ભારતમાં યુવાનોની વધતી જતી બેરોજગારી અને રોજગારની તકોના અભાવ વચ્ચે એક સરકારી સર્વે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. વર્ષ 2025માં પ્રથમ વખત હાથ ધરાયેલા જિલ્લા સ્તરના આવર્તિત શ્રમબળ સર્વેક્ષણ (Periodic Labour Force Survey – PLFS) મુજબ, દેશના આશરે 250 જિલ્લાઓમાં 15થી 29 વર્ષની વયજૂથના 25%થી વધુ યુવાનો એવા છે, જેઓ ન તો રોજગારમાં જોડાયેલા છે, ન શિક્ષણ મેળવી રહ્યા છે અને ન તો કોઈ પ્રકારની તાલીમ લઈ રહ્યા છે. ખાસ કરીને યુવા મહિલાઓમાં આ સ્થિતિ વધુ ગંભીર હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે.
આ સર્વેક્ષણના પરિણામો કેન્દ્રીય આંકડા મંત્રાલયે 18 સપ્ટેમ્બરના રોજ જાહેર કર્યા હતા. સર્વેક્ષણમાં દેશનાં લગભગ 600 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આસપાસના જિલ્લાઓને એક એકમ તરીકે ગણીને આંકડા તૈયાર કરવામાં આવ્યા છે.

બિહાર, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં સ્થિતિ ગંભીર
સર્વેક્ષણ મુજબ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળનાં આશરે બે તૃતીયાંશ જિલ્લાઓમાં યુવા વસ્તીના એક ચતુર્થાંશથી વધુ યુવાનો NEET શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઓડિશા, આસામ અને તેલંગાણા જેવા રાજ્યોનાં લગભગ અડધા જિલ્લાઓમાં પણ 25%થી વધુ યુવાનો આ શ્રેણીમાં હોવાનું નોંધાયું છે.
આ પણ વાંચો: ગૌહત્યા કેસમાં કલોલ કોર્ટના જજે 3 મુસ્લિમોને આજીવન કેદ ફટકારી
આ આંકડા દર્શાવે છે કે યુવાનોને શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય તાલીમ સાથે જોડવામાં અનેક રાજ્યોમાં ગંભીર પડકારો છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં યુવાનો શિક્ષણ અને રોજગાર બંનેથી દૂર રહેતા હોય ત્યારે દેશની માનવશક્તિ અને આર્થિક વિકાસની ક્ષમતા પર પણ તેની અસર પડી શકે છે.
NEETનો અર્થ શું થાય છે?
સર્વેક્ષણમાં NEET શબ્દનો ઉપયોગ એવા યુવાનો માટે કરવામાં આવ્યો છે, જેઓ ન તો રોજગારમાં છે, ન શિક્ષણ મેળવી રહ્યા છે અને ન કોઈ તાલીમ લઈ રહ્યા છે. એટલે કે તેઓ કોઈ શૈક્ષણિક સંસ્થામાં નોંધાયેલા નથી અને શ્રમબળમાં પણ સક્રિય રીતે સામેલ નથી.

જોકે, NEET શ્રેણીમાં આવતા તમામ યુવાનોને સીધા બેરોજગાર ગણવા યોગ્ય નથી. આ શ્રેણીમાં એવા લોકો પણ હોઈ શકે છે, જેઓ નોકરીની તકો ન મળતાં નોકરી શોધવાનું બંધ કરી ચૂક્યા હોય. મહિલાઓના કિસ્સામાં ઘરકામ અને પરિવારના સભ્યોની સંભાળ જેવી અવેતન જવાબદારીઓ પણ એક મોટું કારણ બની શકે છે.
