‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’

વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.
Visavadars Bhutdi Untouchability

વિસાવદર: આઝાદીના સાત દાયકા બાદ પણ ગ્રામીણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાતિવાદ અને આભડછેટની માનસિકતાના કિસ્સાઓ બની રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતડી ગામે નવનિર્મિત રામજી મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના પરિવારો સાથે અત્યંત અમાનવીય અને ગંભીર ભેદભાવ રાખવામાં આવ્યો છે. આ ધાર્મિક ઉત્સવના બહાને જ્ઞાતિ આધારિત અપમાનજનક શરતો લાદવામાં આવતા સ્થાનિક દલિત સમાજમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે.

દલિતોને ઘરેથી થાળી-વાટકા લઈને આવવા કહેવાયું

ઘટનાની વિગતો મુજબ, ભૂતડી ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી રામજી મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ભાગરૂપે આખા ગામ માટે સમૂહ જમણવાર રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના આયોજક અને સ્વયંસેવક તરીકે સેવા આપતા પાંચ શખ્સોએ અનુસૂચિત જાતિના મહોલ્લામાં જઈને ગ્રામજનોને આમંત્રણ આપવાને બદલે અસ્પૃશ્યતાને પોષતી શરતો રજૂ કરી હતી. આયોજકોએ દલિત સમાજના લોકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જો તેઓએ જમણવારમાં આવવું હોય તો તેમણે પોતાના ઘરેથી જ થાળી અને વાટકા સાથે લાવવાના રહેશે, કારણ કે ગામના સાર્વજનિક વાસણોનો ઉપયોગ તેઓ કરી શકશે નહીં.

આ પણ વાંચો: આ આવ્યા ‘સરકારના જમાઈ!’ સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!’

આટલેથી ન અટકતા, આયોજકોએ અન્ય એક ભેદભાવભરી શરત પણ મૂકી હતી કે ગામના અન્ય ઉચ્ચ ગણાતા જ્ઞાતિના લોકો જમી લે ત્યારબાદ જ દલિત સમાજના લોકોએ જમવા બેસવાનું રહેશે. વળી, પ્રસાદ લેતી વખતે બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધા પણ સવર્ણોથી તદ્દન અલગ અને દૂર રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક યુવાને અવાજ ઉઠાવતા ફરિયાદ નોંધાઈ

આ આભડછેટ સામે ગામના જાગૃત યુવાન અજય બોરીચાએ અવાજ ઉઠાવ્યો હતો. તેમના આક્ષેપ મુજબ, ધાર્મિક ઉત્સવના ઓઠાં હેઠળ જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી દલિત સમાજને અપમાનિત કરવામાં આવ્યો છે. આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ કેસમાં બાબુ હપાણી, નરેન્દ્ર સીરોયા, રમણીક સોરઠીયા, અતુલ સીરોયા અને ફુલા સીરોયા નામના પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (Atrocity Act) ની કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી

આ ઘટનાને પગલે દલિત સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા છે. તેમણે વહીવટી તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો આ પાંચેય આયોજકોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં નહીં આવે, તો દલિત સમાજ એકઠો થઈને જૂનાગઢ એસ.પી. (SP) કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરશે. બંધારણે દરેક નાગરિકને સમાન ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપ્યો છે, ત્યારે જાહેરમાં આ રીતે આભડછેટ રાખવી તે માત્ર કાયદાકીય જ નહીં પણ નૈતિક રીતે પણ મોટો ગુનો છે. જો કે, હજુ સુધી વિસાવદર પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી.

આ પણ વાંચો: માણાવદરમાં રૂ. 39 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે દલિતોએ કલેક્ટરને રજૂઆત કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
  • આરોપો પાયાવિહોણા છે. GPSC ની કામગીરી પારદર્શક અને નિયમાનુસાર થઈ રહી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • ગંભીરતાથી તપાસ થવી જોઈએ. વિદ્યાર્થીઓ કે વિવિધ વર્ગો દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • સુધારાની જરૂર છે. ભરતી પ્રક્રિયામાં વધુ સમાનતા અને પારદર્શિતા લાવવાની જરૂર છે. 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
  • કંઈ કહી શકાય નહીં 0%, 0 votes
    0 votes
    0 votes - 0% of all votes
Total Votes: 0
August 10, 2026 - August 31, 2026
Voting is closed
0
Would love your thoughts, please comment.x
()
x