‘કામ માંગવા જઈએ તો લોકો જાણે અમે ગાય કાપી રહ્યાં હોઈએ તેમ અમારી સામે જુએ છે…’ આ શબ્દો છે ઉનાકાંડના પીડિત વશરામ સરવૈયાના. ઉનાકાંડ(Una incident)ના પીડિત પરિવાર પાસે હવે કોર્ટમાં કેસ લડવા માટે પૈસા નથી. સરવૈયા પરિવારે આ માટે હવે દલિત સમાજની મદદ માંગી છે. ઉનાકાંડના 10 વર્ષ બાદ અદાલતે 35 આરોપીઓને મુક્ત કરી દીધાં હતા. હવે હાઈકોર્ટમાં અપીલ કરવા પીડિત દલિત પરિવારે આર્થિક મદદ માંગી છે.
વેરાવળની કોર્ટે માર્ચ 2026માં ઉનાકાંડના 35 આરોપીઓને છોડી મૂક્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આરોપીઓ છૂટી ગયાના મહિનાઓ પછી, પીડિત સરવૈયા પરિવાર હાઈકોર્ટમાં પોતાની અપીલ દાખલ કરી શકે તે માટે પોતાના નજીકના લોકો પાસે આર્થિક મદદ માંગી રહ્યો છે.

વેરાવળ સેશન્સ કોર્ટના 16 માર્ચના ઓર્ડર સામે વશરામ સરવૈયાની અપીલ પર છેલ્લી સુનાવણી 20 જુલાઈના રોજ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે રજિસ્ટ્રીને ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીના રેકોર્ડ લાવવા જણાવ્યું હતું અને મામલાની સુનાવણી 25 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
વશરામે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “છેલ્લા 10 વર્ષમાં, અમારે આ કેસ આગળ ધપાવવા માટે ઘણો ખર્ચ કરવો પડ્યો છે. અમારી આવકના સાધનો મર્યાદિત છે. એક દાયકા સુધી અમે કોઈ મદદ માંગી નહોતી, પરંતુ હવે અમને તેની જરૂર છે અને મેં સમાજને અપીલ કરી છે. અમને હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ લડવા માટે નાણાંની જરૂર પડશે.”
આ પણ વાંચોઃ ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!
કાનૂની લડાઈ માટે વશરામ સરવૈયાની સમાજને અપીલ
પોતાના પરિવાર વતી, વશરામ સરવૈયાએ 11 જુલાઈ, 2026 થી પોતાના ઓળખીતાઓને વોટ્સએપ મેસેજ મોકલી રહ્યા છે, જેમાં UPI દ્વારા સીધા બેંક એકાઉન્ટમાં નાણાં મોકલવા વિનંતી કરી રહ્યા છે. તેઓ લોકોને કોલ અને મેસેજ પણ કરી રહ્યા છે.

