કામના કલાકોમાં વધારો કોના ઈશારે કરાયો, ઉદ્યોગપતિઓના?

ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં ફેરફાર કરીને કામના કલાકો 8 થી વધારીને 12 કરી દીધાં છે. તે ખરેખર કોનું હિત જોઈને કરાયા છે તે સમજો.
working hours
ચંદુ મહેરિયા

અભિનેત્રી દીપિકા પદુકોણે દીકરીના જન્મ પછી તેની દેખભાળમાં વધુ સમય આપી શકાય એટલે ફિલ્મોના શુટિંગ માટે 8 કલાકની વર્કશિફટની માંગણી કરી હતી. પરંતુ  જે નિર્માતાઓને તે મંજૂર નહોતું તેમની ફિલ્મો દીપિકાએ છોડવી પડી છે. ફિલ્મ ઉધ્યોગમાં 8 કલાકની પાળી માંગનાર દીપિકાને અનપ્રોફેશનલ ગણવાયા હતા. જ્યાં આઠ કલાકની પાળીપ્રથા અસ્તિત્વમાં છે તેવા સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો અને અન્ય વ્યવસાયોમાં અનેક રાજ્યોએ તાજેતરમાં બાકાયદા કામના કલાકો વધારી દીધા છે. ગુજરાતમાં તો કામના કલાકો હવે એક પાળીમાં 12 કરવામાં આવ્યા છે. પહેલા વટહુકમ અને પછી અતિ ટૂંકા વર્ષા સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાએ ફેકટરી અધિનિયમ 1948માં સુધારા કર્યા છે. જે રાજ્યના શ્રમ કાયદા અને નીતિમાં નોંધપાત્ર પરિવર્તન આણનારા છે.

સતત પ્રક્રિયા ધરાવતા ઉધ્યોગો, કારખાના, ખાનગી કંપનીઓ, મનોરંજનના સ્થળો, દુકાનો , હોટલો અને બીજા વ્યવસાયોમાં દૈનિક કામના કલાકોમાં મોટો વધારો કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગોવા, તેલંગાણા અને ઓડિશા સરકારોએ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ  તથા ફેકટરી વર્કર્સના કામના કલાકો જે વરસોની શ્રમિક લડતો પછી 8 મેળવ્યા હતા તેને વધારીને દોઢા કરી દીધા છે. કામના કલાકોમાં વૃધ્ધિ કરનારમાં ભાજપ, કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રાજ્ય સરકારો પણ છે અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોની સરકારો પણ છે.

આ પણ વાંચો: ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?

ગુજરાત અને બીજા રાજ્યોના શ્રમ કાયદાના વર્તમાન સુધારામાં 12 કલાકની પાળીની સતત  પ્રક્રિયા ધરાવતા ઉધ્ધોગો અને બીજા વ્યવસાયોને પરવાનગી આપતી જોગવાઈ છે. ત્રણ મહિને 125 કલાકના હાલના ઓવરટાઈમને વધારીને 144 કલાક કરવામાં આવ્યા છે.  12 કલાકની શિફટ હોય તો 5 ને બદલે 6 કલાકે કામદારોને રિસેસ મળશે તેવી જોગવાઈ છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ જોગવાઈ કાયદો કરે છે.

શ્રમ સુધારામાં કેટલીક મહત્વની શરતો છે. જેમ કે 12 કલાક કામ માટે કામદારની સંમતિ લેવી આવશ્યક છે. મહિલાઓને રાતપાળીમાં કામ કરાવવા માટે વર્કપ્લેસને સુરક્ષિત અને સીસીટીવીથી સજ્જ રાખવા, સલામત પરિવહનની વ્યવસ્થા કરવા તથા સતત ચાર દિવસ 12 કલાક કામ કરનારને  બે દિવસની રજા આપવાની પણ શરત છે. જોકે આ તમામ બાબતો તેના અમલીકરણના તબક્કે પોકળ સાબિત થતી હોય છે. કામદારોને નોકરી છૂટી જવાનો ડર એટલો બધો હોય છે કે તેઓ માલિકો ઈચ્છે તેવી સંમતિ આપતા હોય છે.

working hours

કામના કલાકો અને ઓવરટાઈમમાં વૃધ્ધિ સાથે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની છૂટ આપતા હાલના કાયદા કે કાયદામાં સુધારાના ઉમદા ઉદ્દેશો વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહન, ઉધ્ધોગો માટે રોકાણ આકર્ષવું, કામદારોની અછતનું નિવારણ, ઉધ્ધોગોના સંચાલનમાં લવચીકપણું આણવું, ઉત્પાદનમાં વધારો કરવો, નવા રોજગારનું સર્જન અને આર્થિક વિકાસને વેગના હેતુથી આ કાયદા, નીતિ કે સુધારા થયા હોવાનો સરકાર પક્ષનો દાવો છે.

આ પણ વાંચો: શું ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે?

