કાયમગંજ: ઉત્તર પ્રદેશના કાયમગંજ વિસ્તારમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના એક સ્થાનિક નેતા અને તેમના પુત્ર વિરુદ્ધ એસસી-એસટી (SC-ST) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દુકાનમાંથી ખરીદેલા રેડીમેડ કપડાંની સાઈઝ ટૂંકી પડતાં તે બદલવા માટે આવેલી એક દલિત મહિલાને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કરવા અને કપડાં બદલી આપવાનો સાફ ઇનકાર કરવાનો આ બંને પિતા-પુત્ર પર આરોપ છે. પીડિત દલિત મહિલાની સત્તાવાર ફરિયાદના આધારે કાર્યવાહી કરીને સ્થાનિક પોલીસે વિશ્વ હિંદુ પરિષદના નેતાની ધરપકડ કરી લીધી છે.
કપડાંની સાઈઝ ટૂંકી પડતાં સર્જાયો વિવાદ
પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના કાયમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કાયમગંજના ભગૌતીપુર ગામની રહેવાસી અર્ચના ગૌતમે પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, બપોરે આશરે 2.00 વાગ્યાના સુમારે તે વિંછીયા બજાર ખાતે આવેલી પ્રદીપ સક્સેનાની રેડીમેડ કપડાંની દુકાને પોતાની 6 ર્ષની ભત્રીજી માટે કપડાં ખરીદવા ગઈ હતી.

આ પણ વાંચો: ‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’
ઘરે જઈને જ્યારે તેણે બાળકીને કપડાં પહેરાવ્યા ત્યારે તે સાઈઝમાં નાના (ટૂંકા) નીકળ્યા હતા. આથી, સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ અર્ચના ગૌતમ ફરીથી પ્રદીપ સક્સેનાની દુકાને તે કપડાં બદલાવીને બીજી સાઈઝ લેવા માટે પહોંચી હતી. આ દરમિયાન કપડાં બદલવાની બાબતને લઈને દુકાન માલિક અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ગામનું નામ પૂછીને જ્ઞાતિ આધારિત અપમાન કર્યું
મહિલાનો આરોપ છે કે જ્યારે તે કપડાં બદલવાની માંગ કરી રહી હતી, ત્યારે દુકાન પર હાજર વિશ્વ હિંદુ પરિષદના સહ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ પ્રદીપ સક્સેના અને તેમના પુત્ર જય સક્સેનાએ પહેલા તેને તેના ગામનું નામ પૂછ્યું હતું. અર્ચનાએ જ્યારે પોતાના ગામનું નામ ‘ભગૌતીપુર’ જણાવ્યું, ત્યારે બંને આરોપીઓ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. આરોપ અનુસાર, પિતા-પુત્રે મહિલાની દલિત જ્ઞાતિ ઓળખી જઈને તેની સામે જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને તેને ભયંકર અપમાનિત કરીને કપડાં બદલી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી

એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો, વિહિપ નેતાની ધરપકડ
બજાર વચ્ચે દલિત મહિલા સાથે થયેલા આ દુર્વ્યવહાર બાદ પીડિતાએ તાત્કાલિક કાયમગંજ પોલીસનો સંપર્ક કરીને બંને નરાધમો વિરુદ્ધ કાનૂની ન્યાયની માંગ કરી હતી. પોલીસે પીડિતા અર્ચના ગૌતમની લેખિત ફરિયાદના આધારે વિહિપ નેતા પ્રદીપ સક્સેના અને તેમના પુત્ર જય સક્સેના વિરુદ્ધ એસસી-એસટી એક્ટ (એટ્રોસિટી એક્ટ) ની વિવિધ કલમો તેમજ અન્ય સંબંધિત કાનૂની ધારાઓ હેઠળ ગુનો નોંધી લીધો છે.
મામલે સત્તાવાર માહિતી આપતા સર્કલ ઓફિસર (CO) રાજેશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોતા મુખ્ય આરોપી પ્રદીપ સક્સેનાને તુરંત જ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને શાંતિ ભંગ કરવાના આરોપ હેઠળ તેનું ચલાન કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ફરાર આરોપી પુત્રની શોધખોળ સહિતની આગળની કાનૂની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે.
આ પણ વાંચો: રૂપાલના દલિતો જાતિવાદીઓના ત્રાસથી સામૂહિક હિજરત કરશે!











