‘દાવેદારી’ અને ‘પોસ્ટમોર્ટમ’ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાતના બે જાણીતા દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મરામ ડોડિયાના કાવ્યસંગ્રહ અનુક્રમે 'પોસ્ટમોર્ટમ’ અને 'દાવેદારી' નો અમદાવાદ ખાતે લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો.
Dalit poetry launching

ગુજરાતના બે ધુરંધર દલિત કવિઓ નિલેશ કાથડ અને આત્મારામ ડોડીયાના નવા કાવ્યસંગ્રહો અનુક્રમે પોસ્ટમોર્ટમ અને દાવેદારીનો ગત તારીખ ૨૨ માર્ચ ૨૦૨૫ના રોજ ગોવર્ધન સ્મૃતિ ભવન, ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. જેમાં દલિત-બહુજન સાહિત્યના ધુરંધરોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની રોનક વધારી દીધી.

શ્રી નટુભાઈ પરમાર, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક

‘દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ના અધ્યક્ષ ડો. મોહનભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ‘પોસ્ટમોર્ટમ’નું લોકાર્પણ ડો.ભરત મહેતાના હસ્તે અને ‘દાવેદારી’નું લોકાર્પણ રાજ્ય સરકારના માહિતી ખાતાના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર નટુભાઈ પરમારના હસ્તે થયું હતું. ભરતભાઈએ ‘પોસ્ટમોર્ટમ’ પર અને નટુભાઈએ ‘દાવેદારી’ કાવ્યસંગ્રહ પર અભ્યાસપૂર્ણ વક્તવ્યો રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ વિશન કાથડે દેશના 150 ગાયકો સાથે સૂર રેલાવી રેકોર્ડ સર્જ્યો

ડો. મોહન પરમાર

કવિઓ નીલેશ કાથડ અને આત્મારામ ડોડિયાના પ્રતિભાવો બાદ અધ્યક્ષીયમાં મોહનભાઈએ બેય કાવ્યસંગ્રહોને ગુજરાતી દલિત સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ ઉમેરણ ગણાવી આવકાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ધરમસિંહ પરમારે, સ્વાગત પ્રવચન કવિ દાન વાઘેલાએ અને આભારદર્શન કવિ રમણ વાઘેલાએ કર્યું હતું.

કવિ નિલેશ કાથડ – પોસ્ટમોર્ટમ કાવ્યસંગ્રહના લેખક
કવિ શ્રી આત્મારામ ડોડીયા – દાવેદારી કાવ્યસંગ્રહના લેખક

શ્રી નટુભાઈ પરમારે આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહ ‘દાવેદારી’ અંગે તલસ્પર્શી અભ્યાસપૂર્ણ વિગતો રજૂ કરી કેટલીક ગઝલોના ભાવની છણાવટ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી નટુભાઈના વક્તવ્યની સૌ કોઈએ પ્રશંસા કરી હતી. તેમણે કવિ આત્મારામ ડોડીયાની કવિતાના મૂળ ભાવને પકડીને ઉપસ્થિત પ્રબુદ્ધજનોને બૌદ્ધિક રસનપાન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો

ડૉ. ભરત મહેતા

એમ. એસ. યુનિવર્સિટી વડોદરાના પ્રોફેસર અને ગુજરાતના જાણીતા વિવેચક પ્રો. ડૉ. ભરત મહેતાએ કવિ નિલેશ કાથડને એક્ટિવિસ્ટ કવિ તરીકે બિરદાવતા સંગ્રહમાંની કેટલીક ધારદાર કવિતાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાસ કવિઓ, તકલીફ એને થાય છે, ધાર કાઢતા આવડે છે, મનીષા વાલ્મિકી, મને શ્વાસ લેવા દો વગેરે કવિતાઓની તલસ્પર્શી ચર્ચા કરી ઉપસ્થિત ભાવકોને રસ તરબોળ કર્યા હતા.

આ પણ વાંચોઃ અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?

શ્રી ધરમશી પરમાર

અધ્યક્ષ સ્થાનેથી બોલતા જાણીતા નવલકથાકાર અને ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સન્માનિત સાહિત્યકાર ડૉ. મોહન પરમારે નિલેશ કાથડને ગુજરાતના ટોચના ત્રણ દલિત કવિઓમાં નીરવ પટેલ અને સાહિલ પરમાર પછીના ઉત્તમ કવિ ગણાવ્યા હતા અને આત્મારામ ડોડિયાને ઉત્તમ ગઝલકાર તરીકે મહત્વના સર્જક ગણાવી બિરદાવ્યા હતા.

આ પણ વાંચોઃ ઉનાકાંડના ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા જાહેરમાં સમાજનો આભાર માનશે

પ્રબુદ્દ પ્રેક્ષકો

નિલેશ કાથડ એ પોતાની કેફિયતમાં દલિત કાવ્ય સર્જનની પ્રક્રિયાના તાણાવાણાની સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી. આત્મારામ ડોડિયા કહ્યું હતું કે હું કવિતા લખતો રહીશ તે મારા માટે જીવન જીવવાની જડીબુટ્ટી છે.

આ કાર્યક્રમમાં સર્વશ્રી દલપત ચૌહાણ, સાહિલ પરમાર, રાઘવજી માધડ, ડો.ભીખુ વેગડા, જેસંગ જાદવ, ડો.નીતિન ગુર્જર, ડો.મહેશ જાદવ, જયંત પરમાર, દશરથ પરમાર, સામત રાજવંશી, નરેન્દ્ર વેગડા, ‘દિશા’ના તંત્રી મૂળજીભાઈ ખુમાણ, ભીખાભાઈ અમીન, શૈલેષ પરમાર, દિનેશ પરીખ, મૂળચંદ રાણા, રસીલાબેન પરમાર, જસુમતિ નીરવ પટેલ, રમેશભાઈ પરમાર ‘બાવનશ્રી’ સહિત સાહિત્ય ભાવકો અને ચાહકો તથા કવિ નીલેશ કાથડ અને કવિ આત્મારામ ડોડિયાના પરિવારજનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલઃ શ્રી નટુભાઈ પરમાર – ગાંધીનગર, કવિ નરેન્દ્ર વેગડા – જૂનાગઢ
ફોટોગ્રાફી: લંકેશ ચક્રવર્તી

આ પણ વાંચોઃ કવિ નિલેશ કાથડ, આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહનું વિમોચન થશે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x