એક મેસેજ છે, “આજે આ પરિવાર આર્થિક રીતે ભાંગી તૂટ્યો છે. જો આ લડાઈમાં સમાજ સહભાગી બની ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો ભાગીદાર બનશે તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં લડાઈ સ્વમાન સ્વાભિમાનની લડાઈમાં જીત મેળવી શકીશું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આપણે જાણીએ છીએ કે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચા થતા હોય છે, ત્યારે આજે આ કેસની જવાબદારી સમાજની સમજી સાથ, સહયોગ આપી આ પીડિત પરિવારને અને સમાજને ન્યાય અપાવીએ.”
વશરામ સરવૈયાના જણાવ્યા મુજબ, 11 જુલાઈ, 2026 થી તેમણે ગુજરાતમાં લગભગ 30 લોકોને આવા મેસેજ મોકલ્યા છે અને તેમાંથી 10 લોકોએ યોગદાન આપ્યું હતું.
વશરામે કહ્યું કે 2016 ની ઘટના બાદ તેમને અને તેમના પરિવારના પુરૂષોને કામ-ધંધો શોધવામાં ભારે સમસ્યા નડી રહી છે.
વશરામ સરવૈયા કહે છે, “અમે કામ માંગવા જઈએ છીએ, તો લોકો અમને એવી રીતે જુએ છે જાણે અમે ગાય કાપી રહ્યા હોઈએ. આવું ઘણી વખત બન્યું છે અને તેથી હવે અમે કામ શોધવા માટે બહાર જવાનું બંધ કરી દીધું છે.”
આ પણ વાંચોઃ મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!
ઉનાકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં શું બન્યું
મરેલાં પશુઓનું ચામડું ઉતારવું દલિત સરવૈયા પરિવારનો પરંપરાગત વ્યવસાય છે, જેની સાથે વશરામ સરવૈયા જોડાયેલા છે. 11 જુલાઈ 2016 ના રોજ, વશરામ અને તેમના બે સગાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની બહારના ભાગમાં સિંહે મારી નાખેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો બે વાહનોમાં આવ્યા અને પોતાને ગૌરક્ષક ગણાવીને તેમના પર જીવતી ગાયો કાપવાનો આરોપ લગાવ્યો. તેમને બાંધીને લાકડીઓ અને લોખંડના સળિયા વડે ફટકારવામાં આવ્યા હતા. વશરામ સરવૈયા અને તેમના પરિવારના બેચર, અશોક અને રમેશ સરવૈયાને કથિત ગૌરક્ષક ગુંડાઓ બાંધીને ઉના શહેરમાં લઈ ગયા હતા, જ્યાં તેમને ફરીથી જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
આ ઘટનાનો વીડિયોએ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પડઘા પડ્યા હતા.સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરવૈયા પરિવારની મુલાકાત લીધી હતી.
આ કેસમાં 41 લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો, જેમાં ઉના પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ પણ સામેલ હતા. તેમાંથી એક, તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર નિર્મળસિંહ ઝાલાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.
આ વર્ષે 16 માર્ચે, વેરાવળના એડિશનલ સેશન્સ જજ જિગ્નેશ પંડ્યાએ 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 35 લોકોને છોડી મૂક્યા હતા. છૂટી જનારાઓમાં એ 3 પોલીસકર્મીઓ પણ સામેલ હતા જેમના પર ઉશ્કેરણી કરવા, બેદરકારી દાખવવા, નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ખોટા દસ્તાવેજો બનાવવા અને સરકારી રેકોર્ડમાં હેરાફેરી કરવાના આરોપો હતા.
નિરાશ વશરામ સરવૈયાએ તે સમયે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ને કહ્યું હતું, “આ એક દુઃખદ ચુકાદો છે અને અમે આનાથી સંતુષ્ટ નથી. અમે આને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પડકારીશું.”
આર્થિક સંકટ વચ્ચે ભવિષ્યનો સંઘર્ષ
વશરામ સરવૈયાએ ગયા મહિને કહ્યું હતું કે હવે તેઓ એવા લોકો પાસે મદદ માંગી રહ્યા છે જેઓ માણસાઈમાં વિશ્વાસ રાખે છે. તેમણે જણાવ્યું હતું કે તેમના અંદાજ મુજબ હાઈકોર્ટમાં કેસ લડવા માટે તાત્કાલિક ધોરણે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની જરૂર પડશે. કેસ કેટલો સમય ચાલે છે અને કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે કે કેમ, તેના આધારે ખર્ચ ઘણો વધી શકે છે.
11 જુલાઈના રોજ અમદાવાદના મંગલ પાંડે ઓડિટોરિયમમાં ઉનાકાંડને 10 વર્ષ પૂરા થવા પર આયોજિત રાજ્ય સ્તરના ન્યાય અને એકતા સંમેલનમાં વશરામ અને રમેશ સરવૈયાના પિતા બાલુભાઈ સરવૈયાએ કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી ન્યાય માટે લડતા રહેશે.
બાલુભાઈ સરવૈયાએ કહ્યું, “દસ વર્ષના સંઘર્ષ પછી, વેરાવળ સેશન્સ કોર્ટમાં અમારા કેસને દબાવી દેવામાં આવ્યો. અમે નારાજ છીએ અને લડવા માંગીએ છીએ. અમે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે; જરૂર પડશે તો અમે તેને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે જીવિત છીએ. જો સુપ્રીમ કોર્ટ પણ અમને ન્યાય નહીં આપે, તો અમે સરકાર સામે આંદોલન કરીશું.”
આ પણ વાંચોઃ ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં

વશરામ સરવૈયાએ કહ્યું કે તેમણે એવા લોકો પાસે મદદ માંગી છે જેઓ “દલિત સમાજ માટે લડી રહ્યા છે”. તેમણે ઉમેર્યું, “હું અન્ય સમાજના એવા લોકોનો પણ સંપર્ક કરી રહ્યો છું જેઓ માનવતામાં માનતા હોય. જરૂર પડશે તો, હું સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતો વીડિયો પોસ્ટ કરીશ.”
વશરામે જણાવ્યું કે આરોપીઓએ પણ પોતાની કાનૂની લડાઈ જારી રાખવા માટે એક ફંડ બનાવ્યું હતું. તેમણે કહ્યું, “તેમને રાજકીય સંગઠનો તરફથી પણ ગુપ્ત રીતે સમર્થન મળ્યું છે.”
વેરાવળ કોર્ટે જે 5 લોકોને દોષિત ઠેરવ્યા હતા, તેમના પર ખતરનાક હથિયારો વડે ઈજા પહોંચાડવા, ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન કરવા અને અનુસૂચિત જાતિના સભ્યોને અપમાનિત કરવા જેવા આરોપો હતા. આ દોષિતોની ઓળખ રમેશ જાદવ, રાકેશ જોશી, નાગજી વાણિયા, પ્રમોદગીરી ગોસ્વામી અને બલવંતગીરી ગોસ્વામી તરીકે થઈ હતી.
વશરામે જણાવ્યું કે તેમના પરિવાર પાસે કોઈ જમીન નથી અને તેમની આવકનો એકમાત્ર ભરોસાપાત્ર સ્ત્રોત તેમની પાસે રહેલી 1 ગાય અને 1 ભેંસનું દૂધ વેચવાનો છે. પરિવારમાં વશરામ અને તેમની પત્ની, તેમની પુત્રી, એક નાનો ભાઈ અને નાની બહેન, તથા તેમના માતા-પિતા સામેલ છે.
વશરામ સરવૈયાએ કહ્યું કે દૂધ વેચીને તેમને દરરોજ માત્ર 350 રૂપિયા આસપાસ જ કમાણી થાય છે. કેટલાક મહિના પહેલા જ્યારે સિંહે તેમની બે પાળેલા ગાયોમાંથી 1 ને મારી નાખી, ત્યારે પરિવારની આવક ઘટી ગઈ હતી. કરૂણતા એ છે કે ઉનાકાંડ વખતે વશરામ સરવૈયાના પરિવાર પર કહેવાતા ગૌરક્ષકોએ તેમના પર પશુઓને મારવાનો આરોપ લગાવ્યો હતો, આ પશુઓમાં એ ગાય પણ સામેલ હતી જેને સિંહોએ મારી નાખી હતી.
આ પણ વાંચોઃ ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’












