જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તરપ્રદેશમાં દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ઈટાવામાં મોબાઈલ ચોરીની શંકામાં જાતિવાદી તત્વોએ દલિત યુવકને બાંધીને નિર્દયતાથી ફટકાર્યો હતો. માર એટલો ગંભીર હતો કે યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો, હાલ ત્યાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ યુવકની હાલત ગંભીર છે.
મામલો ઈટાવાના ચૌબિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં ચોરીની શંકામાં કેટલાક લોકોએ અંશુલ કઠેરિયા નામના દલિત યુવકને બાંધીને એટલી હદે માર માર્યો હતો કે તેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. પોલીસ દ્વારા આ મામલે ત્રણ નામજોગ અને બે અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરની ડૉ. આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
પુરાવા વિના આરોપ મૂકી હુમલો કર્યો
ઘટનાની મળતી માહિતી મુજબ, બરાલોકપુર ગામનો રહેવાસી અંશુલ કઠેરિયા ગત 24 એપ્રિલના રોજ તેના એક મિત્ર સાથે બાઈક એજન્સી પર ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર રહેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. એજન્સીના માલિક અને ત્યાં હાજર અન્ય કેટલાક લોકોએ કોઈપણ પુરાવા વગર સીધો જ આરોપ અંશુલ પર મઢી દીધો હતો કે તેણે મોબાઈલ ચોર્યો છે. અંશુલે વારંવાર પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું અને સત્ય બહાર લાવવા માટે એજન્સીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની વિનંતી કરી હતી. જોકે, અંશુલની દલીલ સાંભળવાને બદલે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
અંશુલની હાલત ગંભીર
અંશુલની માતા શ્રીદેવીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રજત ઉર્ફે બંટી, કન્હૈયા, રવિ અને અન્ય બે અજ્ઞાત શખ્સોએ પહેલા અંશુલને તેની જ્ઞાતિ પૂછી હતી અને ત્યારબાદ તેને બંધક બનાવી લીધો હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત રીતે તેને ઘેરીને લાત-ઘૂંસાથી બેરહેમીપૂર્વક મારવાનું શરૂ કર્યું હતું. ગંભીર ઈજાઓ થવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.
આ પણ વાંચો: નેપાળનું લુમ્બીની દલિત અધિકાર બિલ પાસ કરનાર પ્રથમ પ્રાંત બન્યું

આસપાસના લોકોના ટોળાએ વચ્ચે પડીને માંડ-માંડ અંશુલને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યો હતો, જે બાદ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરિવારજનો દ્વારા ગંભીર રીતે ઘાયલ અંશુલને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈટાવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મહેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પીડિતની માતાની ફરિયાદના આધારે એસસી-એસટી એક્ટ (SC/ST Act) સહિતની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સામાજિક ભેદભાવ અને નિર્દોષ લોકો પર થતા અત્યાચારના મુદ્દાને સપાટી પર લાવી દીધો છે. પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને કાયદાના હવાલે કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા 5 સાંસદો ધરણા પર બેઠાં











