વાવ-થરાદ જિલ્લાના મોરીખા ગામના દલિત યુવક લખીરામ પરમારની શંકાસ્પદ હત્યા મામલે તટસ્થ તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે ચાલતા ધરણાં કાર્યક્રમમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ હવે સિદ્ધપુરના DySP કે.કે. પંડ્યાને સોંપવામાં આવી છે. નવા તપાસ અધિકારીએ 21 ઓગસ્ટથી કેસની તપાસ હાથ ધરી 7 દિવસમાં તપાસ પૂર્ણ કરવાની ખાતરી આપતાં દલિત સમાજે હાલ પૂરતા ધરણાં મોકૂફ રાખ્યા છે.
જોકે, સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 7 દિવસમાં કેસમાં 302 ની કલમ (હત્યાનો ગુનો) ઉમેરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન ફરી શરૂ કરવામાં આવશે.

અઢી મહિનાથી પરિવાર ન્યાય માટે વલખાં મારે છે
ઘટનાની વિગત મુજબ, 1 જૂન 2026 ના રોજ મોરીખા ગામના લખીરામ પરમાર નામના યુવકની ગામના તળાવમાંથી ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે લખીરામની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને તેને અકસ્માત કે આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ન્યાય મેળવવા માટે પીડિત પરિવારે પહેલા સ્થાનિક પોલીસ મથક, ત્યારબાદ DySP અને SP કચેરી સુધી રજૂઆતો કરી હતી.
આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા પદ્મશ્રી દર્શન મોગુલૈયાને જમીન નથી મળી
પરંતુ અઢી મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આખરે પરિવાર અને દલિત સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ન્યાયની માંગ સાથે સોમવારે સમાજના લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી અનિશ્ચિત મુદતના ધરણાં શરૂ કર્યા હતા.
કલેક્ટરના વલણથી આક્રોશ, દલિતોએ વિરોધ નોંધાવ્યો
ધરણાં દરમિયાન કલેક્ટર કચેરીના વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. દલિત સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે કલેક્ટર જાતે નીચે આવીને પીડિત પરિવારની વેદના સાંભળવાની તસદી પણ લીધી નહોતી. તંત્રના આ અસંવેદનશીલ અને “ઘમંડી” વલણથી નારાજ થઈને આંદોલનકારીઓએ બીજા દિવસે સાંજે કલેક્ટર કચેરી સંકુલમાં જ તંત્રને જગાડવા વિરોધ નોંધાવ્યો હતો. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મંગળવારે મોડી સાંજે ધરણાં પર બેઠેલા એક યુવકની તબિયત લથડતાં તેને 108 મારફતે થરાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

આ પણ વાંચો: દલિત કેબ ડ્રાઈવરની આત્મસન્માન માટેની લડાઈ
302 ની કલમ ઉમેરવાની આખરી ચીમકી
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ગૃહ વિભાગે કેસની તપાસ સિદ્ધપુરના DySP કે.કે. પંડ્યાને સોંપી છે. DySP પંડ્યાએ આંદોલનકારીઓ સમક્ષ આવીને 21 ઓગસ્ટથી તપાસ શરૂ કરી હોવાનું અને આગામી 7 દિવસમાં તટસ્થ તપાસ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. દલિત સમાજના આગેવાન પથુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અધિકારીની ખાતરીને માન આપીને હાલ પૂરતા ધરણાં સ્થગિત કરાયા છે.
પરંતુ જો 7 દિવસ બાદ પણ કેસમાં હત્યાની 302 ની કલમ નહીં ઉમેરાય અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો સમગ્ર જિલ્લામાં ફરીથી આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવશે.
આ પણ વાંચો: પથારી ન હોઈ નીચે સૂતેલી 6 આદિવાસી વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો, ત્રણના મોત