કામદાર-કર્મચારી મંડળો ભલે આ સુધારાઓને તેમના હિત વિરોધી અને મૂડીપતિઓના લાભાર્થે થયેલા ગણાવે સરકારો તો તેને  શ્રમિકોના અધિકારોનું રક્ષણ, ઓધ્યોગિક નિયમોને વધુ સરળ અને કામદારોને અનુકૂળ બનાવવા, ઘણા ઉધ્યોગો અને ધંધાઓમાં આમેય કામદારો પાસે બારબાર કલાકનું વૈતરું ઓછા પગારમાં કરાવાય છે ત્યારે આ સુધારો તેમના વેતનમાં વધારા માટે અને સરવાળે તેમના લાભમાં ઘડાયાનું ગાણું ગાવા સાથે તે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના જોડાણનો હેતુ ધરાવતા હોવાનું કહેવાનું પણ ચૂકતા નથી.

working hours

મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી મળે તે પહેલી નજરે મહિલા સમાનતાની દ્રષ્ટિએ પ્રગતિશીલ પગલું લાગી શકે છે.પરંતુ તે વાસ્તવિક કેટલું છે તેવો સવાલ પણ થાય છે. ફેકટરી એક્ટ 1948માં જેમ મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવું પ્રતિબંધિત છે તેમ જોખમી અને ભારે શ્રમના કામો પણ પ્રતિબંધિત છે. એટલે જ્યારે મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવાની મંજૂરી મળે છે ત્યારે બાકીના પ્રતિબંધો પણ રહેતા ન હોય તેમ બનશે. પુરુષોની તુલનામાં મહિલાઓને ઘરના કામનો અનેક ગણો બોજો ઉઠાવવાનો હોય છે એટલે તે દિવસે ઘરના, ખેતરના, પતિ, બાળકો, વડીલોની સંભાળના કામો કરે અને રાત્રે કારખાનામાં કામ કરે તો તેના માથે બેવડો બોજો આવશે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (ILO) 8 કલાક કામ, 8 કલાક આરામ અને 8 કલાક કુટુંબ-સમાજ માટે તેમ ગણીને રોજના 8 જ કલાકના કામને માન્ય ગણે છે. હાલ જે 12 કલાકની કામની પાળી નિર્ધારિત કરી છે તે કામદારો-કર્મચારીઓના શારીરિક, માનસિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. ગરીબ શ્રમિકો બે છેડા ભેગા કરવા વધુ કલાકો કામ કરશે તો ખરા પણ તે તેના આરોગ્યના ભોગે જ હશે. નિ:શંક ઉત્પાદનમાં વધારો થશે પણ તે નવા રોજગારનું સર્જન કરશે તેવા સરકારી દાવા સાચા નહીં ઠરે. જો હાલનો કામદાર 12 કલાક કામ કરવાનો હોય તો નવા ને માટે કોઈ તક રહેતી નથી. એટલે રોજગાર સર્જનનો દાવો ખોટો છે. ઉપરથી જો કામદારો 12 કલાક કામ કરે તો ત્રણને બદલે બે પાળી જ ચાલશે તેથી એક પાળીના કામદારોને બેકાર થવાનો વારો આવશે એટલે કામના કલાકોની વ્રુધ્ધિ કામદારોમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો બનશે.

આ પણ વાંચો: બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકાઃ દલિતોને શું મળ્યું?

કેન્દ્ર સરકારની શ્રમ સંહિતા અને ગુજરાત સરકારે 2015માં મજૂર કાયદામાં કરેલા સુધારા પછી હાલના કાયદાથી કામદારોમાં વધુ નિરાશા સર્જાઈ શકે તેમ છે. 2015માં લઘુતમ વેતનના ભંગને સજાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કામના કલાકોમાં વૃધ્ધિ માલિકોને વધુ મનમાની કરાવશે અને કામદારોનું શોષણ થશે. અઠવાડિક 48 કલાકના કામના વૈશ્વિક માપદંડને બદલે ભારતનો કામદાર કાયદેસર 60  કે 72 કલાક કામ કરશે.

ઈન્ફોસિસના ચેરપર્સન નારાયણ મૂર્તિ અને એલ એન્ડ ટીના એમ એન. સુબ્રમણ્યમે કામદારો-કર્મચારીઓને અઠવાડિયે તેમની જેમ 70 થી 90 કલાક કામ કરવા સૂચન કર્યું હતું.  બેંગલુરુની મોબાઈલ ગેમિંગ એપ બનાવનારી એક કંપનીના સહસ્થાપક મોહન કુમારે તો તેમની કંપનીમાં બધા રોજ 12 કલાક કામ કરતા હોવાનું એક્સ( કે ટ્વીટર) પર જાહેર કર્યું છે. એટલે કામના કલાકોની વર્તમાન વૃધ્ધિ કેટલી કામદારોના હિતમાં છે અને કેટલી ઉદ્યોગપતિઓના હિતમાં છે તે વિચારણીય મુદ્દો રહે છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Raghav Chadha on recharge scam

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x