આ પણ વાંચો: ‘તું ગૌમાંસ ખાય છે?’ પૂછી દલિત વિદ્યાર્થીને હેરાન કરાતા ગળેફાંસો ખાધો
આ ઉપરાંત કેટલાક યુવાનો પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા અન્ય કારણોસર અત્યારે શિક્ષણ, રોજગાર કે તાલીમમાં જોડાયેલા ન હોય તેવું પણ બની શકે છે. આમ છતાં, મોટી સંખ્યામાં યુવાનોનું શિક્ષણ, તાલીમ અને રોજગારથી બહાર રહેવું દેશની રોજગાર વ્યવસ્થાની સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
યુવા મહિલાઓની સ્થિતિ વધુ ચિંતાજનક
સર્વેક્ષણનો સૌથી ચિંતાજનક તારણ યુવા મહિલાઓને લગતો છે. સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા આશરે ત્રણ ચતુર્થાંશ જિલ્લાઓમાં યુવા મહિલાઓનો NEET દર 25%થી વધુ નોંધાયો છે. આ સ્થિતિ મહિલાઓ પર ઘરકામ અને પરિવારની સંભાળની જવાબદારીઓના અસમાન બોજને પણ ઉજાગર કરે છે. ઘણી મહિલાઓ શિક્ષણ પૂર્ણ કર્યા પછી પણ યોગ્ય રોજગારની તકોના અભાવ અથવા સામાજિક જવાબદારીઓને કારણે શ્રમબજારમાં પ્રવેશી શકતી નથી. પરિણામે તેમની ક્ષમતા અને કૌશલ્યનો પૂરતો ઉપયોગ થતો નથી.
બીજી તરફ, આશરે 25 જિલ્લાઓમાં NEET યુવાનોનું પ્રમાણ 10%થી ઓછું હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. તેમાં છત્તીસગઢના કબીરધામ, રાજનાંદગાંવ અને ઉત્તર બસ્તર કાંકેર, હિમાચલ પ્રદેશના ચંબા, કેરળના એર્નાકુલમ અને મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ઓડિશાના નબરંગપુર જિલ્લામાં આ દર સૌથી ઓછો 4.1% નોંધાયો હતો.
આ પણ વાંચો: શું કરકસર કરવાથી દેશનું આર્થિક સંકટ દૂર થઈ શકે ખરું?
8.7 કરોડ યુવાનો અંગે નીતિ આયોગનો અહેવાલ
આ પહેલાં નીતિ આયોગના ‘રીઇમેજિનિંગ સ્કિલિંગ ફોર વિકસિત ભારત@2047’ નામના અહેવાલમાં પણ દેશના યુવાનોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અહેવાલ મુજબ, ભારતમાં 15થી 29 વર્ષની વયજૂથના આશરે 8.7 કરોડ યુવાનો ન તો અભ્યાસ કરી રહ્યા છે, ન રોજગાર ધરાવે છે કે ન તાલીમ લઈ રહ્યા છે. આ આંકડા વર્ષ 2021ના રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 78મા રાઉન્ડના ડેટા પર આધારિત હતા.
ડિગ્રી હોવા છતાં નોકરીની ગેરંટી નહીં
માર્ચ 2026માં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા 2026’ અહેવાલમાં પણ યુવાનોના રોજગાર અંગે ચિંતાજનક તારણો રજૂ કરાયા હતા. અહેવાલ મુજબ, 15થી 25 વર્ષની વયજૂથના આશરે 40% યુવાનો બેરોજગાર હતા. સ્નાતક થયેલા યુવાનોમાંથી માત્ર આશરે 7% જ એક વર્ષની અંદર કાયમી પગારવાળી નોકરી મેળવી શક્યા હતા.
આ પણ વાંચો: દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!
આ તમામ અહેવાલો અને સર્વેક્ષણના આંકડા એક મહત્ત્વનો સવાલ ઊભો કરે છે કે શું દેશની શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વ્યવસ્થા યુવાનોને રોજગાર માટે પૂરતા પ્રમાણમાં તૈયાર કરી રહી છે? માત્ર ડિગ્રી મેળવવી કે તાલીમ પૂર્ણ કરવી પૂરતી નથી; યુવાનોને તેમની લાયકાત અને કૌશલ્યને અનુરૂપ સ્થાયી રોજગારની તકો મળવી પણ એટલી જ જરૂરી છે.
દેશની યુવા વસ્તી તેની સૌથી મોટી શક્તિ બની શકે છે, પરંતુ જો લાખો યુવાનો શિક્ષણ, તાલીમ અને રોજગારથી દૂર રહે તો આ શક્તિનો પૂરતો ઉપયોગ થઈ શકશે નહીં. રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ અને ખાસ કરીને યુવા મહિલાઓની શ્રમબજારમાં ભાગીદારી વધારવા માટે અસરકારક નીતિઓની જરૂરિયાત આ સર્વેક્ષણ ફરી એકવાર સામે લાવે છે.
આ પણ વાંચો: તાના-રીરીની કથા: ઇતિહાસ કે મોટું ધુપ્પલ?











