વડાલીમાં જાતિવાદી તત્વો ડો.આંબેડકરની પ્રતિમાના ચશ્માની ચોરી ગયા. દલિત સમાજમાં ભારે રોષ. પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું.
Glasses from Dr Ambedkars statue stolen in Wadali
Glasses from Dr Ambedkars statue stolen in Wadali

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ગત મોડી રાત્રે એક અત્યંત સંવેદનશીલ અને આક્રોશ જનક ઘટના સામે આવી છે. અહીં આવેલી ઉમિયા પાર્ક સોસાયટી પાસે સ્થાપિત ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અસામાજિક તત્વો દ્વારા ચેડાં કરવામાં આવ્યા હતા. અજાણ્યા શખ્સો દ્વારા પ્રતિમા પરથી ચશ્માની ચોરી કરવામાં આવતા સ્થાનિક રહીશો અને દલિત સમાજમાં ભારે રોષ અને અસંતોષ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને મામલાની ગંભીરતા જોઈને પોલીસ તેમજ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અસામાજિક તત્વોનું શાંતિ ડહોળવાનું કૃત્ય

વડાલીના ઉમિયા પાર્ક સોસાયટી પાસે આવેલી બાબાસાહેબની પ્રતિમા પરથી ચશ્મા ગાયબ હોવાનું સવારે સામે આવતા જ દલિત સમાજ, સ્થાનિક યુવાનો અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ભીમ આર્મી સંગઠન સહિત વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. લોકોનો આરોપ છે કે કેટલાક નફ્ફટ અને અસામાજિક તત્વોએ વિસ્તારની શાંતિ અને કોમી સૌહાર્દ ડહોળવાના હેતુથી જ અંધારામાં આ પ્રકારનું હલકું કૃત્ય આચર્યું છે.

ઘટનાને પગલે વડાલીના મામલતદાર તેમજ સ્થાનિક પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી લોકોને સમજાવીને શાંત પાડવાના તીવ્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

ભીમ આર્મી અને દલિતોનું પોલીસને 48 કલાકનું અલ્ટીમેટમ

આ ઘટનાથી નારાજ ભીમ આર્મી અને સ્થાનિક દલિત આગેવાનોએ પોલીસ તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મહાન પુરુષની પ્રતિમાનું અપમાન કરનારા તત્વો સામે કોઈપણ પ્રકારની દયા દાખવવામાં ન આવે.

આ પણ વાંચોઃ ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ

સંગઠનના હોદ્દેદારોએ પોલીસ અને વહીવટી તંત્રને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકની અંદર ચશ્માની ચોરી કરનાર વિકૃત માનસિકતા ધરાવતા આરોપીઓને પકડવામાં નહીં આવે, તો સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ જાનમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી

LCB અને SOG ની ટીમો દ્વારા CCTV સ્કેનિંગ અને તપાસ

ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના આદેશથી વડાલી પોલીસ ઉપરાંત સ્થાનિક ગુના શોધક શાખા (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ખાસ ટીમોને તપાસમાં જોતરવામાં આવી છે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરીને આરોપીઓનું સુરાગ મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પ્રતિમા જે વિસ્તારમાં આવેલી છે તેની આસપાસના રસ્તાઓ, દુકાનો અને સોસાયટીઓના CCTV કેમેરાના ફૂટેજનું ઝીણવટભર્યું સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે.

હાલ વડાલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવે પોલીસ તપાસમાં આ કૃત્ય પાછળ કોનો હાથ હતો અને કયા ઈરાદાથી આ ચોરી કરવામાં આવી તે વિગતો બહાર આવશે.

આ પણ વાંચોઃ જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x