મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સિવાઈપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનર કિલિંગ (Horror Killing) નો એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ઉચ્ચ જ્ઞાતિની યુવતીએ દલિત સમાજના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લેતા ઉશ્કેરાયેલા સગા ભાઈએ અન્ય સંબંધીઓ સાથે મળીને બહેનની ગળું દબાવી હત્યા કરી નાખી છે.
ગુનો છુપાવવા માટે આરોપીઓએ લાશની છાનામાના અંતિમક્રિયા પણ કરી નાખી હતી. જેલમાંથી બહાર આવેલા દલિત યુવકે તેની પત્ની ગુમ હોવા અંગે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ન્યાયની માંગ કરતા પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી એવા યુવતીના ભાઈ અને તેના સાથીદારની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.

દલિત યુવક સાથે પ્રેમ કરવાની ભયાનક સજા
પોલીસ તપાસ અને આરોપીની કબૂલાત અનુસાર, સિવાઈપટ્ટીના ઘન્સૌત ગામનો રહેવાસી 22 વર્ષીય દલિત યુવક ગૌરી શંકર કુમાર અને કોદરિયા ગોસાઈપુરની રહેવાસી સુજાતા કુમારી વચ્ચે વર્ષ 2020 થી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. સુજાતા ઘન્સૌત ગામમાં તેના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હોવાથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજનામાં હવે વર્ષે માત્ર 4 જ સિલિન્ડર મળશે
યુવતીના પરિવારજનો આ આંતરજ્ઞાતીય સંબંધના વિરોધમાં હોવાથી, ગત 18 જાન્યુઆરી 2026ના રોજ બંને ઘર છોડીને ભાગી ગયા હતા અને સમસ્તીપુરમાં એક મિત્રના ઘરે કાયદેસર લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને હરિયાણા જઈને વસ્યા હતા. દરમિયાન યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે 11 ફેબ્રુઆરીએ હરિયાણાથી બંનેને ઝડપી લીધા હતા. કોર્ટની સુનાવણી બાદ યુવક ગૌરી શંકરને જેલમાં મોકલાયો હતો જ્યારે યુવતી સુજાતાને તેની માસીના ઘરે મોકલી દેવામાં આવી હતી.
ષડયંત્ર રચીને માસીના ઘરેથી લાવી કરાઈ હત્યા
સુજાતાના ભાઈ અભિષેક કુમાર યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે દલિત યુવક સાથે બહેનના લગ્નથી પરિવારની પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી હતી અને તે ગુસ્સામાં હતો. હોળીના તહેવાર દરમિયાન એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે સુજાતાની માતા તેને સમજાવી-ફોસલાવીને માસીના ઘરેથી પોતાના ઘરે પરત લાવી હતી. ત્યારબાદ, તક મળતા જ ભાઈ અભિષેક કુમારે પોતાના અન્ય સંબંધીઓ અને સાથીઓ સાથે મળીને સુજાતાને ઘેરી લીધી હતી અને તેનું ગળું દબાવીને મારી નાખઈ હતી. હત્યા બાદ ગુનાના પુરાવાનો નાશ કરવા માટે પરિવારે કોઈને પણ જાણ કર્યા વિના છાનામાના લાશની અંત્યેષ્ટિ કરી નાખી હતી.

આ પણ વાંચો: ભાવનગરના દલિત એક્ટિવિસ્ટ મનહર રાઠોડને તડીપારની નોટિસ
દલિત યુવકના વાયરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં આવી
બીજી તરફ, જેલમાંથી મુક્ત થયા બાદ દલિત યુવક ગૌરી શંકરે 31 માર્ચના રોજ છેલ્લી વખત સુજાતા સાથે ફોન પર વાત કરી હતી. ત્યારપછી તેની પત્નીનો કોઈ સંપર્ક ન થતાં અને સાસરીયાઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
સ્થાનિક સ્તરે કોઈ સુનાવણી ન થતાં ગૌરી શંકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરીને પત્નીની હત્યાની આશંકા વ્યક્ત કરી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને યુવતીના ભાઈ અભિષેક યાદવને કસ્ટડીમાં લઈ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં ભાઈએ પોતાનો ગુનો કબૂલી લેતા પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ચારો લેવા ગયેલી દલિત યુવતીને બંધક બનાવી આખી રાત ગેંગરેપ











