પોલીસને સામાન્ય માણસ સન્માનની નજરે જોવાને બદલે નફરત કેમ કરે છે, તેનો વધુ એક ચોંકાવનારો મામલો રાજસ્થાનથી સામે આવ્યો છે. અહીંના ભિવાડીમાં પોલીસકર્મીઓએ એક નિર્દોષ દલિત કિશોરને એટલો માર માર્યો કે તેના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે. કિશોરના આખા શરીરમાં સોજા ચડી ગયા છે અને હાલ તે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
મામલો ભિવાડીના યુઆઈટી (UIT) પોલીસ સ્ટેશનનો છે. અહીંના પોલીસક્રમીઓ દ્વારા એક દલિત સગીર પર કરવામાં આવેલી બર્બરતાએ સમગ્ર પ્રદેશમાં ભારે રોષ પેદા કર્યો છે. પોલીસ કસ્ટડીમાં આપવામાં આવેલા ભયાનક ‘થર્ડ ડિગ્રી’ ટોર્ચરને કારણે હાલ આ માસૂમ બાળક જયપુરની નિમ્સ (NIMS) હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહ્યો છે. આ મામલો હવે માત્ર ક્રાઈમ પૂરતો મર્યાદિત ન રહેતા રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.

કોઈ ગુનો નહીં, છતાં ક્રૂર સજા કરાઈ
પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ચોંકાવનારા છે. પરિવારનું કહેવું છે કે આ સગીર બાળકનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી, ન તો તેની સામે અગાઉ કોઈ ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં, પોલીસ તેને તેના ઘરેથી બળજબરીપૂર્વક ઉઠાવીને સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની અંદર તેને કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વગર ગોંધી રાખવામાં આવ્યો અને પૂછપરછના નામે તેના પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો.
આ પણ વાંચો: ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!
બાળકની હાલત જોતા એ સ્પષ્ટ થાય છે કે તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. પોલીસના મારને કારણે બાળકના બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયા છે અને શરીરના અનેક આંતરિક અંગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આખા શરીરે સોજા ચડી ગયા છે અને તે હાલ બોલી શકે તેવી સ્થિતિમાં પણ નથી. જ્યારે તેની સ્થિતિ અતિશય નાજુક બની, ત્યારે પોલીસે તેને હોસ્પિટલ ખસેડ્યો હતો.
હોસ્પિટલમાં પણ પોલીસનો પહેરો અને શંકાસ્પદ ભૂમિકા
પીડિત પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં પણ પોલીસ તંત્ર મામલો દબાવવાની કોશિશ કરી રહ્યું છે. જે પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) પર આક્ષેપો છે, તેઓ પોતે હોસ્પિટલમાં હાજર રહીને બાળકની પહેરેદારી કરી રહ્યા છે. પરિવારજનોને બાળકને મળવા દેવામાં પણ અવરોધ ઊભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મેડિકલ તપાસમાં સૌથી મહત્વના ગણાતા એમએલસી (MLC) રિપોર્ટ તૈયાર કરવામાં પણ વિલંબ કરવામાં આવ્યો અને દસ્તાવેજોમાં ચેડાં થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જાતિગત અપમાનથી કંટાળી દલિત યુવકે ખુદને આગ ચાંપી દીધી
ઘટનાએ રાજકીય રંગ પકડ્યો
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિપક્ષી નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. પૂર્વ મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહ, ટીકારામ જુલી અને સાંસદ સંજના જાટવ સહિતના અગ્રણીઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ટીકારામ જુલીએ હોસ્પિટલમાં બાળકની સ્થિતિ જોઈને આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે, “આ લોકશાહીમાં પોલીસની ખુલ્લી ગુંડાગીરી છે.” તેમણે માંગ કરી છે કે આ સમગ્ર કેસની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ એસઆઈટી (SIT) દ્વારા કરવામાં આવે.
4 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
સોશિયલ મીડિયા અને રાજકીય દબાણ વધતા આખરે પોલીસ પ્રશાસને નમતું જોખ્યું છે. સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિને જોતા અને દલિત સમાજના સંગઠનોના વિરોધને પગલે, સંબંધિત પોલીસ સ્ટેશનના એસએચઓ સહિત ચાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે અને જે પણ દોષિત હશે તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: દલિત મજૂરનું અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દેવાઈ
પોલીસ રક્ષક નહીં પણ ભક્ષક હોવાની છાપ મજબૂત બની
આ ઘટનાએ ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં માનવાધિકારના ઉલ્લંઘન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક નિર્દોષ સગીર પર આટલી હદે અત્યાચાર ગુજારનારા પોલીસકર્મીઓ સામે માત્ર એફઆઈઆર પૂરતી નથી, પરંતુ તેમને સેવામાંથી બરતરફ કરવાની માંગ પણ જોર પકડી રહી છે. સમગ્ર પ્રદેશ હાલ એ બાળકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે અને ન્યાયની આશા રાખી રહ્યો છે. તંત્ર માટે હવે પડકાર એ છે કે તેઓ પીડિત પરિવારને ન્યાય અપાવે અને પોલીસની ખરડાયેલી છબીને સુધારે.
આ પણ વાંચો: કાજલ મહેરિયાએ લગ્ન અંગે કહ્યું, ‘હું દોઢ વર્ષથી રિલેશનમાં હતી’












