ખાતરનો ઉપયોગ ‘ખાતર ઉપર દિવેલ’ તો સાબિત નહીં થાય ને?

ખાતરના અસંતુલિત અને આડેધડ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા, પાકની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે તમે જાણો છો.
chemical fertilizers

– ચંદુ મહેરિયા

જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણીવાર ઘણીબધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે.

ખાતર અપાઈ ગયું છે. પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે.

બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના કિસાનના કેટલાક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્વ છે પરંતુ ખાતરનું મહત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ. બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃતિમ મૂળનો કોઈ પદાર્થ.

આ પણ વાંચો: દલિત મહિલાને ઘરે બોલાવી બંદૂક બતાવી ધર્મ પરિવર્તન કરાવાયું!

જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું. પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઉપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જોકે આજે તો રાસયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે. જે નુકસાનકારક છે.

સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. 1973 અને 1985ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યૂરિયા ખાતરની 45 કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. 260 થી 280માં પડે છે તેની વાસ્તવિક કિમત લગભગ રૂ. 2500 થી 2800 હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. 2500 ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. 41,534 કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. 2 લાખ કરોડ આપે છે.

2010ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તેમાંથી યૂરિયાને બાકાત રાખ્યું છે. એટલે ખેડૂતો યૂરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેને માટે જરૂરી ત્રણ પોષક તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો 4:2:1 ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો સામાન્યત: 11:4:1ના પ્રમાણમાં આ તત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો 1/3 હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે.

આ પણ વાંચો: સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કિંમતી વિદેશી હુંડિયામણ વપરાય છે. વળી ખાતર પર સબસિડી મળે છે. એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતા યંત્રોમાંથી નિકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્ત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસનસંબંધી બીમારી થઈ શકે છે. યૂરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાને બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષક તત્વોમાં અસંતુલન થાય છે.

માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃધ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. 2013-14માં 30.6 મિલિયન ટન યૂરિયાનો વપરાશ થયો હતો. દસવરસ પછી 2023-24માં 35.8 મિલિયન મેટ્રિક ટન યૂરિયાનો વપરાશ થયો છે. આ વૃધ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે.

વડાપ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોનો અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેનાં કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.

આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…

ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે. પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે. પરંતુ સરકારે દેશના 27 જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. પરંતુ તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે.

સબસિડીવાળા યૂરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યૂરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔધ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે. પરંતુ છોડના પાના પર છાંટવાના પ્રવાહી કે તરલ યૂરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યૂરિયા કરતાં તરલ યૂરિયા છોડને માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યૂરિયા અને તરલ યૂરિયા માટે વિચારવું જોઈએ.

ખેતીમાં ખાતરની ભૂમિકા શું અને કેવી છે, તે આરોગ્ય માટે કેટલાં આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઊભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબાગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગૃતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઉપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ટીમલી ડાન્સનું નામ સાંભળ્યું હશે, પણ તે શું છે તે ખબર છે?

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x