દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકી 6 કલાક સુધી ચક્કાજામ

દલિત યુવકની જાતિવાદી તત્વોએ ફક્ત 50 રૂ. મજૂરી મામલે હત્યા કરી નાખી હતી. હત્યારાઓ ન પકડાતા દલિતોએ હાઈવે વચ્ચે ચિતા ખડકી દીધી.
દલિત યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકી 6 કલાક સુધી ચક્કાજામ

દલિત સમાજના લોકો સાથે જાતિવાદી ગુંડાઓની સાથે પોલીસ અને વહીવટી તંત્ર પણ જાણે આભડછેટ રાખતું હોય તેવી એક ઘટના સામે આવી છે. એક દલિત યુવકની મજૂરીના પૈસા માંગવા બાબતે જાતિવાદી ગુંડાઓએ મળીને હત્યા કરી નાખી હતી. જેને લઈને વહીવટી તંત્ર અને પોલીસની ઢીલી કામગીરી સામે રોષે ભરાયેલા મૃતક દલિત યુવકના પરિવારજનો અને દલિતોએ ગામના મુખ્ય રસ્તા વચ્ચે જ ચિતા ખડકી દીધી હતી અને તેના પર મૃતકનો મૃતદેહ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે પોલીસ અને વહીવટી તંત્રે 6 કલાક સુધી કોઈ સમાધાન નહોતું કર્યું અને આરોપીઓને પકડ્યાં નહોતા. જેના કારણે એટલા સમય સુધી મૃતક યુવકનો મૃતદેહ રસ્તા વચ્ચે ચિતા પર પડ્યો રહ્યો હતો.

મામલો મધ્યપ્રદેશનો છે. અહીંના છતરપુર જિલ્લાના નૌગાંવમાં એક દલિત યુવકની સંદિગ્ધ પરિસ્થિતિમાં થયેલા મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને રોષની સ્થિતિ જોવા મળી છે. મૃતક યુવકના પરિવારજનો, નજીકના સગા-સંબંધીઓ અને સ્થાનિક દલિતોએ ન્યાયની માંગ સાથે નૌગાંવના મુખ્ય ચોક પર યુવકનો મૃતદેહ રાખીને કલાકો સુધી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન એટલું આક્રોશપૂર્ણ બન્યું હતું કે ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા વચ્ચે જ લાકડાં ગોઠવીને ચિતા બનાવી દીધી હતી અને આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. આ પ્રદર્શનના કારણે મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 6 કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.

મજૂરીના પૈસા માંગવા બાબતે શરૂ થયો હતો વિવાદ

આ ઘટનાની શરૂઆત મજૂરીના પૈસાની લેવડદેવડથી થઈ હતી, પરંતુ સમય જતાં તે ગંભીર વિવાદ અને જીવલેણ હિંસામાં પરિણમી હતી. મૃતક યુવકની ઓળખ ધરમપાલ અહિરવાર તરીકે થઈ છે, જે નૌગાંવના નવા વાસના વોર્ડ નંબર 18નો નિવાસી હતો અને સ્થાનિક શાકભાજી બજારમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ધરમપાલની પત્ની ઉષા અહિરવાર દ્વારા નૌગાંવ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત 22 ઓક્ટોબર 2026ના રોજ મજૂરીના બાકી નીકળતા પૈસા માંગવા બાબતે વિવાદ સર્જાયો હતો. ધરમપાલે જ્યારે જીતૂ ઉર્ફે જિતેન્દ્ર સાહુ અને તેના માતા-પિતા પાસે પોતાની મજૂરીના પૈસા માંગ્યા, ત્યારે તેમણે પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ બાબતે બોલાચાલી વધતા આરોપીઓએ ધરમપાલને લાકડી-દંડા વડે માર માર્યો હતો, જેમાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ ધરમપાલે નૌગાંવ પોલીસ મથકે પહોંચીને તમામ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ દલિત યુવકની રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી, પરિવારનો કલ્પાંત

કેસ પાછો ખેંચવા દબાણ કરી ઝેર પીવડાવી દીધું!

પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપો અનુસાર, મારામારીનો કેસ દાખલ થયા બાદથી જ આરોપી પક્ષ દ્વારા ધરમપાલ પર સતત સમાધાન કરવા અને કેસ પાછો ખેંચી લેવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. ગત 27 ઓક્ટોબરના રોજ ધરમપાલને સમાધાનની વાતચીત કરવાના બહાને એક દુકાને બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેને કેસ પાછો ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે ધરમપાલે કેસ પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે આરોપીઓએ તેની સાથે ફરીથી ગાળાગાળી કરીને મારામારી કરી હતી. પરિવારનો દાવો છે કે આ જ વિવાદ અને ઝપાઝપી દરમિયાન આરોપીઓએ તેને બળજબરીપૂર્વક કોઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો, જેના કારણે ધરમપાલની શારીરિક સ્થિતિ અચાનક જ ખૂબ જ નાજુક બની ગઈ હતી.

આ પણ વાંચોઃ બાઈક ચોરી મામલે બબાલમાં દલિત યુવકની 5 લોકોએ હત્યા કરી

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

જબરદસ્તીથી ઝેરી પદાર્થ પીવડાવવાના આક્ષેપ બાદ ધરમપાલની તબિયત વધુ લથડતાં તેને તરત નૌગાંવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબીબોએ તેની સ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક જોઈને તેને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલ છતરપુર ખાતે રેફર કર્યો હતો. જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી તે દરમિયાન જ 27 ઓક્ટોબરની રાત્રે ધરમપાલનું ટૂંકી સારવાર બાદ અવસાન થયું હતું. યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. શવ જ્યારે પોસ્ટમોર્ટમ બાદ નૌગાંવ પહોંચ્યું, ત્યારે સ્થાનિક લોકો અને દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આરોપીઓ વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

તંત્રની દરમિયાનગીરી અને કાયદાકીય તપાસ

ઘટનાની ગંભીરતા અને રસ્તા પરના ભારે આક્રોશને ધ્યાનમાં રાખીને નૌગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે વહીવટી અને ક્ષેત્રીય પોલીસ અધિકારીઓ દ્વારા પ્રદર્શન કરી રહેલા પરિવારજનો સાથે સતત વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટના તથ્યો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે, મૃતકના પરિજનો અને પ્રદર્શનકારીઓ મુખ્ય આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવાની અને તેમની સામે એફઆઈઆરમાં હત્યાની કલમો ઉમેરવાની માંગ પર અડગ રહ્યા હતા. પોલીસ હાલ તમામ પાસાઓ પર વિગતવાર તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ દલિત યુવકે સવર્ણની જમીન પર ઘોડો ચરાવતા હત્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x