56 ગામના આદિવાસીઓએ કહ્યું, ‘પહેલા ગોળી મારી દો, પછી બંધ બનાવજો’

છત્તીસગઢના બસ્તરમાં 50 વર્ષથી લટકતી બોધઘાટ પરિયોજના સામે આદિવાસીઓએ મોરચો ખોલ્યો, 56 ગામના આદિવાસીઓએ જળ, જંગલ અને જમીન મુદ્દે સર્વેનો કર્યો વિરોધ.

રાયપુર: છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દાયકાઓથી વિવાદમાં રહેલી બોધઘાટ બહુઉદ્દેશીય પરિયોજનાને ફરી શરૂ કરવાની સરકારી હિલચાલ સામે આદિવાસી સમાજનો ભયાનક જન-આક્રોશ ફાટી નીકળ્યો છે. દંતેવાડા જિલ્લાના બારસૂર પાસે આવેલા હિતલકુડુમ ગામમાં યોજાયેલી એક વિશાળ મહાપંચાયતમાં હજારો આદિવાસીઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા સૂત્રોચ્ચાર કર્યા છે કે, ‘પહેલા અમને ગોળી મારો, પછી બંધ બનાવો’. આ પ્રોજેક્ટથી પ્રભાવિત થનારા 56 ગામોના રહેવાસીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ કિંમતે પોતાના જળ, જંગલ, જમીન અને સદીઓ જૂના પવિત્ર ધાર્મિક સ્થળોને પાણીમાં ડૂબવા દેશે નહીં. આ મહારેલીમાં 18 ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ પોતાના પરંપરાગત દેવી-દેવતાઓ અને ધાર્મિક પ્રતીકો સાથે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.

શું છે 50 વર્ષથી અટકેલી બોધઘાટ પરિયોજના?

બોધઘાટ બહુઉદ્દેશીય પરિયોજના દંતેવાડા જિલ્લામાં બારસૂર નજીક ઇન્દ્રાવતી નદી પર પ્રસ્તાવિત એક હાઇડ્રોઇલેક્ટ્રિક અને સિંચાઈ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની કલ્પના સૌપ્રથમ વર્ષ 1979માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર બસ્તર ડિવિઝનમાં વીજ ઉત્પાદન અને સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર કરવાનો હતો. જો કે, આ પ્રોજેક્ટના કારણે મોટા પાયે થનારું વિસ્થાપન, હજારો હેક્ટર ગીચ જંગલોનું ડૂબમાં જવું અને પર્યાવરણને થનારા ભારે નુકસાનના કારણે આ પ્રોજેક્ટ છેલ્લા પાંચ દાયકાથી અધ્ધરતાલ લટકેલો હતો. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટની વ્યવહારિકતા ચકાસવા માટે ફરીથી સર્વે શરૂ કરવાની અટકળો વહેતી થતાં બસ્તરનો આ સૌથી જૂનો વિવાદ ફરી જીવંત બન્યો છે.

આ પણ વાંચો: ઓવૈસીની પાર્ટી AIMIM એ UPની ચૂંટણીમાં BSP ને જોડાણની ઓફર કરી

આદિવાસી સમાજે વિનાશની યોજનાનો આક્ષેપ લગાવ્યો

આંદોલનકારી ગ્રામજનો અને આદિવાસી નેતાઓનો દાવો છે કે જો આ વિશાળ બંધ બનશે તો દંતેવાડા, બીજાપુર, બસ્તર અને નારાયણપુર જિલ્લાના ડઝનબંધ ગામો સંપૂર્ણપણે નકશામાંથી ભૂંસાઈ જશે. સત્તાવાર અંદાજ મુજબ, આ પરિયોજનાને કારણે 16,000 હેક્ટરથી વધુ વનભૂમિ જળમગ્ન થઈ જશે અને હજારો આદિવાસી પરિવારોએ બેઘર થવું પડશે. મહાપંચાયતમાં સામેલ થયેલા બીજાપુરના ધારાસભ્ય વિક્રમ મંડાવીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, એક તરફ વિકાસની વાતો થાય છે અને બીજી તરફ બસ્તરને ઉજાડવાની તૈયારી ચાલી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટના કારણે 50,000થી વધુ લોકો સીધા જ પ્રભાવિત થશે.

આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ

આદિવાસીઓએ પોતાની કાનૂની આપત્તિઓ નોંધાવવા માટે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને એક સત્તાવાર જ્ઞાપન પત્ર સોંપ્યું છે. આંદોલનકારીઓનો મુખ્ય આરોપ છે કે પેસા (PESA) કાયદા અને વન અધિકાર અધિનિયમ હેઠળ ગ્રામસભાઓની લેખિત સંમતિ લીધા વિના જ વહીવટીતંત્ર દ્વારા ગુપ્ત રીતે સર્વેની કામગીરી ફરી શરૂ કરી દેવામાં આવી છે જે ગેરકાનૂની છે.

આ પણ વાંચો: ચારો લેવા ગયેલી દલિત યુવતીને બંધક બનાવી આખી રાત ગેંગરેપ

બોધઘાટ સંઘર્ષ સમિતિએ માંગ કરી છે કે જ્યાં સુધી આ પરિયોજનાની સંપૂર્ણ માહિતી અને નકશા ગામના લોકો સાથે સાર્વજનિક કરવામાં ન આવે, ત્યાં સુધી તમામ પ્રકારની કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે.

આ સાથે જ આદિવાસીઓએ પેસા નિયમ 2022 હેઠળ સંસાધન આયોજન અને વ્યવસ્થાપન સમિતિઓની જોગવાઈઓને સખત રીતે લાગુ કરવાની માંગ ઉઠાવી છે. આદિવાસીઓનું કહેવું છે કે આ લડાઈ માત્ર જમીન કે વળતર પૂરતી સીમિત નથી, પરંતુ તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને પૂર્વજોની વિરાસતને બચાવવાની છે.

આ પણ વાંચો: દલિત યુવકે પગની માલિશ કરવાની ના પાડતા 3 સવર્ણોએ હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x