પાલિતાણાના ઘેટીમાં દલિતોના વાળ ન કાપનારા વાળંદોએ માફી માંગી

ભાવનગરના ઘેટી ગામે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કરતા વાળંદોએ એટ્રોસિટીની ચીમકી બાદ જાહેરમાં માફી માંગી દલિતોના બાલ-દાઢી કરવાનું શરૂ કર્યું.
Palitanas Ghetti

ભાવનગર: ગુજરાતમાં 2026ના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં અસ્પૃશ્યતા અને સામાજિક બહિષ્કારના કિસ્સા સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઘેટી ગામમાં દલિત સમાજ સાથે વર્ષોથી થતા સામાજિક ભેદભાવ અને અન્યાયનો મામલો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. ગામમાં વાળંદો દ્વારા દલિત સમાજના લોકોના વાળ-દાઢી ન કાપી આપવાની ગેરકાનૂની પ્રથા ચાલતી હતી.

આ બાબતે જાગૃત દલિત યુવકે વીડિયો પુરાવો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે વહીવટી તંત્ર અને સામાજિક સંગઠનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસ ફરિયાદ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી સુધી મામલો પહોંચ્યા બાદ આખરે વાળંદ સમાજના અગ્રણીઓએ ભૂલ સ્વીકારી દલિત સમાજની માફી માંગતા મામલો થાળે પડ્યો છે.

દલિતોના વાળ કાપવાનો ઇનકાર કર્યાનો વીડિયો વાયરલ

ઘેટી ગામમાં સલૂન ચલાવતા અને વાળંદ (બાબર) સમાજના લોકો દ્વારા ખુલ્લેઆમ એવું વલણ રાખવામાં આવતું હતું કે તેઓ દલિત સમાજના લોકોના વાળ નહીં કાપે. આ ભેદભાવના કારણે દલિત સમાજના યુવાનોને વાળ કપાવવા માટે પોતાના ગામમાં સલૂન હોવા છતાં અન્ય ગામોમાં જવું પડતું હતું. ભારતીય બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ થઈ ચૂકી હોવા છતાં કાયદાના ધજાગરા ઉડતા હોવાથી સ્થાનિક યુવાનોમાં આક્રોશ હતો. આ દરમિયાન એક જાગૃત યુવકે સલૂન સંચાલકો દ્વારા કરવામાં આવતા ભેદભાવના સ્વીકારનો સ્પષ્ટ વીડિયો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લિંક સાથે વાયરલ કર્યો હતો. વીડિયોમાં આભડછેટની બાબત સ્પષ્ટ થતાં જ સોશિયલ મીડિયા પર તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદની ચીમકીની અસર

વીડિયો વાયરલ થવાની સાથે જ દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. બંધારણીય સમાનતાના અધિકારના હનન બદલ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ (SC-ST Atrocity Act) હેઠળ કડક કાયદાકીય ગુનો નોંધાવવાની સત્તાવાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ભાવનગર પોલીસ અને જિલ્લા તંત્રને ઓનલાઈન વીડિયો પુરાવાના આધારે તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધી ગુનેગારોની ધરપકડ કરવા માટે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. કાનૂની ગાળિયો મજબૂત થતાં અને એટ્રોસિટી હેઠળ જેલ ભેગા થવાની સ્થિતિ ઊભી થતાં ગામના પરંપરાગત રીતિ-રિવાજોના નામે ભેદભાવ રાખતા તત્વો દબાણમાં આવ્યા હતા.

આ પણ વાંચો: આદિવાસી મહિલા પર ગેંગરેપ કરી એસિડ એટેક કરનાર 2 BSF જવાનોને 42 વર્ષની કેદ

સામાજિક કાર્યકરોની મધ્યસ્થી બાદ સમાધાન

આ ગંભીર અને સંવેદનશીલ વિવાદને વણસતો અટકાવવા માટે સામાજિક કાર્યકર કિરીટભાઈ સાગઠીયા અને સામાજિક કાર્યકર નયનભાઈ સરવૈયાએ તાત્કાલિક અસરથી મધ્યસ્થી કરી હતી. ઘેટી ગામ ખાતે બંને સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવાનોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સામાજિક કાર્યકરોએ બંને પક્ષોને કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક સમરસતાનું મહત્વ સમજાવ્યું હતું.

કાર્યકરોના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે, બાર્બર (વાળંદ) સમાજના લોકોએ પોતાની બંધારણીય અને સામાજિક ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમણે સમગ્ર દલિત સમાજની જાહેરમાં માફી માંગી હતી અને લેખિત-મૌખિક સ્વીકાર કર્યો હતો કે હવેથી ગામમાં કોઈપણ જાતનો જાતિવાદ કે આભડછેટ રાખવામાં આવશે નહીં. તેઓ દલિત સમાજના લોકોના બાલ-દાઢી પણ સામાન્ય નાગરિકોની જેમ જ કરી આપશે. આ ખાતરી બાદ વર્ષો જૂની અસ્પૃશ્યતાની પ્રથાનો અંત આવ્યો છે.

આ પણ વાંચો: એક મહિલા, જેમણે રાષ્ટ્રપતિ પદની ઓફર કલા ખાતર નકારી હતી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x