સુરત સેશન્સ કોર્ટ પરિસરમાં એક અત્યંત ચોંકાવનારી અને સસ્પેન્સ સર્જતી ઘટના સામે આવી છે. કતારગામ પોલીસ દ્વારા પકડાયેલા નરેશ પરમાર નામના યુવકની કોર્ટમાં રજૂઆત સમયે જ અચાનક તબિયત લથડતાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારે હોસ્પિટલ પરિસરમાં હૈયાફાટ રૂદન કરીને પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારવાને કારણે મોત થયું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે. બીજી તરફ પોલીસે પરિવારના તમામ દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દઈને તબીબી વિગતો રજૂ કરી છે.
પરિજનોના ગંભીર આક્ષેપો અને પોલીસની કારવાઈ

મૃતક નરેશના ભાભી સંગીતાબેને જણાવ્યું કે, નરેશ દિલ્હીથી પોતાની હૃદયની બીમારીની સારવાર અને દવા લેવા માટે સુરત આવ્યો હતો. તે ઘરે ખાટલા પર સૂતો હતો ત્યારે કતારગામ પોલીસે તેની બીમારી અંગેની અપીલ ધ્યાને લીધા વગર જ તેની ધરપકડ કરી લીધી હતી. પરિવારનો આક્ષેપ છે કે પોલીસે નરેશને પ્રોહિબિશન અને ચોરીના કેસમાં ફસાવીને 3 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. આ સમય દરમિયાન તેને ખાવા-પીવાનું કે જરૂરી દવાઓ પણ આપવામાં આવી નહોતી અને છાતી તથા પડખાના ભાગે લાતો મારીને અત્યાચાર ગુજારાયો હતો, જેના કારણે કોર્ટમાં તેનું બીપી ઘટી જતાં અને શ્વાસ ચડતાં મોત થયું હતું.
4 નિર્દોષ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
નરેશ હીરાના કારખાનાઓની ધૂળ ધોઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 5 વર્ષ પહેલાં તેની પત્ની છોડીને જતી રહી હતી, જેના કારણે તે પોતાના 4 નાના-નાના બાળકોનું ભરણપોષણ એકલો જ કરી રહ્યો હતો. તેના અચાનક મોતના કારણે આ 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચોઃ દલિત યુવકની 101 દિવસ બાદ અંતિમક્રિયા કરાઈ, કસ્ટડીમાં મોત થયું હતું
પોલીસની કામગીરી શંકાસ્પદ
સમગ્ર કેસમાં પોલીસની કામગીરી શંકાસ્પદ બની છે. મૃતક યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, પોલીસે નરેશને પ્રોહિબિશન અને ચોરીના કેસમાં ફસાવીને 3 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યો હતો. આ સમય દરમિયાન તેને ખાવા-પીવાનું કે જરૂરી દવાઓ પણ આપવામાં આવી નહોતી અને છાતી તથા પડખાના ભાગે લાતો મારીને અત્યાચાર ગુજારાયો હતો, જેના કારણે કોર્ટમાં તેનું બીપી ઘટી જતાં અને શ્વાસ ચડતાં મોત થયું હતું.

આ આક્ષેપો અંગે એસીપી એલ. બી. ઝાલાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. આરોપી નરેશ પરમાર વર્ષ 2025 ના રીક્ષા ચેઇન સ્નેચિંગના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે તેની ગઈકાલે જ કાયદેસર ધરપકડ કરી હતી અને બપોરે 3 વાગ્યાના સુમારે તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં તેની તબિયત નાદુરસ્ત જણાતાં નામદાર કોર્ટના આદેશથી જ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કોર્ટમાં મૃતકના ભાભીએ પોતે સ્વીકાર્યું હતું કે નરેશને અગાઉથી હૃદયની બીમારી હતી. હાલમાં ઉમરા પોલીસે અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા માટે પેનલ ડોક્ટરો દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર પોલીસની કામગીરી પ્રત્યે લોકોમાં અવિશ્વાસની ખાઈને વધુ પહોળી કરવામાં ભાગ ભજવ્યો છે.
આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચરથી દલિતનું મોત, PSI સહિત 6 સસ્પેન્ડ












