Ahmedabad: અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં રહેતા અને રૂગનાથપુરાની પીઠ પાસે ફ્રૂટની લારી ચલાવી ગુજરાન ચલાવતા એક વિધવાની લારી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરી લેવામાં આવતા તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. લારી છોડાવવા માટે છેલ્લા બે મહિનાથી ધક્કા ખાઈ રહેલા આરતીબેન આજે દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા, જ્યાં તંત્રના ઉદાસીન વલણ બાદ તેમણે આક્રંદ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો લારી પરત નહીં મળે તો તેઓ કાલથી દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દેશે.
મામલો શું હતો?
મળતી વિગતો મુજબ, આરતીબેન નામના આ મહિલા વિધવા છે અને તેમના માથે પાંચ સંતાનોના પાલનપોષણની મોટી જવાબદારી છે. છેલ્લા બે મહિનાથી લારી જપ્ત હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે અને પડોશીઓના સહારે તેમનો પરિવાર નભી રહ્યો છે. પોતાની લારી પરત મેળવવા આજે તેઓ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જીદ પર ઉતર્યા હતા. જ્યારે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરતીબેને તેમને આજીજી કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવ્યા હતા અને ઉચ્ચ અધિકારીએ પણ તેમની રજૂઆત સાંભળ્યા વગર ઓફિસમાં જતા રહ્યા હતા.

AMC ના તંત્ર સામે મહિલાનો આક્રોશ
અધિકારીઓના તિરસ્કારથી કંટાળેલી મહિલા કચેરીના ઓટલા પર જ બેસી ગઈ હતી અને તંત્રના વલણ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રડતા રડતા પોલીસને જણાવ્યું હતું કે, “હું કાયદેસરનો દંડ ભરવા પણ તૈયાર છું, છતાં લારી કેમ પાછી નથી અપાતી? મારા બાળકો ભૂખ્યા મરે છે.” તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જેઓ ગેરકાયદેસર ધંધા કરે છે અને પૈસા આપે છે તેમને હેરાન કરવામાં આવતા નથી, પરંતુ પ્રામાણિક લોકોને હપ્તાખોરીના કારણે ત્રણ-ત્રણ મહિના સુધી રઝળાવવામાં આવે છે. તેમણે અંતે ચીમકી આપી હતી કે જો લારી નહીં મળે તો તેઓ કાગડાપીઠ પોલીસ ચોકીની સામે જ દારૂ વેચશે.
પોલીસ બોલાવી મહિલાને લઈ જવાઈ
સ્થિતિ વણસતા 112 જનરક્ષક અને કારંજ પોલીસનો કાફલો કોર્પોરેશન કચેરીએ દોડી આવ્યો હતો. પોલીસ કર્મીઓએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રુદન કરી રહેલી મહિલા લારી લીધા વગર જવા તૈયાર નહોતી. તંત્ર દ્વારા એક ગરીબ મહિલાની રોજીરોટી છીનવી લીધા બાદ અધિકારીઓની સંવેદનહીનતા આજે દાણાપીઠ કચેરીમાં ચર્ચાનો વિષય બની હતી. લારી જપ્ત થવાની કાર્યવાહી અને ત્યારબાદ મહિલાને રજૂઆત કરવા પણ ન દેવાતી પદ્ધતિ સામે સામાજિક સ્તરે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ આકાશવાણી અમદાવાદમાં સરકારી ખર્ચે ‘ગાયત્રી યજ્ઞ’ યોજાયો!











