ફક્ત 50 રૂપિયા માટે દલિત મજૂરની સવર્ણોએ હત્યા કરી નાખી!

દલિત મજૂર સાથે 300 રૂપિયામાં ડાંગર ઉપાડવાનું નક્કી થયું હતું. કામ પુરું થયા બાદ સવર્ણોએ 250 રૂપિયા જ આપ્યા. 50 રૂપિયા માટે હત્યા કરી નાખી.
દલિત સમાચાર

દલિતો માટે જીવવું કેટલું દુષ્કર બની રહ્યું છે તેનો વધુ એક પુરાવો આ ઘટના છે. જેમાં માત્ર 50 રૂપિયા માટે એક દલિતની હત્યા કરી નાખવામાં આવી હતી. મામલો બિહારનો છે. અહીંના છપરા (સારણ) જિલ્લાના પાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનૌતી ગામમાંથી એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 50 રૂપિયાના મજૂરીના વિવાદમાં ગામના કેટલાક જાતિવાદી તત્વોએ એક ગરીબ દલિત મજૂર તેરસ રામને લાકડીઓ અને ડંડા વડે એટલી ક્રૂરતાપૂર્વક માર માર્યો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને પીડિત પરિવારના ઘરમાં આક્રંદ વ્યાપી ગયો છે. ગુરુવારે તેમના મોતની ખબર મળતાની સાથે જ સમગ્ર ગામમાં ભારે આક્રોશ અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ડાંગરની મજૂરીમાં વિવાદ થયો હતો

મળતી માહિતી મુજબ, ધનૌતી ગામમાં રહેતા 55 વર્ષીય દલિત મજૂર તેરસ રામ બુધવારે પોતાના જ ગામના કામેશ્વર સિંહના ઘરે ડાંગર ઉપાડવાની મજૂરી માટે ગયા હતા. મજૂરીકામ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેરસ રામે પોતાના મહેનતાણાના ૩૦૦ રૂપિયા માંગ્યા, ત્યારે ખેતરમાલિકો 250 રૂપિયાથી વધુ આપવા તૈયાર ન હતા. માત્ર 50 રૂપિયા માટે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. તે સમયે સ્થાનિક લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ દરમિયાન ટ્રેક્ટર ચાલકે ફોન કરીને તેના અન્ય પરિવારજનો અને સહયોગીઓને ત્યાં બોલાવી લીધા હતા.

દલિત મજૂરને લાકડી-ડંડા વડે ઢોર માર માર્યો

થોડી જ વારમાં લાકડીઓ અને ડંડાથી સજ્જ થઈને આવેલા આરોપીઓએ તેરસ રામ પર ઓચિંતો હુમલો કરી દીધો હતો. આરોપીઓએ ગરીબ મજૂરને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેઓ બેભાન થઈને જમીન પર ઢળી ન પડ્યા. હુમલાનો અવાજ સાંભળીને જ્યારે તેરસ રામના પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા, ત્યારે આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘાયલ તેરસ રામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન તોડ્યો દમ

પરિવારજનો લોહીલુહાણ હાલતમાં તેરસ રામને પાનાપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તેમની નાજુક હાલતને જોતા તબીબોએ તેમને વધુ સારવાર માટે છપરા રેફર કર્યા હતા. છપરાની સદર હોસ્પિટલમાં બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી મોત સામે સંઘર્ષ કર્યા બાદ આખરે તેરસે રામે સારવાર દરમિયાન જ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. આ દુઃખદ સમાચાર ઘરે પહોંચતા જ તેરસ રામના પત્ની કુંતી દેવી અને બાળકોની કલ્પાંતથી વાતાવરણ ગમગીન થઈ ગયું છે.

આરોપીઓ ફરાર, પોલીસની શોધખોળ ચાલુ

આ ગંભીર ગુના અંગે પાનાપુર પોલીસ મથકે 4 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના બાદથી જ તમામ આરોપીઓ પોતાના ઘર છોડીને ફરાર થઈ ગયા છે. પાનાપુર પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટે સંભવિત આશ્રયસ્થાનો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ તમામ જવાબદારોને કાયદાના સકંજામાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ દલિત યુવકની રાજપૂતોએ જાહેરમાં હત્યા કરી, પરિવારનો કલ્પાંત

આ પણ વાંચોઃ દલિત યુવકે એક્સ્ટ્રા છોલે માંગતા દુકાનદારે છરી મારી હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x