અદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ (Kankaria Lake Front) પર આવેલા પ્રાણી સંગ્રહાલય (Zoo) માં ગઈકાલે બપોરે એક દલિત યુવક પોતાની પ્રેમિકાને રાજી કરવા માટે વાઘના પાંજરામાં ઉતરવા પ્રયત્ન (Youth enter into tiger cage) કર્યો હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યાં છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 20 ફૂટ ઊંચા પાંજરા પર યુવક ચડી ગયા બાદ ઝાડ પર ટીંગાઈ ગયો હતો. આ સમયે જ યુવકનો પગ લપસતા પડતા પડતા બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. લોકોએ તુરંત જ સિક્યુરિટીને જાણ કરતા ઝૂની સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહામહેનતે યુવકને સમજાવી બહાર કાઢ્યો હતો. યુવકને કબજો લઈ મણિનગર પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક તેમની સાથે આવેલી યુવતીને ઈમ્પ્રેસ કરવા આ રીતનું કૃત્ય કર્યું હોવાની ચર્ચા છે.
રવિવારની ઘટના
કાંકરિયા ઝૂમાં વાઘના ઓપન પાંજરામાં અંદાજીત 20 ફૂટ ઊંચી લોખંડની જાળી લાગેલી છે. રવિવારે બપોરના સમયે એક યુવક કોઈ કારણોસર આ રેલિંગ કૂદીને પાંજરામાં આવેલા ઝાડ પર ચડી ગયો હતો. આ સમયે વાઘ પણ ત્યાં નીચે જ હતો. ઝાડ પર ચડ્યા બાદ યુવકનો પગ લપસતા માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોની રાડો ફાટી ગઈ હતી. પાંજરામાં નીચે વાઘ હતો જ્યારે યુવક ઝાડ પર હતો. આ સમયે જ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો. જો કે, વાઘ ખુલ્લો હોય સિક્યુરિટી માટે પણ અંદર તુરંત પ્રવેશવું મુશ્કેલ જણાતું હતું. જેથી યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો. યુવક ઝાડ પર ચાલીને રેલીંગ પરથી નીચે ઉતરતા જ સિક્યુરિટીએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા દલિત યુવક વાઘના પાંજરામાં ઉતર્યો. જુઓ વીડિયો pic.twitter.com/qNHYGShpdL
— khabar Antar (@Khabarantar01) February 10, 2025
યુવક અરૂણ કુમાર પાસવાનની ધરપકડ કરાઈ
વાઘ જેવા હિંસક પ્રાણીના પાંજરામાં એક યુવક પહોંચી જતા ઝૂની સિક્યુરિટી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. પાંજરામાં જનાર યુવકનું નામ અરુણ અને પોતે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં અમદાવાદના રખિયાલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે તાત્કાલિક ધોરણે યુવકને પકડીને મણિનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે યુવક અરુણ કુમારની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને હવે સવાલ ઊભા થયા છે એક યુવક પાંજરા ઉપરથી ચડીને સીધો વાઘના પાંજરામાં જતો રહે છે તો એક દિવસ પહેલા વાંદરાને પણ પજવણી કરતા હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કેટલાક લોકો વાંદરાના પાંજરા પાસે જઈ અને તેને પજવણી કરતા હોવા અંગેનું સામે આવ્યું હતું. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સિક્યુરિટી હોવા છતાં પણ લોકો પ્રાણીઓની પજવણી કરે છે ત્યારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં સિક્યુરિટી માટે પૂરતો સ્ટાફ નથી કે પછી સ્ટાફ ત્યાં હાજર હોતો નથી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટના બાદ લોકોને થોડા વર્ષો પહેલા એક પ્રાણી સંગ્રહાલયમાં વાઘે એક યુવકનો શિકાર કર્યો હોવાની ઘટના તાજી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ APP ધવન જયસ્વાલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