વર્ષ 2023માં હરિયાણાના પલવલમાં બે નિર્દોષ મુસ્લિમ યુવકો નાસિર અને જુનૈદની બજરંગ દળ સાથે જોડાયેલા કથિત ગૌરક્ષકોએ હત્યા કરી હતી. હવે આ હત્યાકાંડના આરોપીએ બજરંગ દળના જ સિનિયર કાર્યકરોના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.
નાસિર-જુનૈદ હત્યાકાંડના આરોપી અને સ્વઘોષિત ગૌરક્ષક લોકેશ સિંગલાએ હરિયાણાના પલવલ જિલ્લામાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. લોકેશ પર 2023 માં ભિવાનીમાં નાસિર-જુનૈદની હત્યા અને લિંચિંગ કરવાનો આરોપ હતો. કહેવાય છે કે, આત્મહત્યાના લગભગ એક મહિના પહેલા લોકેશ સિંગલાએ એક વીડિયો રેકોર્ડ કરીને તેની પત્નીને મોકલ્યો હતો. જેમાં તેણે બજરંગ દળના સિનિયર સભ્યો પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, લોકેશની પત્નીની ફરિયાદના આધારે મંગળવાર, 8 જુલાઈના રોજ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી સહિત અન્ય અનેક કલમો નોંધી છે.
કહેવાય છે કે વોટ્સએપ પર તેની પત્નીને મોકલવામાં આવેલા વીડિયોમાં લોકેશે બજરંગ દળના કાર્યકરો પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. લોકેશે વીડિયોમાં કહ્યું હતું કે, “આ લોકો મને હેરાન કરી રહ્યા છે. તેઓ લોકોને મારા અનુસરવા માટે મોકલી રહ્યા છે અને મને બનાવટી કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

આ પણ વાંચો: પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?
ફરીદાબાદ સરકારી રેલ્વે પોલીસ (GRP) ના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રાજેશ કુમાર ચેચીએ જણાવ્યું હતું કે, “અમે તમામ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરીશું. વીડિયોમાં નામ આપવામાં આવેલા ત્રણ લોકોને FIRમાં આરોપી બનાવવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ પછી, મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.”
આ મામલે બજરંગ દળના એક સભ્યએ નામ ન આપવાની શરતે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. જો બજરંગ દળના સભ્યો અથવા અન્ય કોઈનું નામ લેવામાં આવ્યું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.” ઉલ્લેખનીય છે કે, લોકેશ સિંગલાની લાશ આગ્રા-પલવલ રૂટ પર રેલ્વે ટ્રેક નજીક મળી આવી હતી. લોકેશને ત્રણ બાળકો છે.
નાસિર-જુનૈદ હત્યા કેસ શું છે?
16 ફેબ્રુઆરી, 2023 ના રોજ, હરિયાણાના ભિવાની જિલ્લામાં બળી ગયેલી બોલેરો કારમાંથી બે માનવ હાડપિંજર મળી આવ્યા હતા. તેમાં સામે આવ્યું કે, નાસિર અને જુનૈદ નામના બે મુસ્લિમ યુવકોને પોતાને ગૌરક્ષક કહેતા ગુંડાઓએ ઢોર માર મારીને જીવતા સળગાવી દીધા હતા. બંને નિર્દોષ યુવકોની હત્યાનો આરોપ બજરંગ દળના કાર્યકરો પર લાગ્યો હતો.
પોલીસની ચાર્જશીટમાં જે 13 લોકોના નામ નોંધવામાં આવ્યા હતા, તેમાં એક નામ લોકેશ સિંગલાનું પણ હતું. બાદમાં, બાદમાં એવું સામે આવ્યું હતું કે, આ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓમાંથી ત્રણ હરિયાણા પોલીસ માટે કામ કરતા હતા. ઇન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, આ ત્રણ આરોપીઓ પોલીસના ‘બાતમીદાર’ હતા. ત્રણેય આરોપીઓ પોલીસ સાથે દરોડા પાડવા પણ જતા હતા. ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીઓના નામ રિંકુ સૈની, લોકેશ સિંગલા અને શ્રીકાંત છે.
આ ત્રણ પૈકીના લોકેશ સિંગલાએ આપઘાત કરી લીધો છે, અને એ પણ બજરંગ દળના કાર્યકરોના ત્રાસને કારણે. હિંદુત્વવાદીઓના રવાડે ચડી કથિત ગૌરક્ષક બનીને ફરતા અને નિર્દોષ લોકોને રંજાડતા બેરોજગાર-અભણ યુવાનોએ આ ઘટનામાંથી ઘણું બધું શીખવા-સમજવા જેવું છે.
આ પણ વાંચો: ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત











