મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી અને અણઘડ વહીવટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
કલેક્ટર કચેરીમાં યોજાયેલી જનસુનાવણીમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક જીવંત આદિવાસી યુવક પોતે હયાત હોવાની ગુહાર લગાવવા પહોંચ્યો હતો. નગર પરિષદની મોટી ભૂલના કારણે કાગળ પર જીવતા માણસને ‘મૃત’ જાહેર કરી દેવાયો હતો. આ એક ભૂલના કારણે યુવક છેલ્લા 2 વર્ષથી સરકારી યોજનાઓ, રાશન અને પોતાના હકથી વંચિત થઈને એક એક દાણા માટે લાચાર બની ગયો છે.

પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવવામાં થઈ મોટી ગડબડ
આ વિચિત્ર ઘટના શિવપુરી જિલ્લાના રન્નોદ નગર પરિષદના વોર્ડ નંબર-14 ની છે. અહીંના નિવાસી ગિલટા આદિવાસીના પિતા જિગ્ના આદિવાસીનું અવસાન 24 ઓક્ટોબર 2022 ના રોજ થયું હતું. પિતાના અવસાન બાદ વર્ષ 2023 માં ગિલટાએ નગર પરિષદમાં અરજી કરીને પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું. ગિલટા નિરક્ષર હોવાના કારણે તે સમયે સર્વિસ સેન્ટર કે સરકારી ચોપડે કાગળોમાં શું લખાયું છે તે ચકાસી શક્યો નહોતો.
આ પણ વાંચો: તીજન બાઈ: આદિવાસી સમાજની દીકરી, જેની કળાને દુનિયાએ સલામ કરી
જમીનના નામાંતરણ વખતે થયો ચોંકાવનારો ખુલાસો
પિતાના અવસાન બાદ જ્યારે ગિલટા પોતાની પૈતૃક જમીનનું નામાંતરણ (મ્યુટેશન) કરાવવા માટે પટવારી પાસે પહોંચ્યો, ત્યારે સરકારી રેકોર્ડની તપાસ દરમિયાન આખી બાબત સામે આવી. રન્નોદ નગર પરિષદના કર્મચારીઓએ ડેટા એન્ટ્રી કરતી વખતે પિતા જિગ્ના આદિવાસીના બદલે તેમના જીવંત પુત્ર ગિલટા આદિવાસીના નામે જ મૃત્યુ પ્રમાણપત્ર ઇશ્યૂ કરી દીધું હતું.
સરકારી સુવિધાઓ બંધ અને આર્થિક પાયમાલી
ડેટા એન્ટ્રીમાં થયેલી આ ગંભીર ભૂલના કારણે સરકારી ડિજિટલ ડેટાબેઝ અને ઓળખ રેકોર્ડમાં ગિલટાને ‘મૃત’ ઘોષિત કરી દેવામાં આવ્યો. પરિણામે છેલ્લા 2 વર્ષથી તેને મળતું મફત રાશન અને અન્ય તમામ સરકારી સહાય યોજનાઓના લાભો તાત્કાલિક અસરથી બંધ થઈ ગયા. એક તરફ પિતાની છત્રછાયા ગુમાવી અને બીજી તરફ સરકારી યોજનાઓ બંધ થઈ જતાં આદિવાસી પરિવાર ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયો. કચેરીઓના ચક્કર કાપીને થાકેલો યુવક આખરે ન્યાયની આશામાં જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: મહેસાણામાં પ્રથમ વાર વસ્સાસાટિકા દાન પર્વ યોજાયું
કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
આ સંવેદનશીલ અને ગંભીર મામલાને ધ્યાને લેતા શિવપુરીના જિલ્લા કલેક્ટર અર્પિત વર્માએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે ખાતરી આપી છે કે અરજદારની રજૂઆત આધારે ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલને સત્વરે સુધારી લેવામાં આવશે. સરકારી રેકોર્ડમાં યુવકને પુનઃ ‘જીવંત’ બતાવીને તેની તમામ અટકેલી યોજનાઓ અને રાશન સુવિધા વહેલી તકે પુનઃ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત બાળકે બ્રાહ્મણ શિક્ષકની બોટલમાંથી પાણી પીતાં લાકડીથી માર્યો











