NDA એ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં SC-ST ની અનામત બેઠકો પર જબરદસ્ત સફળતા મેળવી છે, જ્યારે વિપક્ષી મહાગઠબંધનનો દેખાવ અત્યંત ખરાબ રહ્યો છે. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં 40 અનામત બેઠકો છે. આમાંથી 38 અનુસૂચિત જાતિ (SC) માટે અને 2 અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. આમાંથી, NDA એ 35 બેઠકો મેળવી હતી, જ્યારે મહાગઠબંધનને ફક્ત 5 બેઠકો મળી હતી. NDA એ SC અનામત 38 વિધાનસભા બેઠકોમાંથી 34 અને ST અનામત 01 બેઠક જીતી હતી, જ્યારે મહાગઠબંધને SC અનામત 04 બેઠકો અને ST અનામત 01 બેઠક જીતી હતી.
વર્ષ 2020ની ચૂંટણીમાં કોણે કેટલી બેઠકો જીતી હતી?
2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, NDA એ SC અનામત 38 બેઠકોમાંથી 17 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધન આગળ હતું, તેણે 21 બેઠકો જીતી હતી. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ NDA થી અલગ ચૂંટણી લડી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, દલિત સમાજમાંથી આવતા રામવિલાસ પાસવાનનો પક્ષ હોવા છતાં તેને કોઈ અનામત બેઠક પર જીત મળી નહોતી. પરંતુ તેણે JDU અને RJD ને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો: RJD ને BJP કરતા 15 લાખ વધુ મત મળ્યાં છતાં 25 સીટ જ મળી?
NDA માં કોને કેટલી એસસી અનામત બેઠકો મળી?
આ વખતની ચૂંટણીમાં જેડીયુ 16 એસસી અનામત બેઠકો પર ચૂંટણી લડ્યો હતો. જેમાંથી તેણે 13 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ભાજપ 12 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું અને તે તમામ 12 બેઠકો પર જીત મેળવી હતી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 8 બેઠકો પર લડી હતી અને તેમાંથી 5 જીતી હતી. જ્યારે હિંદુસ્તાની અવામી મોર્ચા સેક્યુલરે 4 બેઠકો પર ચૂંટણી લડીને ચારેય જીતી હતી.

202ની વિધાનસભા ચૂંટણીમાં, જેડીયુએ એસસી અનામત બેઠકોમાંથી 8 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 9 બેઠકો જીતી હતી. આમ, આ વખતે બંને પક્ષોએ SC અનામત બેઠકો પર પોતાનો દેખાવ સુધાર્યો છે.
મહાગઠબંધનમાં કોને કેટલી એસસી અનામત બેઠકો મળી?
મહાગઠબંધનની વાત કરીએ તો આરજેડીએ 20 એસસી અનામત બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 4 જીતી હતી. કોંગ્રેસ 12 એસસી અનામત બેઠકો પર લડી હતી પરંતુ એકેય જીતી શકી નહોતી. સીપીઆઈએમએલ લિબરેશન 6 બેઠકો પર લડી હતી, પરંતુ એકેય જીતી શકી નહોતી. સીપીઆઈએમએલ 2 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેનું પણ ખાતું ખૂલી શક્યું નહોતું.
આ પણ વાંચો: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ
2020ની ચૂંટણીની તુલનામાં મહાગઠબંધનને આ વખતે નોંધપાત્ર નુકસાન થયું છે. પાંચ વર્ષ પહેલાં, RJD એ 9 એસસી બેઠકો જીતી હતી, ત્યારબાદ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો, દરેકે 4-4 બેઠકો જીતી હતી. RJD એ SC અનામત બેઠકો પર ખરાબ પ્રદર્શન કર્યું હોવા છતાં, તેનો મત હિસ્સો સારો રહ્યો છે.
SC અનામત બેઠકો પર કોને કેટલા ટકા મત મળ્યા?
SC અનામત બેઠકો પર કોને કેટલા ટકા મત મળ્યા તેની વાત કરીએ તો આરજેડીને સૌથી વધુ 21.75 ટકા મત મળ્યા હતા. ત્યારબાદ જેડીયુને 19.07 ટકા, ભાજપને 15.84 ટકા, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસને 9.17 ટકા, કોંગ્રેસને 8.48 ટકા, સીપીઆઈએમએલ લિબરેશનને 6.40 ટકા, હિંદુસ્તાની અવામ મોર્ચા સેક્યુલરને 4.91 ટકા, જન સુરાજ પાર્ટીને 3.48 ટકા, જ્યારે બીએસપીને માત્ર 1.63 ટકા મત મળ્યા છે.
આ પણ વાંચો: બિહારમાં બેરોજગારી પર NDAનું 10,000 નું ઈનામ ભારે પડ્યું!










