દેશમાં દલિત અત્યાચારની ઘટનાઓ સિલસિલો યથાવત છે. હરિયાણાના રોહતક જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો અને ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. રોહતકના સાંપલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઇસ્માઇલા ગામમાં એક ૩૨ વર્ષના દલિત યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ યુવકનું માથું ધડથી અલગ કરી નાખીને ગુનાને અંજામ આપ્યો છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મામલો શું હતો?
પોલીસ સત્તાવાળાઓ પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ ઇસ્માઇલા ગામના રહેવાસી નીરજ તરીકે થઈ છે, જેની ઉંમર 32 વર્ષ હતી અને તે દલિત સમાજનો હતો. ઘટનાની જાણ વહેલી સવારે થઈ જ્યારે ગામમાં આવેલી પાણીની ટાંકીમાંથી નીરજનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. હુમલાખોરોએ કોઈ તીક્ષ્ણ ધારવાળા હથિયાર વડે નીરજની ગરદન પર પ્રહાર કરીને માથું ધડથી સંપૂર્ણપણે અલગ કરી નાખ્યું હતું. ગુનાની ભયાનકતા અને ક્રૂરતા જોઈને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: દલિત સગીરાને દુકાનદારે ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો
પોલીસે તપાસ શરૂ કરી
સાંપલા પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરત જ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પુરાવા એકત્ર કરવા માટે FSLની વિશેષ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેણે તપાસના નમૂના લીધા છે. પોલીસે નીરજના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે રોહતક પીજીઆઈ (Postgraduate Institute of Medical Sciences) ખાતે મોકલી આપ્યો છે. પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા પાછળનું કારણ અકબંધ
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, હાલના તબક્કે હત્યા પાછળનું ચોક્કસ કારણ કે મૃતકની કોઈની સાથેની અંગત અદાવત અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ આસપાસના લોકો અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. આ ઘાતકી હત્યાકાંડને કારણે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો: ‘હું દલિત છું’ કહેતા જ કોક્રોચ જનતા પાર્ટીનો અભિજીત દીપકે ટ્રોલ થયો

પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
રોહતક પોલીસ દ્વારા હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આ ક્રૂર ગુનાને અંજામ આપનારા તત્વોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા અપાવવામાં આવે. પોલીસ આ કેસને ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદ લઈ રહી છે.
આ પણ વાંચો: સ્વરોજગાર વધ્યા પણ લોકોની કમાણી કેમ વધતી નથી?











