દીવમાં પોલીસને પાર્ટી આપી 40 ગુનાનો આરોપી 5 કલાક શહેરમાં ફરતો રહ્યો!

દીવ કોર્ટમાં આરોપીને જૂનાગઢથી મુદત માટે લઈ જવાઈ રહ્યો હતો. આરોપી પોલીસને પાર્ટી આપી 5 કલાક સુધી મુક્તપણે દીવમાં ફરતો રહ્યો.
Diu news

ગુજરાતમાં જો તમે ગમે તેટલા ગંભીર ગુનાના આરોપી હો, પરંતુ જો તમે પોલીસને સાચવી લો, તો પોલીસ તેમને કઈ હદે છૂટો દોર આપીને છાવરી શકે તે તેનું આ ઉદાહરણ છે. મામલો કેન્દ્રશાસિત પ્રદેશ દીવનો છે. અહીંની કોર્ટમાં જૂનાગઢથી 40 ગુનાના આરોપીનો મુદત માટે રજૂ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન આરોપીએ પોલીસને હોટલમાં પાર્ટી આપી હતી અને પોતે 5 કલાક સુધી દીવ શહેરમાં અલગ અલગ જગ્યાએ બાઈક પર મિત્રો સાથે ફરતો રહ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા મામલો મીડિયામાં ચમક્યો હતો. હવે જિલ્લા પોલીસ વડાએ આ કેસમાં PSI સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

મામલો શું છે?

જૂનાગઢ જેલના કેદી રસિક બાંભણિયાને 25 જુલાઈએ દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો હતો. મુદત પછી પોલીસ જાપ્તાએ તેને દીવની એક હોટલમાં રાખ્યો હતો, જ્યાં આરોપીએ પોલીસને પાર્ટી આપી હતી. પોલીસ ત્યાં પાર્ટીમાં મસ્ત રહી હતી અને એ દરમિયાન દુષ્કર્મ સહિત 40 જેટલા ગુનાઓનો આરોપી રસિક બાંભણિયા પાંચ કલાક સુધી મુક્તપણે મિત્રો સાથે દીવમાં લટાર મારતો રહ્યો હતો.

આ મામલે હવે ફરજમાં બેદરકારી અંતર્ગત જૂનાગઢ જિલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાએ રસિક બાંભણિયાને કોર્ટ મુદત માટે લઈ ગયેલા જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરના PSI એચ. એમ. કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ નથુભાઈ મણવર, કોન્સ્ટેબલ ચેતન ભરતભાઈ પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસબેડામાં હલચલ મચી ગઈ હતી.

આ પણ વાંચો: બોલો લો! ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ!

આરોપી 5 કલાક સુધી મુક્તપણે ફરતો રહ્યો

બળાત્કાર સહિત 40 ગુનામાં સંડોવાયેલો આરોપી રસિક જીણા પોલીસ જાપ્તામાં દીવ કોર્ટમાં મુદત માટે આવ્યો હતો. એ દરમિયાન તેણે પોલીસને દીવની હોટલમાં પાર્ટી આપી હતી. પોલીસ આ પાર્ટીમાં મસ્ત હતી અને આરોપી મિત્રની બાઈક લઇ તેની સાથે ઉના આવ્યો હતો. એ વખતે તેની સાથે પ્રશાંત ઉર્ફે જિગો મનુ બાંભણિયા પણ હતો. આ દરમિયાન તેઓ પાંચ કલાક સુધી બહાર ફર્યા હતા. સૌપ્રથમ બંને શખસ દીવથી ચેકનાકા તથા અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટને પસાર કરી દેલવાડા થઈ ઉના તરફ આવવા નીકળ્યા હતા.

ત્યાર બાદ ઉનામાં વિદ્યાનગર રોડ પરની ફટાકડાની દુકાન પાસેથી બપોરે 12.53 કલાકે પસાર થયા હતા, જેના CCTVની તપાસ કરતાં બાઈકની પાછળ રસિક જીણા રૂમાલ બાંધીને બેઠેલો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ત્યાર બાદ ઉનામાં ગીર ગઢડા રોડ પરના રુદ્રાક્ષ સિનેમા નીચે આવેલી બેંકમાં પૈસાની લેવડદેવડ અથવા સાઇન કરવા ગયો હતો. ત્યાર બાદ દીવની હોટલમાંથી નીકળી બાઈક પર બેસી તેના ઘરે ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું. એટલું જ નહીં, દીવથી અંજાર નિમિષ તુલસી મેર સાથે બાઈક પર ગયો હતો.

આ ઘટનાક્રમ બન્યો ત્યારે પોલીસ દીવ હોટલમાં પાર્ટીમાં મસ્ત હતી અને આરોપી આરામથી 5 કલાક સુધી બહાર ફરતો રહ્યો હતો. ત્યારે પોલીસે આરોપી રસિક જીણાને આટલા કલાકો સુધી કેમ મુક્ત કર્યો, આરોપી રસિક જીણા 5 કલાક સુધી ક્યાં-ક્યાં ગયો અને કોને-કોને મળ્યો એ દિશામાં તપાસ કરી ફરિયાદ નોંધવામાં આવે તો આ પ્રકરણમાં હજુ અનેક રહસ્યો બહાર આવી શકે એમ છે. જૂનાગઢ SPએ પગલાં લઈ પોલીસ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x