ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે માત્ર ફોન કરવા માટે મોટો સ્માર્ટફોન ન આપવા જેવી તુચ્છ બાબતમાં એક જાતિવાદી શખ્સે ગામના દલિત યુવક પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ₹10,000 ની કિંમતનો સ્માર્ટફોન લૂંટી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરે યુવકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા જાતિ પ્રત્યે અપમાનિત કરીને ગાળો ભાંડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે વરતેજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મજૂરીકામે જતાં યુવકને રોકી ફોન માંગ્યો, ના પાડતાં માર માર્યો
વાળુકડ ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 37 વર્ષીય નરેશ દુદાભાઈ પરમાર ગત 11 ઓગસ્ટ 2026 ના રોજ સવારના સુમારે પોતાના ઘરેથી જૂના પાદર ગામે મજૂરીકામ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન ગામમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે તેમના જ ગામનો મિત્ર મુકેશ નાગજીભાઈ ચૌહાણ ઊભો હતો.

આ પણ વાંચો: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકો ડૂબી ગયા
મુકેશે નરેશને રસ્તામાં રોકીને કોઈને ફોન કરવા માટે તેનો મોબાઇલ માંગ્યો હતો. જોકે નરેશે ફોન આપવાની ના પાડતાં મુકેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને નરેશને મોઢા પર જોરદાર લાફો મારી દીધો હતો. ત્યારબાદ મંદિર પાસે પડેલો લાકડાનો બડિયો ઉઠાવી નરેશના ડાબા પગ પર ઉપરાઉપરી 2 ફટકા મારી દીધા હતા.
મોબાઈલ જમીન પર પડતાં આંચકી લઈ જાતિ પ્રત્યે અપશબ્દો કહ્યા
હુમલા દરમિયાન નરેશનો મોબાઈલ હાથમાંથી નીચે જમીન પર પડી ગયો હતો. નરેશ પોતાનો ફોન લેવા નીચે નમ્યો ત્યારે મુકેશે તે ફોન બળજબરીપૂર્વક આંચકી લીધો હતો અને હવે આ ફોન તને પાછો આપવો નથી તેમ કહી પોતાની પાસે રાખી લીધો હતો. આ સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય મિત્રો રાજુ પથુભાઈ અને અજય ભૂપતભાઈએ દોડી આવીને વચ્ચે પડી નરેશને વધુ માર પડતો બચાવ્યો હતો. તે વખતે આરોપી મુકેશે ઉશ્કેરાઈ જઈ નરેશને જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધૂત કર્યા હતા અને બીભત્સ ગાળો ભાંડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો: જાતિવાદીઓના ગળામાં હાડકું ફસાયું, ‘EWS અનામત હટાવો’ આંદોલન શરૂ

જાતિનો દાખલો ન મળતા ફરિયાદ નોંધવામાં મોડું થયું
બનાવ બાદ ગભરાઈ ગયેલા નરેશ મજૂરીએ જવાના બદલે સીધા ઘરે પહોંચ્યા હતા અને પિતા દુદાભાઈ તેમજ નાના ભાઈ રવિભાઈને સમગ્ર આપવીતી જણાવી હતી. શરૂઆતમાં પરિવારે વિચાર્યું હતું કે ગામનો જ મિત્ર હોવાથી મુકેશ સામેથી ફોન પરત આપી જશે, પરંતુ ઘણા દિવસો વીતવા છતાં ફોન પરત ન મળતાં અંતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
લૂંટાયેલા વીવો (Vivo) કંપનીના V-40 E મોડલના મોબાઈલની કિંમત આશરે રૂ. 10,000 છે, જેમાં વી.આઈ. (Vi) કંપનીનું સિમ કાર્ડ હતું. બનાવ સમયે જાતિનો સત્તાવાર દાખલો ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદ કરવામાં થોડો વિલંબ થયો હતો. દાખલો મેળવ્યા બાદ વરતેજ પોલીસે ગુનો નોંધી આરોપી સામે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: હરિયાણામાં ભાજપનો ‘ચમાર’ અને ‘મેઘવાલ’ને લડાવવાનો કારસો!











