તાપીના સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીને પરત ફરી રહેલા ત્રણ આદિવાસી યુવકોનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. સોનગઢના લીંબી ત્રણ રસ્તા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ ત્રણેય યુવકોના બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં મોત નિપજ્યા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતક યુવકો આજુબાજુના ગામોના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી માટે આયોજિત રેલીમાં ભાગ લેવા લીંબી વિસ્તારમાં આવ્યા હતા. રક્ષાબંધનના દિવસે જ 3 યુવકોના મૃત્યુથી બહેનોએ ભાઈઓને ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં આદિવાસી વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કર્યો

સામસામે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો
ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, GJ-26-AD-5062 નંબરની એક્ટિવાના ચાલક સુરેશભાઇ વિક્રમ વસાવાએ પોતાની એક્ટિવાને પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડ પર હંકારી હતી. જેમાં કિરણભાઇ રવિન્દ્રભાઇ વસાવાની હોન્ડા સાઈન GJ-26-S-2985 સાથે અથડાવી હતી. આ અકસ્માતમાં કિરણભાઇને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે વિકેશભાઇ નામના યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, એક્ટિવા સવાર આનંદકુમાર અને વિનેશભાઇને પણ ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુરેશભાઇ વસાવાનું પણ ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. આ ઘટના અંગે કિરણભાઇ રવિન્દ્રભાઇ વસાવાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનંદ વસાવા અને વિકેશ વસાવા બંને યુવકો પિતરાઈ ભાઈઓ છે. હાલ વિકેશ વસાવાની પરિસ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. એક જ પરિવારમાં બન્ને યુવાનના અકસ્માત થતાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાપીના વ્યારાના ચીખલવાવ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ત્રણેય યુવકો આ કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ પણ વાંચોઃ આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી












