સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકો ડૂબી ગયા

સાબરકાંઠાના સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન મહેસાણાના બે યુવાનોના ડૂબી જવાથી મોત. મહાદેવના મંદિર પાસે જ કરુણ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું.
Two youths who went to offer Dashama idol in Sapteshwar died
Two youths who went to offer Dashama idol in Sapteshwar died

સાબરકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા મહેસાણા જિલ્લાના બે યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યા છે. શ્રાવણ માસ દરમિયાન સર્જાયેલી આ દુઃખદ દુર્ઘટનાને પગલે મૃતક યુવકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. વિસર્જન દરમિયાન ચાર મિત્રો નદીના પાણીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી બે યુવાનો પાણીના ઊંડા પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

નાહવા પડેલા ચાર યુવકોમાંથી બે ઊંડા પ્રવાહમાં ગરકાવ

મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે સાબરકાંઠાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના કિનારે આવ્યા હતા. મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સાથે આવેલા 4 યુવાનો નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને ઊંડાઈનો અંદાજ ન આવતાં 2 યુવાનો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય યુવકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નદીના વહેણમાં બંને યુવકો જોતજોતામાં ગુમ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં 5 સગીર સહિત 14 યુવકોના ડૂબી જતા મોત

ઇડર, હિંમતનગર અને વિજાપુરની ફાયર ટીમોનું રેસ્ક્યુ ઓપરેશન

યુવાનો નદીમાં ડૂબ્યા હોવાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે ત્વરિત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ઇડર, હિંમતનગર અને વિજાપુર એમ 3 ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ નદીના વહેણમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની શોધખોળ બાદ બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ જાદર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને અકસ્માતે મોતના ગુના હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનોની ઓળખ સામે આવી છે. નવદીપ અશોકભાઈ રાવત: ઉંમર 18 વર્ષ, રહે. મોલીપુરા, તાલુકો વડનગર, મહેસાણા અને રાજવીર બાલુજી ઠાકોર: ઉંમર 18 વર્ષ, રહે. રામપુરા-ભંડોડા, તાલુકો જોટાણા, મહેસાણાનો સમાવેશ થાય છે.

શ્રાવણ માસમાં સપ્તેશ્વર તીર્થધામ પર શોકનું મોજું ફરી વળ્યું

પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી સપ્તેશ્વર મહાદેવના દર્શન અને નદીમાં સ્નાન માટે રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે. ધાર્મિક પ્રસંગે બનેલી આ કાળજું કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર સાબરકાંઠા અને મહેસાણા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર 18 વર્ષની નાની વયના બે ઉભરતા યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તંત્રે શ્રદ્ધાળુઓને નદીના ઊંડા પાણીમાં ન ઊતરવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા ગયો અને તસ્કરો ઘરમાં ચોરી કરી ગયા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • Add your answer
0
Would love your thoughts, please comment.x
()
x