દલિત સમાજના લોકો આ દેશમાં સતત અસુરક્ષા અનુભવી રહ્યાં છે તેવું આપણે વારંવાર સાંભળતા આવીએ છીએ. પરંતુ કેટલીક એવી ઘટનાઓ પણ બનતી હોય છે, જે આ ભયને સતત સાચો ઠેરવતી રહે છે. આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે. જ્યાં એક દલિત યુવકની એક સવર્ણ જાતિના શખ્સની જમીન પર ઘોડો ચરાવવા જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી હતી.
મામલો તમિલનાડુના દિંડીગુલ જિલ્લાનો છે. અહીં કથિત ઉચ્ચ જ્ઞાતિના વ્યક્તિની જમીન પર ઘોડો ચરાવવા જેવી સામાન્ય બાબતમાં થયેલા વિવાદમાં 26 વર્ષીય દલિત યુવક રામરની ધારદાર હથિયારો વડે હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં અન્ય એક દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તમિલનાડુ અસ્પૃશ્યતા નિર્મૂલન મોરચા (TNUEF) એ આ ઘટનાને જાતિ આધારિત વર્ચસ્વની હત્યા ગણાવીને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને પીડિત પરિવારને કડક સુરક્ષા આપવાની માંગ કરી છે.

જમીન પર ઘોડો ચરાવવા બાબતે બોલાવીને કર્યો હુમલો
દિંડીગુલ જિલ્લાના કોડાઇકનાલ તાલુકાના પૂમબરાઈ ગામનો રહેવાસી 26 વર્ષીય રામર અને 20 વર્ષીય પ્રશાંત ઘોડા પર પહાડી વિસ્તારોમાંથી શાકભાજી વહન કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 30 જુલાઈની રાત્રે કથિત સવર્ણ જ્ઞાતિના રઘુ નામના વ્યક્તિએ રામરને એવું કહીને ઘરેથી બોલાવ્યો હતો કે તેનો ઘોડો તેની જમીન પર ચરી રહ્યો છે. રામર અને પ્રશાંત ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાં અગાઉથી તૈનાત 5 લોકોના ટોળાએ તેમના પર ધારદાર હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ ઘાતકી હુમલામાં રામરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રશાંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ પ્રશાંતની થેની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: જાતિવાદીઓના ગળામાં હાડકું ફસાયું, ‘EWS અનામત હટાવો’ આંદોલન શરૂ
SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ, વિરોધ પ્રદર્શન શરુ
આ હત્યાકાંડ બાદ સ્થાનિક લોકો અને દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ એટલે કે SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં પોલીસે 1 આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 ફરાર શંકાસ્પદોની શોધખોળ ચાલુ છે. બાકીના તમામ આરોપીઓને ત્વરિત જેલભેગા કરવાની માંગ સાથે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: વણકરે માચીસ બોક્સમાં સમાઈ જાય તેવી 5.5 મીટરની સાડી બનાવી

સરકારી નોકરી, વળતર અને કડક સુરક્ષાની માંગ
TNUEF, CPI(M) અને અન્ય સામાજિક સંગઠનોના નેતાઓએ હોસ્પિટલ પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે. TNUEF એ રાજ્ય સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે કે રામરના પરિવારને કાનૂની વળતર આપવામાં આવે, તેમની પત્નીને સરકારી નોકરી, બાળકોના મફત શિક્ષણની જવાબદારી અને ઘાયલ પ્રશાંતને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે.
கொடைக்கானல் அருகே பூம்பாறையில், குதிரை மேய்ந்ததாகக் கூறி படுகொலை செய்யப்பட்ட தலித் இளைஞர் ராமர் குடும்பத்தினருக்கு நீதி கேட்டும், குற்றவாளிகள் அனைவரையும் கைது செய்யக் கோரியும் 2 ஆவது நாளாக #CPIM, #TNUEF & குடும்பத்தினர் சார்பில் போராட்டம்.#kodaikanal #dindiguldistrict #TNGov pic.twitter.com/Q0BRwvcHXm
— TNUEF – ததீஒமு (@tnueforg) August 1, 2026
સંગઠને વધુમાં જણાવ્યું છે કે ઘાયલ પ્રશાંત અને તેના પરિવારને હુમલાખોરો તરફથી સતત ધમકીઓ મળી રહી હોવાથી તેમને તાત્કાલિક કાયમી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે. હાલમાં પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:OBC-SC-ST યુવાનોની જાગૃતિને કારણે ‘અનામત હટાવો’નું સૂરસૂરિયું!











